આત્મનિષ્ઠાના ફાયદા શું?...

આત્મનિષ્ઠાના ફાયદા શું?...

વહાલા ભક્તો ! આપણા ગુરુજીએ આ સં.૨૦૭૮ વર્ષનું “આત્મનિષ્ઠા” એવું નામ આપી આ આખું વર્ષ આત્મનિષ્ઠાનો અભ્યાસ કરવાની આજ્ઞા કરી છે. જો તેનો અભ્યાસ કરવો હોય તો તેના ફાયદાની જાણકારી હોવી જરૂરી છે. કેમ જે, જીવને જેમાં લાભ મનાય છે તેને મેળવવા તેનાથી મહેનત થાય છે. આત્મનિષ્ઠાના ફાયદા શ્રીહરિએ પોતે બહુ જ સારા દર્શાવ્યા છે.

આત્મનિષ્ઠા સંતો-ભક્તો સાથે કુસંપ કે અભાવઅવગુણથી ઉગારે છે.

આપણે જે સંતો-ભક્તોની સાથે રહીએ છીએ, સાથે સેવા-ભજન કરીએ છીએ, તેમની સાથે આપણે સંપૂર્ણપણે ભળી શકતા નથી. ઘણી વાર આપણાં તન, મન કે સ્વભાવને કારણે તેમને ન ગમે તેવું કાંઈક તો બનતું હોય છે, ખરું ને...? તેવા સમયે જો તેમના અભાવ-અવગુણ લઈએ કે અપરાધ કરીએ તો આપણું બહુ જ બગડી જાય. માટે તે પાપથી બચવા આપણે શું કરવું જોઈએ ? તેનો ઉપાય મહારાજ આવો બતાવે છે -

સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહં -મમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય, ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે ને તેમાંથી એનું બહુ ભૂંડું થાય; માટે પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો.” - વચ.અં-૩૯

જો આત્મનિષ્ઠા દૃઢ હોય તો કેવો મોટો ફાયદો થાય ? તે વિષે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી આવું કહે છે, દેહાદિક કહ્યાં તેનો કોઈક અતિશય નિષેધ કરે તથા પોતાને વસમાં લાગે એવાં વચન કહે તથા પોતાના સંબંધીને કોઈ ખોદે તોપણ તેનો અવગુણ ન આવે. શા માટે જે, એણે આગળથી જ એવો નિર્ધાર કરી રાખ્યો છે જે, આ દેહ ને દેહનાં સંબંધી તે તો જેવાં પૂર્વજન્મનાં છે તેવાં જ છે. માટે તેણે કરીને મનમાં હર્ષ-શોક ન કરે તથા મનમાં પણ વસમું ન લાગે.

આત્મનિષ્ઠા માયિક સુખ-દુ:ખના બંધનથી બચાવે છે.

જ્યારે ધન, ખાન-પાન કે માન-સન્માનરૂપી સુખસગવડતાનો યોગ થાય છે, ત્યારે જીવને તેમાં શ્રીહરિ તથા સંતો-ભક્તોથી પણ વધુ પ્રેમ થઈ જાય છે. તેમાં જીવ બંધાય જાય છે. જો દુ:ખ કે અગવડતાઓ આવી પડે તો દ્વેષ કે ઉદ્વેગ થઈ જાય છે. આમ લૌકિક સુખ કે દુ:ખ એ બન્ને આપણો મોક્ષ બગાડે છે. જો આપણે તેનાથી અલિપ્ત રહેવું હોય તો મહારાજે બતાવેલ આ ઉપાય અતિ જરૂરી છે -

જે ભગવાનને ભજે તેને એક તો દૃઢ વૈરાગ્ય જોઈએ અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. તેમાં જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ-દુ:ખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિઓ ચૂંથાઈ જાય; પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુ:ખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બેય અતિશય દૃઢ જોઈએ. શા સારુ જે, આત્મનિષ્ઠાએ કરીને માયિક જે સુખ ને દુ:ખ તે ખોટાં થઈ જાય છે. - વચ.અં-૧

આત્મનિષ્ઠાથી દેહ તથા સગાં-સંબંધીઓના સ્નેહરૂપી માયાથી છૂટાય છે.

ગામ પેથાપુરના વરહા ખેરને પોતાની પુત્રીમાં મમત્વ હતું, તો પોતાના અંતકાળે તેની સ્મૃતિ થઈ. પછી તેને દીકરો જન્મે તેવું મહારાજ પાસે માંગ્યું. તેથી પોતાને મુક્ત થવાને બદલે દીકરીનો દીકરો થવું પડ્યું. જો આપણે એવું થવા દેવું ન હોય તો આત્મનિષ્ઠા અતિ આવશ્યક છે.

જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહનાં સંબંધીને વિશે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય.” - વચ.મ-૩૫

પંચાળાવાળા ઝીણાભાઈને સમજણ હતી તો મહારાજે તેમના દીકરા હઠીસિંહ વિષે કાંઈક માંગવાનું સામેથી પૂછ્યું તોપણ જરાય લલચાયા નહીં. ક્યારેક દેહનાં સગાં અને સત્સંગીઓ વચ્ચે કાંઈક વિખવાદ થાય ત્યારે આપણે કોનો પક્ષ લઈએ છીએ ? જો સ્ત્રી-છોકરાના પક્ષે કરીને શ્રીહરિનાં સગાં એવા સંતો કે ભક્તોમાંથી ભાવ ઘટાડીએ તો તે આત્મનિષ્ઠાની મોટી ખામી કહેવાય. માટે આત્મનિષ્ઠા દૃઢ કરવી ખૂબ જરૂરી છે.

આત્મનિષ્ઠાથી સાચું સંત-ભક્તપણું કેળવવામાં મદદ મળે છે.

દેહાભિમાન હોય ત્યાં સુધી ભજન, ભક્તિ, સેવા વગેરે સર્વે સાધનો શરીર તથા સગાં-સંબંધીના સુખ માટે થઈ જાય છે. વર્ણ કે આશ્રમનું માન મૂકી શકાતું નથી. ઘણું જાણતા હોવા છતાં રઘુનાથદાસ તથા અલૈયા ખાચરની જેમ ટાણે તે સમજણ કામ લાગતી નથી. ભગવાનના ભક્ત ગણાતા હોવા છતાં સાચા સંત કે ખરા ભક્ત બની શકાતું નથી. આપણે હવે આમાં કાંઈ સુધારો કરવો છે ? તો વચનામૃતમાં મહારાજ આવો ઉપાય બતાવે છે-

જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહ ને દેહના સંબંધીને વિશે અહં -મમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. - વચ. પ્ર.૪૪

આટલો બધો આત્મનિષ્ઠા દૃઢ કરી ભગવાન ભજવાનો ફાયદો છે. માટે આ વર્ષે પૂ.ગુરુજીની આજ્ઞાને ઉત્સાહથી વધાવી આત્મનિષ્ઠાનો અભ્યાસ અવશ્ય કરી લેવો. જો આ વર્ષે એ કામ કરી લઈશું તો આખી જિંદગી તેનો ફાયદો મળશે, દેહ છતાં અક્ષરધામનો આનંદ આવવા લાગશે. માટે ચાલો આપણે બધા આત્મનિષ્ઠા દૃઢ કરવા મંડી પડીએ...