આત્મનિષ્ઠાના ઉપાય-૨

આત્મનિષ્ઠાના ઉપાય-૨

વહાલા ભક્તો ! કોઈ પણ જ્ઞાનને આત્મસાત્ કરવું હોય, જીવનની હર પરિસ્થિતિમાં પ્રેક્ટિકલ રાખવું હોય તો તેનું આક્રમક થઈને મનન-નિદિધ્યાસન કરવું અતિ આવશ્યક છે. આપણે ખરેખર શુદ્ધ ચૈતન્ય આત્મા હોવા છતાં પોતાને ભૂલી ગયા છીએ. ભ્રમવશાત્ હવે આપણે પોતાને દેહરૂપે માનીએ છીએ. જેમ સિંહનું બચ્ચું ઘેટા-ઘેટીને સંગે રહેતાં પોતાને પણ ઘેટા-ઘેટીરૂપે માનવા લાગે છે, તેમ જ આપણે પણ આપણને સ્ત્રી-પુરુષરૂપે માની બેઠા છીએ.

આવો ભયંકર ભૂંડો ભ્રમ થઈ જવાનું કારણ શું ? તથા તેમાંથી નીકળવાનો ઉપાય શું ?

આ બાબતે પ્રભુ પોતે આવું કહે છે - જીવને દેહ, ઈન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે; માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે. તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, ‘મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે.’ એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે, પણ એને આ વાર્તા સાંભળી હોય તોપણ નિરંતર સ્મૃતિ રહેતી નથી એ મોટો દોષ છે.” (વચ.ગ.મ. ૩૧)

દેહરૂપી ઘેટાને સંગે આપણે આપણને ભૂલી ગયા, પણ હવે ફરી આપણા મૂળસ્વરૂપમાં આવવું હોય તો સિંહ જેવા આપણા ઓરિજનલ બ્રહ્મસ્વરૂપનું સતત ચિંતન કરીએ તો મહારાજ કહે છે બ્રહ્મરૂપ બની જવાય ખરું, પરંતુ એ વાત વારંવાર ભૂલી જઈએ છીએ. આક્રમક બનીને વેગીલું ચિંતન કરતા નથી એટલે આત્મનિષ્ઠા સિદ્ધ થાતી નથી.

વહાલા ભક્તો ! જાે આપણે દેહરૂપ મટીને આત્મનિષ્ઠ થવું હોય તો આપણા મૂળભૂત આત્મસ્વરૂપનું કે એકરસ પરિપૂર્ણ બ્રહ્મસ્વરૂપનું સતત ચિંતન ચાલું રાખવું જરૂરી છે. ખેર આપણે અખંડ એનું અનુસંધાન રાખી ન શકીએ તો એક નિયમ લેવો અતિ આવશ્યક છે -

સવારે પ્રભુની પૂજા કરીએ, જ્યારે જ્યારે માનસીપૂજા કરીએ, માળા કે ધ્યાન-ભજન કરવા બેસીએ ત્યારે અચૂક ત્રણ દેહથી પર પોતાના આત્મ સ્વરૂપને સંભારીને જ કરવું. પોતાને બ્રહ્મરૂપે માની ભગવાનનું ભજન-પૂજન-સ્તવન વગેરે કરવું. વળી, કથા-કીર્તન કે વાંચનમાં જ્યારે જ્યારે આત્મનિષ્ઠાની વાત આવે ત્યારે હું આત્મા કે અક્ષરધામ જ છું; એ વાતનું અનુસંધાન અવશ્ય કરવું.

આ માટે બીજી એક બાબત પણ અતિ ઉપયોગી છે :

આપણા ગુરુજી પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ એક કીર્તનનું આલ્બમ પ્રકાશિત કર્યું છે – आप को पाना है એમાં બીજું જ કીર્તન છે ‘ज्ञान ज्ञान बस ज्ञान ही हुं’ આ કીર્તનને વારંવાર સાંભળવું. એના દરેક શબ્દ મુજબ પોતે પોતાનું વિઝયુંલાઈજેશન-ચિત્રણ કરવું. એવાં બીજાં પણ જે જે કીર્તનો હોય તેનો પણ અભ્યાસ કરવાથી આત્મનિષ્ઠા દૃઢ કરવામાં ઘણો જ ફાયદો થાય છે.

આમ, આત્મસ્વરૂપના વાંચન કે શ્રવણ દ્વારા જેટલું વધુ તેનું મનન-ચિંતન કરીએ તેટલી જલ્દી આત્મનિષ્ઠા કેળવી શકાય છે. અભ્યાસ કર્યા વિના તો કોઈ જ વાત સિદ્ધ થાતી નથી, તો આ અલૌકિક બાબત તો સિદ્ધ થાય જ ક્યાંથી ?

આત્મનિષ્ઠાના અભ્યાસમાં અવશ્ય ધ્યાનમાં લેવા જેવી બીજી એક ખાસ બાબત :

જેમ ગુરુત્વાકર્ષણને કારણે કોઈ પણ વસ્તુ પૃથ્વી તરફ તો આપોઆપ વેગથી આવે છે, પરંતુ જાે તેને અંતરિક્ષમાં લઈ જવી હોય તો સ્પેસ-શટલની સહાય આવશ્યક છે; તેમ દેહાભિમાન અને વિષયની વાસનાના આકર્ષણમાંથી આત્માને એક જ જન્મે બ્રહ્મરૂપ બનાવવો હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમની નિષ્ઠા તથા ઉપાસનારૂપ સહાય મેળવવી અતિ આવશ્યક છે.

સર્વોપરી શ્રીહરિની નિષ્ઠાના બળે, તેના ધ્યાન-ભજનના સથવારે તત્કાળ બ્રહ્મરૂપ બની શકાય છે. ભગવાનનો આશરો, મહિમા, ઉપાસનાના આધાર વિના સંપૂર્ણ બ્રહ્મરૂપ બનવું અશક્ય છે.

એટલે જ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ બ્રહ્મરૂપ બનવા આવી ટકોર ખાસ કરે છે - “જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે.” (વચ.પ્ર.૨૦)

જાે પ્રભુના પ્રતાપને બળે આત્મનિષ્ઠાનો અભ્યાસ કરીએ તો આત્મા અને પરમાત્મા બંનેનો સાક્ષાત્ અનુભવ થઈ શકે છે.

જાે આપણે એવું માનતા હોઈએ કે પહેલા બ્રહ્મરૂપ બની જાવ પછી પરબ્રહ્મનું ધ્યાન-ભજન કરીશ; તો એ પગ વિના ચાલવાનો પ્રયત્ન કરવા તૂલ્ય મોટી ભ્રમણા છે. સ્પેશશિપની સહાય વિના પોતાની જાતે અંતરિક્ષની સફર કરવાનો ઉમંગ રાખવા જેવી ભૂલ છે. એટલે જ મહારાજે આવી વાત કરી છે – ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહિ ને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. (વચ.અંત્ય-૩૬)

પોતાને બ્રહ્મરૂપ માનીને પછી ભક્તિ કરવી. રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે… આવાં સર્વે વિધાનોનો અર્થ એ જ કરવો જાેઈએ કે, ભગવાનની ભક્તિ, ધ્યાન-ઉપાસના કરીએ ત્યારે પોતાને દેહથી પર આત્મા કે બ્રહ્મરૂપે માનીને કરવાનો અભ્યાસ કરવો. કદાચ બ્રહ્મભાવે ભજન ન થઈ શકે તો ભગવાનનું ધ્યાન-ભજન બંધ ન કરી દેવું પણ તેમાં બ્રહ્મભાવનું અનુસંધાન ભેળવવાનો પ્રયાસ અવશ્ય કરવો.

આત્મનિષ્ઠા માટે ભગવાનની નિષ્ઠા તથા ઉપાસનાની અનિવાર્યતા સ્વયં શ્રીહરિ તેમના શબ્દોમાં આમ સમજાવે છે. ‘‘શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં’, એમ વિગતિ થતી નથી; એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે, પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતાં નથી.’ (વચ.પ્ર.૫૬)

આનો મતલબ એ કે, આપણે પરબ્રહ્મ પુરુષોત્તમનો મહિમા, કેફ અને આશરાનો સહારો લઈને તેના બળે બ્રહ્મરૂપ થવાનો અભ્યાસ કરવાનો છે.

ભગવાનની નિષ્ઠા તથા ઉપાસનાનું બળ એટલે શું ?

‘સર્વોપરી શ્રીહરિ મારા સ્વામી છે અને હું તેનો સેવક છું. તે મારા ઉપાસ્ય છે અને હું તેનો ઉપાસક છું. જો મારા ઉપાસ્ય ઈષ્ટદેવ પુરુષોત્તમનારાયણ છે તો હું તેનો ઉપાસક દેહરૂપે નહિ પણ અક્ષરધામરૂપે જ છું. મારામાં અક્ષરાતીત પુરુષોત્તમ સાક્ષાત્ બિરાજમાન હોવાથી હું અક્ષરબ્રહ્મ જ છું; માટે હવે એવા અનુસંધાન સાથે જ તેમનું ધ્યાન-ભજન કરીશ.’

આવા નિષ્ઠા-ઉપાસનાના બળે આપણે જો બ્રહ્મભાવે પરબ્રહ્મનું ધ્યાન-ભજન કરતા રહીએ તો પ્રભુના પ્રતાપે તત્કાળ બ્રહ્મરૂપ બની જઈશું.

આવા અભ્યાસ માટે પ.પૂ.શ્રીગુરુજી રચિત ‘હું તો સચ્ચિદાનંદ બ્રહ્મ સદા’ આ કીર્તનનું વારંવાર ગાન કે શ્રવણ કરી તેના ભાવ પ્રમાણે પ્રેક્ટિસ કરીશું તો ચોક્કસ તત્કાળ બ્રહ્મરૂપ થવાની ફાવટ આવશે. આપણા આદિગુરુ અને પ્રભુના પ્રાણપ્યારા અનાદિ મુક્તરાજ શ્રીગોપાળાનંદ સ્વામી, શ્રીગુણાતીતાનંદ સ્વામી અને પર્વતભાઈ જેવા મુક્તો બ્રહ્મરૂપ બનવાની આવી પદ્ધતિ આપણને શીખવી ગયા છે.

હે વહાલા મહારાજ ! હે સર્વે મુક્તો ! આપ સહુ મારા પર એવી કૃપા વરસાવજો કે, આપે ચીંધેલ આ રાહ પર ચાલી આપના બળે હું પણ બ્રહ્મભાવે પરબ્રહ્મને ભજવાનો અભ્યાસ કરી શકું. અને આ જ જન્મે અખંડ આત્મામાં પરમાત્માને અનુભવવાનો પાત્ર બની શકું...