
ખરેખર તો આપણે ચેતન આત્મા છીએ, જડ દેહ નહીં; પણ આત્મારૂપે વર્તતા નથી એટલે દેહમાં અહં અને દેહના સંબંધીમાં મમત્વરૂપ માયા વળગી છે. કામ, ક્રોધ અને માન જેવા દોષો પીડે છે. અનેક પ્રકારનાં દુ:ખો ભોગવવાં પડે છે. જો અખંડ આત્મારૂપે વર્તી પરબ્રહ્મપરાયણ રહીએ તો મુક્ત જ છીએ.
એવી આત્મનિષ્ઠા દૃઢ કરવાના ઉપાય શું ?
આપણા ઈષ્ટદેવ સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાને આત્મનિષ્ઠાના નીચે મુજબના ઘણા ઉપાય દર્શાવ્યા છે. જો આપણે એ પરાવાણીને શાંતિથી વાંચી, સમજીને વાગોળીશું તો તેનો પૂરેપૂરો ફાયદો થશે. માટે હવે પછીની દરેક વાત ફક્ત વાંચવા ખાતર વાંચી જવી નહિ પણ એના અર્થનું મનન કરતાં થકાં વાંચવું.
૧. આત્મસ્વરૂપની શુદ્ધ ચોખ્ખી સમજણ...
એક વાર કે અનેક વાર વાંચી, સાંભળી, વિચારીને આપણું આત્મસ્વરૂપ જેવું છે તેવું ચોખ્ખું સમજવું જરૂરી છે.
કેવો છે તે આત્મા ?
તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી; એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યનાં કિરણ તે તો જડ છે. કેમ જે, તેને આંગળી અડાડીએ તો ખસે નહિ અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે; માટે આત્મા તે જાણપણે યુક્ત છે. - વચ.અં.૩૯
૨. આત્માને દેહ તથા દેહનાં સંબંધી થકી તદ્દન જૂદો જ જાણવો...
જેમ દિવસને ચોખ્ખો સમજવા માટે તેને રાતથી જૂદો પાડવો જરૂરી છે. સોનાને યથાર્થ સમજવા માટે પિત્તળથી જૂદું સમજવું આવશ્યક છે; તેમ આત્માને યથાર્થ ઓળખવા માટે તેને દેહ તથા દેહનાં સંબંધીથી સંપૂર્ણ જૂદો સમજવો અનિવાર્ય છે.
આત્માને દેહ તથા દેહનાં સંબંધીથી કેવી રીતે જૂદો સમજવો ?
એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે ? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો (શર્ટ) સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે, એમ જે માને તે મૂર્ખ કહેવાય; તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે, તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહનાં મા-બાપને પોતાનાં મા-બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. - વચ.પ્ર.૪૪
જેમ ગાય, ભેંશ કે ગધેડાના દેહમાં રહેલ આત્મા પોતાને ગાય, ભેંશ કે ગધેડારૂપે જ માને છે. તેના દેહને જન્મ આપનાર પશુને પોતાનાં મા-બાપ માને છે. તે કેવડી મોટી ભૂલ ગણાય ? એવડી જ ભૂલ આપણે પણ કરી રહ્યા છીએ. જો આપણે પોતાને દેહ તથા દેહનાં સંબંધીથી જૂદા ન માનીએ તો. એટલે આપણા ઈષ્ટદેવ વહાલા મહારાજ આપણને વિસ્તારથી આવું સમજાવે છે -
આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ અને દેહનાં જે સંબંધી તેને પોતાનાં સંબંધી માનવાં નહિ; કેમ જે, આ જીવ છે તે ચોરાશી લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટ જન્મ લીધા છે. તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીનડિયો, જેટલી વાનરિયો એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છેતેમાં કઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે; તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાતનાં સગપણને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ અને આ દેહનાં સંબંધીને પોતાનાં સંબંધી માનવાં નહિ; કેમ જે, ચોરાશી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહ-ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઈન્દ્રિયો, અંત:કરણ તેથી જૂદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામભક્તિ કરવી. - વચ.પ્ર.૨૧
૩. દેહ તથા દેહના ધર્મો અને આત્મા તથા આત્માના ધર્મોને જેમ છે તેમ ચોખ્ખા જૂદા સમજવા.
“હું ચૈતન્ય છું ને દેહ જડ છે, અને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે, અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે, અને હું આનંદરૂપ છું ને દેહ દુ:ખરૂપ છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે, ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં" - વચ.સા.૧
૪. દેહ તથા આત્માના ગુણ-ધર્મોને જૂદા સમજી પછી તેનો વારંવાર અભ્યાસ કરવો.
દેહના ભાવ તે દેહને વિશે હોમવા (વારંવાર માનવા-ધારવા) અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા. બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે, તે આત્માને વિશે માનવા જ નહિ; અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે, તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહિ, એ ગુણ તો આત્માને વિષે સમજવા. - વચ.સા.૧૩
કોઈ પણ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કર્યા વિના તે વર્તનમાં આવતું નથી. જ્ઞાનને અનુભવમાં લાવવું હોય તો તેનો અભ્યાસ અનિવાર્ય છે. આત્મનિષ્ઠા દૃઢ કરવા માટે આત્મજ્ઞાનનો કેવી રીતે અભ્યાસ કરવો ?
એ જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો. જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય, તેણે તેનો બાપ મારી નાંખ્યો હોય તો તેની તેને બહુ દાઝય થાય ને તે દાઝય થતી હોય ને વળી તેનો દીકરો મારી નાંખે ને વળી ભાઈને મારી નાંખે ને વળી બાયડીને લઈ જાય ને વળી માને લઈને મુસલમાનને આપે ને વળી ગામગરાસ ઝૂંટી લે, એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાઝય થાય ને જાગ્રત-સ્વપ્નમાં સર્વકાળે એને એ વાતનો જ આલોચ રહે. તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય અને એને ગમે તેવો આપત્કાળ પડે તો તેને વિશે એની સહાય કરે. - વચ.અં.૩૯
આ રીતે આપણે વારંવાર અભ્યાસ કરતા રહીશું તો દેહથી જૂદા આત્મારૂપે વર્તી શકીશું.