
સં.૧૮૭૬માં મહારાજે આદરજમાં મોટો અન્નકૂટ ઉત્સવ કર્યો. ત્યાં બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી,ચૈતન્યાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી; આ ચાર સંતોને સદ્દગુરુ તરીકે સ્થાપ્યા. પછી મહારાજ અમદાવાદ અને અસલાલી થઈ જેતલપુર પધાર્યા. ત્યાં દેવ સરોવરને કાંઠે મોટી સભા કરી. ત્યાં પ્રાંતિજના તુલજારામ ભક્ત શ્રીહરિને પગે લાગ્યા. ત્યારે મહારાજે તેમને પૂછ્યું, ‘તું કોણ ?’ ત્યારે તેઓ કહે, ‘હું આત્મા છું.’ મહારાજે બે-ત્રણ વાર પૂછ્યું. છતાં તેનો તે જ ઉત્તર આપ્યો. એટલે મહારાજ કહે, ‘પ્રાંતિજનો વાળંદ છો અને કહે છો કે, હું આત્મા છું.’ ત્યારે તેઓ કહે, ‘એ તો દેહ છે અને હું ત્તો બ્રહ્મ છું, આત્મા છું.’ એટલે મહારાજ કહે, ‘આત્મા કપાય નહીં, માટે અહીં માથું મૂક.’ ત્યારે તેમણે શ્રીહરિના પલંગની કોરે માથું મૂક્યું.
પછી મહારાજે તેમની ડોકે તલવાર અડાડી કહ્યું , ‘કહે, હું દેહ છું, નહીં તો કાપી નાંખીશ.’ છતાં તે કહે, ‘હું તો આત્મા જ છું. કપાય તો દેહ કપાશે.’ આવી તેમની આત્મનિષ્ઠા જોઈ મહારાજ અતિ રાજી થયા. ને પૂછ્યું, ‘આવું જ્ઞાન કોની પાસેથી શીખ્યા છો ?’ ત્યારે તેઓ કહે, ‘આ સંતો પાસેથી શીખ્યો છું.’
વહાલા ભક્તો, આ તો શ્રીજીમહારાજ તુલજારામની આત્મનિષ્ઠાની ઉઘાડી પરીક્ષા કરતા હતા, ને તેમણે આત્મનિષ્ઠા દૃઢ કરી હતી, તો પાસ થઈ ગયા. આપણે પણ શ્રીજીમહારાજના આશ્રિત થયા છીએ. તો આપણી પણ ગમે ત્યારે મહારાજ દૈહિક, માનસિક કે લૌકિક દુ:ખ, ભીડો વગેરે આપી ચકાસણી કરશે. ત્યારે જો આત્મનિષ્ઠા પક્વ કરી હશે, તો પાસ થઈશું અને શ્રીહરિના કૃપાપાત્ર થઈશું અને તેમની કૃપાથી જ તેમને પામી જઈશું. માટે ચાલો, આપણે ભક્તચિંતામણી ગ્રંથમાં રહેલ આત્મનિષ્ઠા દૃઢ કરાવનારી થોડી કડીઓનો અભ્યાસ કરી, તેને પ્રેક્ટિકલ કરીએ.
દેહ કેડે વળગ્યો સંસાર, પાપ પુણ્ય વળી પરિવાર;
સુખ દુ:ખ માન અપમાન, હર્ષ શોક વૃદ્ધિ વળી જ્યાન...૨૭
એહ સર્વે રહ્યા દેહ વાંસે, દેહ માનતાં સર્વે મનાશે;
જ્યારે થાય દેહથી નિ:સ્પ્રેહ, ત્યારે તૂટે સહુ શું સનેહ...૨૮
જ્યારે મનાય આતમા આપ, ત્યારે જાય સર્વે સંતાપ;
આત્મરૂપ મનાય આપણું ત્યારે નર પામે નિ:સ્નેહીપણું...૨૯
આતમાને કોણ માત તાત, આતમાને કોણ નાત્ય જાત;
કુળ કુટંબ જે પરિવાર, આતમાને નહિ સુત નાર...૩૦
આતમાને નહિ આપ પર, શત્રુ મિત્ર ને નહિ અવર;
આતમાને નહિ ધરા ધામ, આતમાને નહિ દેશ ગામ...૩૧
આતમાને નહિ ધન માલ, અશન વસન ભૂષણ રસાલ;
માટે આતમા આપે મનાય, ત્યારે સર્વેથી નિ:સ્નેહ થાય...૩૨
આપે થઈ આતમસ્વરૂપ, ભજે પ્રભુ પરમાત્મા રૂપ;
રાખે પુરુષોત્તમ માંહી પ્રીત, બીજે બેસે નહિ કિયાં ચિત્ત...૩૩
(ભ.ચિં.- પ્ર.૧૦૯/૨૭-૩૩)
સત ચિત્ત આનંદ સ્વરૂપ, એવું મનાણું આપણું રૂપ;
પછી બ્રહ્માદિ કીટ પર્યંત, તેમાં મોહ પામે કેમ સંત...૩૬
આપે થયા છે આતમારામ, સદા સુખિયા પૂરણકામ;
મેલી પિંડ બ્રહ્માંડનું માન, થયા બ્રહ્મસ્વરૂપ ગુલતાન...૩૭
(ભ.ચિં.- પ્ર.૧૧૦/૩૬-૩૭)