
વહાલા ભક્તો ! આપણે આ માયિક જડ દેહ નથી, પણ શુદ્ધ ચૈતન્યમય આત્મા છીએ. આ દેહ જન્મ્યો છે અને એક દિવસ મરવાનો જ છે. જ્યારે આપણે આત્મા અજન્મા અને અમર-અવિનાશી છીએ. હજુ સુધી પ્રભુને પામ્યા નથી એટલે અનંત જન્મોથી ભટકી રહ્યા છીએ. જેમ કોઈ વ્યક્તિ દરરોજ વસ્ત્ર બદલે તેમ દરેક જન્મમાં નવો દેહ, નવાં મા-બાપ, નવાં સ્ત્રી-છોકરાં મળી રહ્યાં છે. આપણે આત્મા તો અનાદિથી એના એ જ છીએ. આ વાત સનાતન સત્ય છે.
આપણે પણ એ વાતને સાચી જ માનીએ છીએ, પરંતુ જો આપણું અપમાન થાય, કોઈ આપણી નિંદા કરે તો અજ્ઞાની જીવ જેટલું જ વસમું લાગે, તો એ પોપટિયું જ્ઞાન કાંઈ કામ ન લાગ્યું. વળી, દેહમાં કાંઈક રોગ થાય, જલદી સારું ન થાય તો ચિંતા વધી જાય કે, ‘હું મરી જઈશ તો ?’ આવો ભય લાગવા માંડે તો પેલું ગોખણિયું જ્ઞાન શું કામ લાગ્યું ?
આપણા સંપ્રદાયમાં મોટા અખંડાનંદ નામના એક મહાન સંત હતા. એક દિવસ તેમના વિષે કોઈ સાધુએ એવી અફવા ફેલાવી કે, અખંડાનંદ સ્વામીએ સ્ત્રી સાથે પાપ કર્યું છે. પછી એ સાધુ જ્યારે રૂબરૂ મળ્યા, ત્યારે સહજપણે સ્વામી એટલું જ બોલ્યા કે, ‘साधरामु ! जूठ क्यों बोलते हो ?’ આપણા વિષે કોઈ આવા મોટા કલંકની ખોટી વાત કરે, તો આપણને શું થાય ? આવી મોટી તો નહિ, પણ એનાથી ઘણી નાની કરી હોય તો પણ આપણી ઊંઘ હરામ થઈ જાય. તેના વિષે બહુ ઝાઝો ભાવફેર થઈ જાય છે. ઘણીવાર તો આપણામાં જે ભૂલ કે દોષ હોય જ, તેના વિષે આપણા હિતેચ્છુ કોઈને વાત કરે તે પણ આપણાથી સહન થતું નથી. પછી આપણી આ માન કે દેહાભિમાન રૂપ ખોટ સ્વીકારવાને બદલે આપણે આપણા હિતેચ્છુને વિરોધી માની લેતા હોઈએ છીએ.
આપણને આવા મોટા સર્વોપરી મહારાજ મળ્યા છે ! તેના વહાલા સંતો-ભક્તો મળ્યા છે ! તે આપણા અને આપણે તેના છીએ ! છતાં તેનો કેફ રહેવાને બદલે એકલો ઉદ્વેગ રહેવા લાગે, તો આપણામાં અને અજ્ઞાનીમાં શું ફરક પડયો ? આનો અર્થ એ કે, આપણું આત્મજ્ઞાન અને માહાત્મ્યજ્ઞાન કેવળ માહિતી-વિચારમાત્ર છે, પણ વર્તન બન્યું નથી.
જેમ કોઈ પુરુષને કોઈ એમ કહે કે, એ તો સ્ત્રી છે, તો એક સેકન્ડનો પણ સમય લીધા વિના તે વ્યક્તિ પોતે એમ માનશે કે, ‘નહિ, હું તો પુરુષ જ છું.’ અથવા એ હસી પડશે કે, આ લોકો મને ઓળખતા નથી. અથવા એ ખીજાશે કે, મને આવું કેમ કહો છો ? પરંતુ, આવું આપણી પોતાની બાબતમાં કેમ બનતું નથી ? જેમ કે, આપણે ખરેખર આત્મા હોવા છતાં આપણને કોઈ ફલાણા ભાઈ કે અમુક બહેન તરીકે બોલાવે તો તરત માની લઈએ છીએ કે, હું એ ભાઈ કે એ બહેન પોતે જ છું. ૮૦ વર્ષના માડીને કોઈ કહે કે, તમે બ્યુટીફુલ છો; તો ખુશ થઈ જાય. આપણને કોઈ બુદ્ધિશાળી કહે તો ખુશ-ખુશ થઈ જઈએ અને બુદ્ધિ વિનાના કહે તો અત્યંત ખોટું લાગી જાય. પરંતુ મનોમન હસી પડતા નથી કે, હું તો ખરેખર આત્મા જ છું, પણ એ બિચારા મને ઓળખતા નથી. એટલું જ નહિ, પણ આપણે પોતે પોતાને જ્યારે સ્ત્રી કે પુરુષરૂપે માનવા લાગીએ, ત્યારે ખીજાતા કે આપણા અજ્ઞાનને ઓળખતા નથી.
એનો મતલબ એ કે જેટલો દેહભાવ દૃઢપણે મનાઈ ગયો છે, એટલો આત્મભાવ દૃઢ થયો નથી. એટલે દેહનાં નામ, રૂપ, વખાણ કે નિંદા- ટીકાની આટલી બધી અસર થાય છે.
જો આ અજ્ઞાનને અભ્યાસ કરી દૂર ન કરીએ, તો આખી જીંદગી જતી રહે તોપણ હર્ષ-શોક બંધ ન થાય. ગમે તેટલા જ્ઞાની ગણાઈએ, પ્રસિદ્ધ થઈ જઈએ તોપણ કામ-માનાદિ દોષોની પીડા ન ટળે. કેમ જે, મૂળ ઉખાડ્યા વિના વૃક્ષ સુકાય કેવી રીતે ? દોષમાત્રનું મૂળ તો દેહાભિમાન છે. દેહાભિમાન ટાળીએ તો દોષ અને તેના હર્ષ-શોક દૂર થાય.
મહારાજે કહ્યું છે - “જો દેહાભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને ‘હું તો દેહથી નોખો જે આત્મા તે છું’ એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે, તો સર્વે ગુણમાત્ર આવે છે.” (વચ. લોયા-૬)
ગોપાળાનંદ સ્વામી કહેતા, “વિષયમાં રાગ છે તે તો ત્યારે ટળે, જ્યારે ઈન્દ્રિયો- અંત:કરણ એ સર્વેનો નિષેધ કરીને આત્મસત્તારૂપે થઈને જીવમાં ભગવાનની મૂર્તિ ધારે, તો ધીરે ધીરે એ રાગ ટળી જાય, પણ તે વિના ન ટળે.” (ગો.સ્વામી વાત નં. ૯૫)
જ્યારે દેહ, ઈન્દ્રિયો, અંત:કરણ, દેવતા, પંચભૂત અને પંચવિષય એ સર્વેનો વારંવાર નિષેધ કરે ને નિરંતર આત્મસત્તારૂપે વર્તે ત્યારે ટળે; તે વિના બીજા કોટિ ઉપાય કરે તોપણ માન તથા કામ એ બે દોષ ન ટળે. (ગો.સ્વામી વાત નં. ૧૧૫)
ઘણીવાર આપણને એમ થાય કે, હું આ દેહને તથા વિષયોને ખોટા જ માનું છું. ઘણો આત્મવિચાર કરું છું. મહારાજનો મહિમા પણ ઘણો વિચારું છું; છતાં વિષયમાંથી વાસના ટળતી નથી અને પ્રભુમાં ગાઢ પ્રીતિ થાતી નથી. એનું શું કારણ હશે ? તો આ બાબતે ગોપાળાનંદ સ્વામીના કૃપાપાત્ર સંત શ્રીનિર્ગુણદાસજી સ્વામીએ સરસ વાત કરી છે - ગઢડામાં ગોપાળાનંદ સ્વામીને ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “દેહને અસત્ય જાણીએ છીએ અને વિષય તથા પદાર્થને દુઃખરૂપ અને અસત્ય જાણીએ છીએ, તો પણ તેમાંથી પ્રીતિ મટતી નથી અને ભગવાનને સર્વે સુખના સિંધુ જાણીએ છીએ, તો પણ ભગવાનમાં અતિશય હેત થતું નથી, તેનું શું કારણ છે ?”
સ્વામી કહે, “જે આત્મા-અનાત્માના વિચાર કરે છે તથા વૈરાગ્યનો વિચાર કરે છે તથા ભગવાનના માહાત્મ્યનો વિચાર કરે છે, તે ઈન્દ્રિયમાં તથા અંત:કરણમાં કરે છે, પણ ચૈતન્યમાં (શુદ્ધ આત્મસ્વરૂપમાં) કરતો નથી એટલે ભૂલી જવાય છે; પણ જો ચૈતન્યમાં એ વિચાર કરે તો ફરીથી ભૂલાય નહીં. જેમ ગરમ વસ્તુ ખાઈને જે ગરમાઈ (ગરમી) થઈ હોય, તે જ્યારે ઠંડી વસ્તુ ખાય ત્યારે તે ગરમાઈ ટળી જાય છે. (પરંતુ) બે-ચાર માસ થોડી થોડી કસ્તુરી ખાય અને તેની ગરમી હાડકાંમાં પેસી જાય, તો તે પછી નીકળે જ નહીં. તેમ ચૈતન્યમાં જે વાત બેઠી હોય તે દૃઢ થાય છે. (નિર્ગુણદાસ સ્વામીની વાત-૩૫૭)
આપણે જે કાંઈ અભ્યાસ કરીએ છીએ તે સ્થૂળ કે સૂક્ષ્મ શરીરમાં જ થાય છે. જો ત્રણેય દેહથી પોતાને સંપૂર્ણ જુદો સમજી આત્મચૈતન્યમાં અભ્યાસ કરીએ તો કાયમી પરિણામ પ્રાપ્ત થાય. આ માટે આપણે સહુ આ રીતે આત્મનિષ્ઠાનો અભ્યાસ વધુમાં વધુ કરી લઈએ. સવારની પ્રભુપૂજામાં અને ધ્યાન-ભજન જેવી સ્પેશિયલ ક્રિયાઓમાં તો ખાસ યાદ રાખીને તે અભ્યાસ કરીએ. પછી અન્ય ક્રિયામાં પણ જેટલું રહે તેટલું તેનું અનુસંધાન રાખીએ, તો દૃઢતા જલ્દી થાય.