
આત્મા એટલે જીવાત્મા. નિષ્ઠા એટલે સ્થિતિ, દૃઢતા. જીવને પોતાના શુદ્ધ સ્વરૂપે જ વર્તવાની દૃઢતા થઈ જાય તેને આત્મનિષ્ઠા સિદ્ધ થઈ કહેવાય.
હું સ્ત્રી કે પુરુષ છું, બાળક કે વૃદ્ધ છું, જાડો-પાતળો, સાજો કે માંદો છું; આવું મનાય તો તે દેહાભિમાન છે. કારણ કે, તે તમામ ભાવો દેહના જ છે, આત્માના નહીં. આત્મા સ્ત્રી કે પુરુષ નથી, જન્મતો કે મરતો નથી, બાળ-યુવાન કે વૃદ્ધ થાતો નથી. હા, કદાચ આવું આપણે પોપટિયું જ્ઞાન ધરાવતા હોઈએ પણ જો તે તે ભાવોની અસર થતી હોય તો તે દેહભાવે જ વર્તાય છે.
જેમ કે, પુરુષના દેહમાં રહેલ જીવને સ્ત્રીની આકૃતિમાં ખેંચાણ થાય, કુદૃષ્ટિ થાય, સ્ત્રીમાં સુખબુદ્ધિ થાય. સ્ત્રીને જોઈને હાલચાલ, હાવભાવ કે વિચારોમાં ફેર પડી જાય તો તે જીવ પોતાને પુરુષ જ માને છે, આત્મા નહીં. અથવા માને કે જાણે ભલે આત્માને પણ વર્તે છે તો દેહરૂપે જ.
પોતાને આત્મા, બ્રહ્મ કે અનાદિમુક્ત માનીએ, પણ જો શ્રીહરિ કે સત્પુરુષની આજ્ઞા લોપીને કાંઈ પણ ભોગવીએ તો તે દેહાભિમાનને કારણે જ પાપ થઈ રહ્યું છે.
દેહમાં હોવા છતાં દેહના તમામ ભાવોથી પર વર્તાય, તે તે અસરથી અલિપ્ત-આત્મારૂપે જ સ્થિર રહેવાય તો તે આત્મનિષ્ઠા આવી કહેવાય.
જો આપણે આત્મનિષ્ઠ બનીએ તો દેહનાં તથા દુનિયાનાં સુખ-દુ:ખ, માન-અપમાન અને ભૂખ-તરસ વગેરેના હર્ષ-શોકથી સહેજે જ નિર્લેપ રહી શકીએ.
ગામ નારદીપુરના તીતા ભગત બહુ મહાન ભક્ત હતા. બ્રાહ્મણ કુળે અવતર્યા હતા, છતાં ગામના અજ્ઞાની લોકોએ તેમને ગધેડા ઉપર બેસાડયા. તેમના ગળામાં ગાજર-રીંગણાની માળા પહેરાવી. પછી હુરિયો બોલાવતા થકાં આખા ગામમાં ફેરવ્યા. તીતા ભગત તો અખંડ હરિસ્મરણમાં નિમગ્ન રહ્યા. જરાપણ હર્ષ કે શોક થયો નહીં. જ્યારે ઘરે ગયા ત્યારે તેમનાં પત્ની અત્યંત દુ:ખી થઈ ગયાં. તેને તીતા ભગતે કહ્યું, “આમાં આપણું ગયું શું ? બે દિવસનું શાકભાજી મળ્યું. આટલો સમય હરિનું સ્મરણ થયું. વગર ખર્ચે આખા ગામમાં ફૂલેકું થઈ ગયું; માટે તું આનંદમાં રહે. આપણે તો આત્મા અને પરમાત્માના ભક્ત છીએ. શ્રીહરિજી જેમ રાખે તેમ આનંદથી રહેવું.”
આવી પરિસ્થિતિમાં પણ હર્ષ-શોકરહિત રહી શકાય તેને સાચી આત્મનિષ્ઠા આવી કહેવાય. ૨૪ કલાકમાં જેટલો સમય શુદ્ધ આત્મારૂપે વર્તાય-દેહભાવની અસર જ ન થાય તેટલો સમય આત્મનિષ્ઠા, બાકી દેહરૂપતા કહેવાય. ૮ કલાક આત્મારૂપે અને ૧૬ કલાક દેહરૂપે જીવાય છે તો ૩૩% આત્મનિષ્ઠા અને ૬૬% દેહભાવ કહી શકાય. આપણું કેમ છે ? આ આત્મનિષ્ઠા વર્ષ અડધું તો જતું રહ્યું. જો ખટકો રાખી અભ્યાસ કરીશું તો કાંઈક ફાયદો થાશે.
આત્મનિષ્ઠાનો અભ્યાસ કેમ કરવો ? તે બાબતમાં શ્રીહરિએ આવું શીખવ્યું છે, “એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે; જે સમજાણા કેડે આત્મા-અનાત્માના એકપણાનો લોચો જ રહે નહીં. માટે એમ ચોખ્ખું સમજે જે, ‘હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિશે એકેય આવતો નથી અને જડ, દુ:ખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ, તે હું ચૈતન્ય તે મારે વિશે એકેય આવતો નથી.’ (વચ.સા.૪)
આત્મનિષ્ઠા દૃઢ કરાવવાના શ્રીહરિએ જ સત્સંગિજીવનમાં આવા શ્લોકો પણ કહ્યા છે.
नानादु:खविकाराढयो योऽयं देहोऽस्ति देहिनाम्।
आत्मा ततोऽस्ति भिन्नो वै निर्विकार: सुखात्मक:।।
જગતમાં જીવપ્રાણીમાત્રના જે દેહ છે તે અનેક પ્રકારના રોગ વગેરે વિકારોથી વ્યાપ્ત છે. અને એટલે જ અનેક દુ:ખથી ભરચક છે. જ્યારે આત્મા એવા વિકારી અને દુ:ખદાયી દેહથી તદન વિલક્ષણ છે. નિર્વિકાર અને સુખસ્વરૂપ છે. અર્થાત્ દેહ જન્મ, વૃદ્ધિ, હાનિ અને મૃત્યુરૂપી સતત વિકાર પામે છે. તેમાં અનેક પ્રકારની પીડાઓ ઉદ્ભવે છે. દુ:ખનો દરિયો કે દુ:ખની ફેક્ટરી જેવો છે. જો જીવ પોતાને જુદો સમજે તો તે સ્વયં સુખરૂપ છે. વળી, તેમાં આનંદના મહાસાગર એવા મહારાજ બિરાજમાન છે.
न क्लिद्यते जलेनासौ दह्यते न च वह्निना।
न शुष्यते वायुनापि निर्लेपर्श्चाचलो मत:।।
અવિકારી એવો આત્મા પાણીથી પીગળે નહીં. આગથી સળગે નહીં. ગમે તેટલો વાયુ વાય છતાં શોષાય કે સૂકાય નહીં. કેમ જે, આત્મા એ બધી બાબતોથી અત્યંત નિર્લેપ રહી શકે એવું અનોખું તત્ત્વ છે.
આમ દેહ, ઇન્દ્રિયો, અંત:કરણમાં વિકાર, વ્યાધિ વગેરે જે કાંઈ દોષો છે તેવો એક પણ દોષ આત્મામાં નથી. અને આત્મામાં અવિકારિતા, અવિનાશિતા જેવા જે જે ગુણો છે તેવો એક પણ ગુણ દેહાદિકમાં નથી. માટે આત્મા દેહાદિકથી સર્વ પ્રકારે ભિન્ન અને શ્રેષ્ઠ જ છે. આવી રીતે આપણે આત્મા પોતાના સ્વરૂપને યથાર્થ સમજી જો અખંડ પોતાના આત્મસ્વરૂપે જ વર્તીએ - તે અનુસંધાન ભૂલીએ જ નહિ તો તેને આત્મનિષ્ઠા દૃઢ થઈ કહેવાય.
બ્રહ્મરૂપતા એટલેશું ? બ્રહ્મરૂપે વર્તવું એટલે? એ માટે પણ શ્રીહરિએ એક શ્લોક કહ્યો છે,
एवंभतूं स्वमात्मानं ज्ञात्वा तस्याक्षरेण तु।
सच्चिदानन्दरूपेण ब्रह्मणैक्यं विभावयेत्।।
પોતાના આત્મસ્વરૂપને ઉપર કહ્યું એ રીતે ત્રણ દેહ વગેરે તમામ માયિક ચીજોથી જુદો જાણે. પછી એવા તે શુદ્ધ આત્મસ્વરૂપને અક્ષરબ્રહ્મની સાથે એક કરીને માને. અર્થાત્ ‘હું જ પોતે અક્ષરબ્રહ્મ, અક્ષરધામ છું’ એમ વિભાવના કરી અક્ષરબ્રહ્મના ગુણો પોતામાં ધારે. તે અક્ષરબ્રહ્મના ગુણો કેવા છે ? તો સત્, ચિત્ અને આનંદ, સત્ય, જ્ઞાન અને અનંતપણું આવા તેના અનેક દિવ્ય ગુણો છે.
સત્ તથા સત્ય = સદા એકસરખું જ રહેનાર = અવિકારી અને અવિનાશી ચિત્ તથા જ્ઞાન = જ્ઞાનસ્વરૂપ તથા જ્ઞાનવાન = જે આખે આખું સ્વરૂપ જ્ઞાનનું જ હોય તથા જે પોતાને તથા બીજાને જાણી પણ શકે તેને ચિત્ કહેવાય. આનંદ તથા અનંત = આનંદરૂપ અને આનંદથી પરિપૂર્ણ એવું અસીમસર્વવ્યાપક તત્ત્વ. આવું જે અક્ષરબ્રહ્મ તત્ત્વ તે જ હું છું. આમ અક્ષર સાથે પોતાની એકતા કરવી તેને બ્રહ્મરૂપે થયા કહેવાય.
જો આપણે પોતાને અક્ષર બ્રહ્મરૂપે અક્ષરધામ કે ચિદાકાશરૂપે માની
શકીએ તો અનંતકોટિ બ્રહ્માંડોની સત્તા, સંચાલન કે ઉત્પત્તિ, સ્થિતિ અને
પ્રલયની અસરથી અલિપ્ત રહી શકીએ. કેમ જે, આપણે આપણને પોતાને સત્, ચિત્, આનંદ અને અનંતરૂપે માનતા હોવાથી તેની અપેક્ષાએ તુચ્છ એવા જગતની કોઈ અસર આવતી નથી. એમાંય અક્ષરબ્રહ્મરૂપે રહી પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીહરિના દિવ્યાનંદમાં ડૂબી જઈએ તો તો બીજું કાંઈ ગણતરીમાં જ આવતું નથી. વગર પ્રયાસે શ્રીહરિ સિવાયનું બધું જ છૂટી જાય છે.
માટે આવા બ્રહ્મરૂપ બનવાનો આ વર્ષે જોરદાર અભ્યાસ કરી લઈએ.