આજ્ઞાનું અનુસંધાન...

આજ્ઞાનું અનુસંધાન...

વહાલા ભક્તો આ લોકમાં આપણો સંતો, ભક્તો, વિવિધ લોકો, પરિસ્થિતિઓ, પંચવિષયો, પદાર્થો વગેરે સાથે અખંડ સંબંધ છે. એ તમામના સર્જક ભગવાન છે, વળી તેઓ સર્વજ્ઞ છે, માટે આ લોકમાં સુખ અને શાંતિપૂર્વક કેમ રહેવું; તે એક ભગવાન જ આબેહૂબ જાણે છે. આપણે તે બધી બાબતો યથાર્થ સમજી શકતા નથી. માટે આપણે જો તેમની આજ્ઞામાં રહીએ તો સદા સુખી રહીએ. વળી તેઓ સ્વતંત્ર, અંતર્યામી, સર્વનિયામક, સર્વેશ્વર, અતિશે દયાળુ, કૃપાળુ અને વાત્સલ્યમૂર્તિ છે, માટે એમની આજ્ઞામાં રહેનારને અજાણતાં ભૂલ થવાથી કે અન્ય કોઈ કારણે દુ:ખ કે સંકટ આવ્યું હોય તો તેઓ બચાવી પણ લે છે.

આમ, તેમની આજ્ઞાનો મહિમા સમજીએ તો આપણે તેમની આજ્ઞાઓનું પાલન સહર્ષ, શ્રદ્ધાથી અને સહજતાથી કરી શકીએ. આપણા ઈષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાને સંસાર-વ્યવહારમાં સદા સુખી રહેવા માટે શિક્ષાપત્રી શ્લોક ૩૬માં એક આજ્ઞા કરેલ છે કે - વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું; એટલે કે મનમાં જે વિચાર આવે તે તરત કરવા મંડી ન પડવું. કાર્યનો આરંભ કરતાં પહેલાં આગળ-પાછળનો, પરિણામનો વગેરેનો વિચાર કરવો; વડીલોની કે ગુરુજનોની સલાહ લેવી; નહિ તો લાભને બદલે હાનિ થવાનો સંભવ છે.

આપણા ભારત દેશમાં ભારવી નામના એક મહાન કવિ થઈ ગયા. સૌ લોકો તેમની બહુ પ્રશંસા કરતા હતા, પણ તેમના પિતા તેમની ક્યારેય પ્રશંસા નહોતા કરતા. આથી માન અને અહંકારથી ભાન ભૂલેલા તેઓે એક દિવસ રાત્રે પિતા ઉપર ઘંટલાનું પૈડું નાખીને મારી નાખવા ઘરનાં નળિયાં ઉપર ચડયા. નળિયાં થોડાં ખસેડયાં ત્યારે તેમનાં માતા-પિતા વાતો કરતાં હતાં. માતાએ પૂછ્યું કે, બધા લોકો આપણા ભારવીનાં વખાણ કરે છે, એક તમે જ કેમ તેનાં વખાણ નથી કરતા ? ત્યારે પિતાએ કહ્યું કે, ભારવીને અભિમાન ન આવે ને તેની પ્રગતિ કાયમ થતી રહે તે માટે તેને વઢું છું ને તેને વખાણતો નથી. આ સાંભળીને ભારવીને પોતાની ભૂલનો ભારે પસ્તાવો થયો અને પછી તેમણે એક શ્લોક લખ્યો કે -

सहसा विदधीत न क्रियामविवेक: परमापदां पदम् ।
वृणते हि विमशृ्यकारिणं गणलु बु्धा: स्वयमवे सम्पद:।।

અર્થાત્ અવિવેક મોટી આપત્તિઓનું સ્થાન છે અને ગુણોથી આકર્ષિત થયેલ સંપત્તિ-લક્ષ્મીજી વિચારીને કાર્ય કરનારને સામેથી વરે છે; માટે વિચાર્યા વિના ઉતાવળે કોઈ કાર્ય ન કરવું.

વહાલા ભક્તો ! વિચાર્યા વિના ઉતાવળથી કરેલ વ્યાવહારિક કામો મુશ્કેલી સર્જે છે. વિચાર્યા વિના ખોટી શંકા કરવાથી વ્યવહારમાં બોલાચાલી થાય છે, પછી સંબંધ તૂટે છે. ધંધામાં વિચાર્યા વિનાનું સાહસ સર્વનાશ નોતરે છે. અરે ! સત્સંગમાં પણ વિચાર્યા વિના બોલવાથી, નિર્ણય લેવાથી કે સેવા-કાર્ય કરવાથી, સંતો-ભક્તોનો કુરાજીપો મળે છે. એટલે જ કહેવાય છે કે, ઉતાવળે આંબા ન પાકે અને કોઈ વિદેશી મહાનુભાવે પણ કહેલ છે કે, Haste makes waste.

માટે વહાલા ભક્તો આપણે વિચારીને બોલવાની, નિર્ણય લેવાની અને કાર્ય કરવાની ટેવ પાડીએ. જેથી આપણે સંસાર-વ્યવહારમાં અને સત્સંગમાં સુખ અને શાંતિમય જીવન જીવી શકીએ અને સૌનો રાજીપો લઈ શકીએ...