
એક ભાઈના જીવનમાં નાની ઉંમરમાં ઉપરા ઉપરી દુઃખના અનેક પ્રસંગો આવ્યા. પહેલાં તો તેની પત્ની ટૂંકી માંદગીમાં મરી ગઈ, હજુ તો આ ઘા રુઝાયો ન રુઝાયો, ત્યાં આઠ વર્ષના તેના પુત્રનું આકસ્મિક મૃત્યુ થયું. ભાઈનું મન ભાંગી પડયું. જીવનથી ઉદાસ થઈ ગયો. કોઈ વાતમાં રસ ન પડે, આખો દિવસ સૂનમૂન બેસી રહે, ને કાંઈ ને કાંઈ વિચારો કર્યા કરે.
બાજુમાં રહેતા એક ભગતને તેની પરિસ્થિતિ જોઈને દયા આવી. એક દિવસ ભગતે તેને બોલાવીને કહ્યું,ભગવાનનો વિશ્વાસ રાખો. ભગવાન જે કરશે તે સારું જ કરશે; અને લો તમે આ પુસ્તક વાંચો, તેનાથી તમારા મનને ઘણી શાંતિ મળશે.’ એમ કહી ભગતે તેને પોતાના ઘરમાંથી એક પુસ્તક આપ્યું.
પેલા ભાઈએ એ ધાર્મિક પુસ્તક વાંચવા માંડયું. શ્રદ્ધાપૂર્વકના વાંચનથી તેનું મન થોડું થોડું ચિંતામુક્ત થવા માંડયું. તેમાંથી ભગવાન ભક્તના ઘેર આવી મદદ કરી જાય છે; એવો એક પ્રસંગ તો તેને ખૂબ જ ગમી ગયો. તેણે ભગત સાથે એ પ્રસંગની ચર્ચા કરી. ભગતે કહ્યું, ‘તમે વાંચ્યો એવો પ્રસંગ ખરેખર આપણા જીવનમાં પણ બની શકે છે. પ્રભુ ગમે તે સ્વરૂપમાં ભક્તને ઘેર આવી એની મદદ કરી જાય છે.’
ભગતનાં આ વચનોની તે ભાઈના મનમાં ભારે અસર થઈ. તેના જ વિચારોમાં તે સૂઈ ગયો. સ્વપ્નમાં તેને કોઈ દિવ્ય દેહધારી સંતનાં દર્શન થયાં. તેમણે કહ્યું, ‘કાલે ભગવાન તારે ત્યાં અવશ્ય આવશે. તેઓ કોઈ પણ સ્વરૂપમાં આવશે, પણ તેમને ઓળખી કાઢવાનું કામ તારું.’ પેલા ભાઈને આનંદનો પાર ન રહ્યો. હવે તો પ્રભુમાં એની શ્રદ્ધા વધી ગઈ. તેને વહેલી સવારથી તૈયારીઓ કરવા માંડી...
શિયાળાનો સમય હતો. આકાશમાંનાં વાદળ ફાટ્યાં ને અસહ્ય ઠંડી પડવા માંડી. એક અપંગ માણસ લપાતો-છુપાતો ઠંડીથી બચવા એક કૂતરાના શરીર સાથે લપેટાઈને ગરમી મેળવવા મથતો તેની નજરે પડયો. તેણે હાથ ઝાલી તેને ઊભો કર્યો. પોતાના ઘરમાં લાવ્યો અને સગડીનો તાપ કરીને એની ઠંડી દૂર કરવા ઉપાય અજમાવ્યો. ભગવાનનો ભાવ રાખી તેને ગરમ ગરમ ઉકાળો બનાવીને પીવડાવ્યો. ઠંડી ઊડતાં આભારનાં બે વેણ બોલી એ અપંગે વિદાય લીધી.
એવામાં થોડે દૂર એક ફાટેલ-તૂટેલ લૂગડાંવાળી સ્ત્રી નજરે પડી. એની કાંખમાં નાનું બાળક હતું. પોતાનો ફાટેલો સાડલો બાળક ઉપર ઓઢાડી તેને ઠંડીથી બચાવવા પોતે આશ્રયસ્થાન શોધતી જણાઈ. પેલા ભાઈએ ઘરમાંથી બહાર નીકળી એ બાઈ તરફ નજર તાકીને મોટા અવાજે સાદ પાડતાં કહ્યું, ‘બહેન ! તમે કોઈ હૂંફાળી જગ્યા શોધતાં લાગો છો ! તો આવો મારા ઘરમાં. આ તમારું જ ઘર સમજો.’ બાઈ થોડીવાર તો તેમની સામે જોઈ રહી, પછી કાંઈક વિશ્વાસ બેસતાં અંદર આવી.
આ ભાઈએ બાળકને હાથમાં ઊંચકી લીધું. આશ્ચર્ય ! બાળકનું રડવું ક્યાંય ચાલ્યું ગયું. એની સામે ટગર ટગર જોઈ બાળક હસવા માંડયું. બાળકનું નિર્દોષ હાસ્ય જોઈ જાણે પોતાનો મરી ગયેલો પુત્ર યાદ આવી ગયો. ભગવાનનો આભાર માની તેણે બાઈને પૂછ્યું, 'આને ગરમ વસ્ત્ર કેમ ઓઢાડતાં નથી ?
બાઈ કહે, ‘શું કરું ? એક ગરમ ઝભલું હતું, તે કાલ સાંજે જ એક રૂપિયામાં વેચી અનાજ-સામગ્રી ખરીદી. આના પિતાના મૃત્યુ પછી આમ ને આમ જ્યાં ત્યાં રખડી રખડી હું મારું ગુજરાન ચલાવું છું. પાસે હતી તે પૂંજી વેચાઈ ચૂકી છે. ઘરકામ જેવી નોકરી શોધું છું, પણ હજુ કાંઈ મેળ પડયો નથી.' પેલા ભાઈએ કહ્યું, ‘ઊભાં રહો. મારા પાડોશીને ઘરકામ કરનાર વિશ્વાસુ બાઈની જરૂર છે. હું પૂછી આવું.’ તરત જ તે પાડોશીને મળી એ જ દિવસથી બાઈને ઘરકામ માટે નોકરી અપાવી દીધી.
હવે તે ફરીથી ઘરની બહાર નીકળ્યો, તો ઘર સામે જ એક ફળની ટોપલીવાળી વૃદ્ધ સ્ત્રી એક નાના છોકરાને મારતી નજરે પડી. છોકરાએ ચોરીછૂપીથી એ સ્ત્રીની ટોપલીમાંનું ફળ લઈ લીધું હતું, તેથી એને પકડીને એ શિક્ષા કરતી હતી. આને દયા આવી. એ ત્યાં પહોંચી ગયો. છોકરા પાસેથી ફળ લઈ સ્ત્રીને પાછું આપ્યું ને કહ્યું, ‘લો આ ફળ. આમાં આવા નાના છોકરાને મારવાનો શો અર્થ ?’ આમ કહીને ફરી પાછું છોકરાને કહ્યું, ‘બેટા ! તારે ફળ જોઈએ છે ને ? લે, હું લઈ આપું.’ આમ કહી સ્ત્રી પાસેથી ફળ લઈને એની કિંમત અંગે પૂછ્યું. આ બનાવની છોકરા ઉપર સારી અસર થઈ. તેથી પોતાને થયેલ શિક્ષાનો રોષ ભૂલી જઈને એ ઊલટાનો પેલી ફળવાળી સ્ત્રીને કહેવા લાગ્યો, ‘માજી ! તમારે માળી-ફળિયાના નાકા કને થઈને જ જવું છે ને ? મારો પણ ત્યાં થઈને જ રસ્તો છે. લાવો તમારી ટોપલી, ત્યાં સુધી હું ઉપાડી લઉં.’ સ્ત્રીને એવો તો ઉમળકો આવ્યો કે છોકરાને અપાવેલા ફળની કિંમત લેવાનું માંડી વાળી એ આનંદથી રસ્તે પડી.
આમ, અન્યને મદદ કરવામાં પેલા ભાઈનો આખો દિવસ આનંદમાં વીતી ગયો. પછી એ જ મિજાજમાં ઘરમાં આવ્યો અને જમીને આરામ કર્યો. રાત્રે ફરી સ્વપ્નમાં તેને સાક્ષાત્ ભગવાનનાં દર્શન થયાં. પ્રભુએ કહ્યું, ‘વાહ ભક્ત ! તું મને ઓળખવામાં સફળ થયો. અપંગ માણસ, નિરાધાર બાઈ, વૃદ્ધ સ્ત્રી અને છોકરો. આ બધાં જ રૂપે, ખુદ હું જ તારી પાસે આવ્યો હતો. તેં એ બધાને યોગ્ય રીતે સાચવ્યા, તેથી હું તારા ઉપર બહુ જ રાજી થયો છું. તેં મારો ભાવ રાખીને આ બધાની સેવા કરી, તેથી હવે તું જ્યારે ચ્છીશ ત્યારે હું તને અંતરમાં દર્શન આપીશ.’ આ સાંભળી પેલા ભાઈની આંખમાંથી આનંદનાં આંસુ વહેવા લાગ્યાં.
વહાલા ભક્તો ! ભગવાન કોઈ પણ સ્વરૂપે આવી આપણને મળી જતા હોય છે. આપણી આજુબાજુમાં રહેલા વ્યક્તિઓના રૂપે પણ ભગવાન આપણી કસોટી કરી જતા હોય છે; માટે સર્વમાં ભગવાનનો ભાવ રાખી સહુ પ્રત્યે આદરભાવ રાખીશું, તો ભગવાન આપણા ઉપર પણ રાજી થશે અને આપણને પણ સાક્ષાત્ દર્શન આપશે.