આ ભગવાન તો રાખવા જેવા છે...

આ ભગવાન તો રાખવા જેવા છે...

એકવાર શ્રીજીમહારાજ વિચરણ કરતાં કરતાં ગામ ડાંગરવા પધાર્યા. ડાંગરવામાં પોતાનાં પ્રેમીભક્ત જતનફઈ રહેતાં. તેમના ઘરે મહારાજ સંતો-ભક્તો સહિત પધાર્યા. ત્યાં તેમનો પ્રેમ જાણીને મહારાજ ઘણું રોકાયા. હવે જેને ઘેર મહારાજનો ઉતારો હોય ત્યાં સહેજે દેશોદેશથી સંતો-ભક્તો દર્શન-સમાગમનો લાભ લેવા આવે; એટલે તેમને જમાડવા, સાચવવા આદિક ઘસારો જે ઘરધણી હોય તેને આવે. જતનફઈ તો બહુ જ પ્રેમી, એટલે આનંદથી મહારાજની ને સંતો-ભક્તોની સેવા કરે અને મહારાજના ચરિત્રોનું સુખ લે.

મહારાજ ડાંગરવા જતનફઈના ઘરે ઘણું રોકાયા; તેથી તેમના ઘરે સાત કોઠી અનાજની ભરી હતી, તે ખાલી થતાં હવે અડધી કોઠી જ વધી હતી. એક દિવસ શ્રીજીમહારાજને જતનફઈ પ્રેમથી પોતાના ઘરમાં ભોજન જમાડી રહ્યાં હતાં. જતનફઈ બહાર હાથ ધોવા ગયાં, ત્યાં ઓસરીમાં જતનફઈના પિતાજી વેણીદાસ ખાટલા ઉપર બેઠા હતા. વેણીદાસે કહ્યું, “એ જતન ! અહીં આવ, જો આપણા ઘરમાં સાત કોઠી અનાજની ભરી હતી, તે હવે છ કોઠી સાવ ખાલી થઈ ગઈ છે, ને સાતમી અડધી કોઠી દાણા વાવવા પૂરતા જ રહ્યા છે; માટે મહારાજ જવાનું કહેતા હોય તો જવા દેજે, રોકતી નહીં.” જતનફઈ કહે, “સારું બાપુજી, તમે ભજન કરો.” એમ કહીને મહારાજ જમતા હતા ત્યાં જતનફઈ આવીને મહારાજને પીરસવા લાગ્યાં, ત્યારે સર્વાંતર્યામી એવા મહારાજે જતનફઈને પૂછ્યું, “તમારા બાપુજી શું કહેતા હતા ?” ત્યારે જતનફઈ કહે, “કાંઈ નહિ મહારાજ, આપ જમી લ્યો.” પછી મહારાજ કહે, “તમારા બાપુજી શું કહેતા હતા ? એ તો કહો.” ત્યારે જતનફઈ કહે, “મહારાજ ! મારા બાપા એમ કહેતા હતા કે, મહારાજ જવાનું કહે તો હમણાં જવા દેતી નહિ, અહીંયાં રોકજે.” આ સાંભળી મહારાજ મંદમંદ હાસ્ય સાથે જમવા માંડયા. જમીને ચળું કરી જળપાન કર્યું. પછી મુખવાસ જમતાં જમતાં મહારાજ ઓસરીમાં જ્યાં જતનફઈના પિતાજી વેણીદાસ બેઠા હતા તેની પાસે જઈને વાંસામાં ધબો મારીને મહારાજે પૂછ્યું, “શું કહેતા હતા વેણીદાસ ?” ત્યારે વેણીદાસ કહે, “મહારાજ ! અમારા ઘરમાં હવે દાણા વાવવા પૂરતા જ રહ્યા છે, એટલે જતનને કહેતો હતો કે, મહારાજ જાય તો જવા દેજે, રોકતી નહીં.”

ત્યારે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, “તમારી અનાજની કોઠીયું ક્યાં છે ?” ત્યારે વેણીદાસે મહારાજને કોઠીયું બતાવી. મહારાજના હાથમાં છડી હતી. તે છડી પહેલી કોઠીને અડાડી, ત્યાં તે કોઠી અનાજથી ભરાઈ ગઈ. પછી સાતે સાત કોઠીને છડી અડાડી, તે પણ અનાજથી ભરી દીધી. આ જોઈને વેણીદાસ બોલ્યા, “અરે ! આ ભગવાન તો રાખવા જેવા છે, જવા દીધા જેવા નથી. આમ વગર મહેનતે ખેતરનું રખોપું કે દાડિયા કર્યા વિના અનાજની કોઠીયું ભરી દેતા હોય, તો શું કામ ભગવાનને જવા દેવા જોઈએ ? અરે મહારાજ ! તમે કાયમ અમારે ત્યાં રહો.” આમ, મહારાજનો પ્રતાપ જોઈને વેણીદાસને બહુ જ આશ્ચર્ય થયું.

વહાલા ભક્તો ! ભગવાન કે સંતો-ભક્તો અર્થે જે વાપરે છે તે વાપર્યું ન કહેવાય, પણ વાવ્યું કહેવાય. કેમ જે, તેને મહારાજ અનેકગણું કરીને આપે છે. જતનફઈને ભગવાન ને સંતો-ભક્તોમાં વિશ્વાસ અને ભાવ હતો, તો તેને અનાજ ખૂટી જવાની ચિંતા ન હતી, ને વેણીદાસને વિશ્વાસ ન હોવાને કારણે મહારાજ જાય તો સારું; એવા સંકલ્પો થતા હતા, પરંતુ મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ વાપર્યો, ત્યારે વેણીદાસને પણ ભગવાનને રાખવાનો ભાવ થયો. આપણે પણ જતનફઈની જેમ મહારાજમાં ભાવ અને અતિશય વિશ્વાસ રાખીએ તો મહારાજનો રાજીપો મળે.