આ કરુણાને ક્યારેય યાદ કરીએ છીએ ?

આ કરુણાને ક્યારેય યાદ કરીએ છીએ ?

સિત્તેર વર્ષના એક દાદાને શ્વાસ લેવાની થોડી તકલીફ થવા લાગી. ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું : “દાદા, તમને ઓક્સિજન ઓછો મળે છે. થોડા દિવસ દવાખાને રહેવું પડશે.”

દાદા દવાખાને દાખલ થયા. ડોક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી. જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલી ત્યાં સુધી તેમને એક્સ્ટ્રા ઓક્સિજન આપવામાં આવતો. દાદા થોડા દિવસમાં સાજા થયા. ઓક્સિજન પૂરો મળવા લાગ્યો. હવે કોઈ ચિંતા ન હતી.

દવાખાનેથી વિદાય લેતાં ડોક્ટરે દાદાને બિલ આપ્યું. બિલ વાંચીને દાદા રડવા લાગ્યા. ડોક્ટરે કહ્યું : “દાદા, ચિંતા ન કરો. બિલ વધારે લાગતું હોય તો હું થોડું ડિસ્કાઉન્ટ આપીશ.”

દાદાએ ડોક્ટર સામું જોઈને કહ્યું : “ડોક્ટર સાહેબ, હું બિલની રકમ વાંચીને નથી રડતો, પરંતુ મારા પ્રભુની કરુણા યાદ આવે છે એટલે રડવું આવે છે. ભગવાને સિત્તેર સિત્તેર વર્ષ સુધી સાવ મફતમાં મને ઓક્સિજન પૂરો પાડ્યો. એણે એક પણ પૈસો મારી પાસેથી નથી લીધો. આજ એમની કિંમત મને સમજાય છે. તે કિંમત ચૂકવવા મારી પાસે કાંઈ નથી.” એમ કહેતાં ફરી તેમની આંખોમાં આંસુ આવી ગયાં. ડોક્ટર તો દાદાની સામે જોઈ જ રહ્યા.

વહાલા ભક્તો ! નાની એવી આ વાર્તા આપણને ઘણું કહી જાય છે. ભગવાને આપણને જે જે આપ્યું છે તેનો ક્યારેય વિચાર કર્યો છે ? જેના વિના જીવન જીવવું મુશ્કેલ છે એવાં પાણી, હવા, ખોરાક વગેરે ભગવાન સાવ મફતમાં આપે છે. એની કોઈ કિંમત આપણે ચૂકવીએ છીએ ? ભગવાને જે જે આપ્યું છે એમની એ કરુણાને ક્યારેય યાદ કરીએ છીએ ?

આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો ભગવાને કેવળ કરુણા કરી મનુષ્યદેહ આપ્યો. વળી આ દિવ્ય સત્સંગમાં સંતો-ભક્તોનો યોગ આપ્યો, એમની ઓળખાણ કરાવી; પણ મહિમા નથી એટલે તેની કિંમત સમજાતી નથી. જેમ પેલા દાદાને જે દિવસ ઓક્સિજનનો મહિમા સમજાયો તે દિવસ વગર વિચાર્યે ભગવાનની કરુણા યાદ આવી ને રડવું આવી ગયું; તેમ આપણને પણ ભગવાને આપેલી આ દિવ્ય વસ્તુનો મહિમા સમજાશે તેદિ આપણને પણ દાદા જેવું જ થશે. બસ, જરૂર છે ભગવાને કરેલી કરુણા અને ઉપકારોને યાદ કરવાની....જય સ્વામિનારાયણ.