
પછી તે સિપાઈએ નંદુભાઈની ઘોડી ત્યાં ઝૂંપડીની બાજુમાં બંધાવીને ખડ નીર્યું અને નંદુભાઈને કહ્યું, “તમારે કાંઈ જમવું છે ?” નંદુભાઈ કહે, “ના, મારે જમવું નથી.” પછી તે સિપાઈએ નંદુભાઈને ઠંડું પાણી પાયું ને ખાટલો ઢાળીને સુવાર્યા અને તેમની પગચંપી કરવા લાગ્યા. નંદુભાઈ ના પાડવા લાગ્યા, તોપણ સિપાઈ પગ દાબવા લાગ્યા. નંદુભાઈ થાકેલા તો હતા જ, એટલે થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. પછી જ્યારે સવાર થવા આવ્યું એટલે સિપાઈએ તેમને જગાડયા ને કહ્યું, “હવે અજવાળું થવા આવ્યું છે, ચાલો હું આપને રસ્તો બતાવી દઉં.” એમ કહી રસ્તો બતાવ્યો. નંદુભાઈ પોતાની ઘોડી પર સવાર થઈ ચાલતા થયા, પણ મનમાં એકધારા વિચારો ચાલતા હતા કે આ ઘોર ઝાડી પ્રદેશમાં કોઈ માણસ રહે નહિ; કાંઈક મહારાજ તો સિપાઈ રૂપે મારી રક્ષા કરવા નહિ આવ્યા હોય ને !!
આમ, વિચાર કરતાં થોડે આગળ ગયા ત્યાં કોઈ માણસ સામા મળ્યા. તેમને પૂછ્યું કે, “અહીંયાં આ ઝાડીમાં કોઈ ચોકીદાર રહે છે ?” ત્યારે તે માણસો કહે, “અહીંયાં એવી ચોકી કરવાનું કોઈ થાણું નથી.” તે સાંભળી નંદુભાઈ ખાતરી કરવા પાછા વળી જ્યાં પોતે રાત રહ્યા હતા તે ઠેકાણે જોવા ગયા. ત્યાં જઈને જોયું તો ઝૂંપડી કે સિપાઈ કોઈ હતું નહીં. જ્યાં પોતાની ઘોડી બાંધી હતી ત્યાં થોડી લાદ પડેલી હતી અને ઘોડીને ખડ નીરેલું તે પડયું હતું , પણ બીજું કાંઈ હતું નહીં. તેથી નંદુભાઈએ જાણ્યું કે, નક્કી સિપાઈ રૂપે સાક્ષાત્ શ્રીજીમહારાજ જ મારી રક્ષા કરવા આવ્યા હતા.
નંદુભાઈને હૈયામાં ખૂબ આનંદ થયો, મહારાજનો ખૂબ આભાર માન્યો; પણ સાથોસાથ મનમાં દુ:ખ થયું કે મહારાજે મારી રક્ષા તો કરી, પણ મહારાજે મારા પગ દાબ્યા ને મેં દાબવા દીધા; એ મેં મહારાજનો મોટો અપરાધ કર્યો. પછી તેઓ ઉમરેઠ નહિ જતાં સીધા વડતાલ ગયા. મહારાજ વડતાલ સભામાં બિરાજમાન હતા. નંદુભાઈએ ત્યાં આવી મહારાજને દંડવત કર્યા ને પગે લાગ્યા. આંખમાં આંસુ આવી ગયાં ને કહેવા લાગ્યા, “અરે મહારાજ ! મેં આપનો અપરાધ કર્યો છે. ગોધરાની ઝાડીમાં આપે મારી રક્ષા કરી તે તો ઠીક, પણ આપે જે મારા પગ દાબ્યા; એ અપરાધમાંથી હું ક્યાં છૂટીશ ? માટે હે મહારાજ ! મારા એ અપરાધને માફ કરો, પ્રભુ માફ કરો.” ત્યારે મહારાજ હસતાં હસતાં કહે, “નંદુભાઈ ! ક્યારેક સેવક પગ દાબે અને ક્યારેક ગુરુ પણ પગ દાબે; તે અપરાધ ન કહેવાય. તમો અમારી સેવા કરો છો, તેથી મેં તમારી સેવા કરી છે; માટે ચિંતા કરશો નહિ આનંદમાં રહેજો.” એમ કહી મહારાજ થાળ જમવા પધાર્યા અને નંદુભાઈને સાથે લઈ ગયા ને મહારાજે થાળ જમીને નંદુભાઈને પ્રસાદી આપીને રાજી કર્યા.
અહો ! આવા દયાળુ ભગવાન ક્યાં મળે ? એટલે જ તો પૂ.ગુરુજીએ એક કીર્તનમાં કહ્યું છે...