
જીત અને મીત બંનેની જોડી બાળપણથી જામેલી. પરસ્પરનો પ્રેમ એટલો બધો કે ન પૂછો વાત. સમયનું વહેણ બદલાતા કોઈક બાબતે તેમની મિત્રતામાં જરા સરખું કાણું પડવા લાગ્યું. મુકેશ અંકલને આ વાતની જાણ નહોતી.
સેવાની ફેરબદલી કરવા અંગેની મીટિંગમાં બેઠક વ્યવસ્થા કોણ સંભાળશે ? એ વાત નીકળતા તરત જ મુકેશ અંકલે જીત અને મીતનાં નામ લખાવવા માંડયાં.
પોષકલીડર મનીષભાઈએ યાદી આપતા કહ્યું, અંકલ, એ બંને સાથે ?
અંકલે પૂછયું, કેમ ?
મનીષભાઈ : હમણાંથી તે બંનેને જરા... સાથે સેવા કરવાનું તેમને ફાવશે કે ?
આ સાંભળી અંકલ નવાઈ પામ્યા.
અંકલ : શું તમે જીત અને મીતની જ વાત કરો છો ?
મનીષભાઈ : હા અંકલ, તે બંનેને પરસ્પર હમણાંથી મનમેળ નથી; જરા મનદુ:ખ થયું છે.
અંકલ : કઈ બાબતે ?
મનીષભાઈ : અંકલ, ખબર નથી પડતી ક્યાં વાત અટકે છે.
આ સાંભળી અંકલને ઘણું દુ:ખ થયું, પરંતુ થોડો વિચાર કર્યા બાદ છેવટે એ સેવા તો તેમણે જીત અને મીતના નામે જ લખાવી દીધી.
બીજે દિવસે યુવાસભામાં સભાપતિએ નવું સેવાનું લિસ્ટ વાંચી સંભળાવ્યું. અને જેને સેવામાં કાંઈ મુશ્કેલી હોય તેમણે સભા બાદ મુકેશ અંકલને મળી લેવાનું કહ્યું. પોતાનું નામ મીત સાથે સાંભળી જીત સભા અંતે અંકલને મળ્યો.
જીત : અંકલ ! મને જરા પિયુષભાઈ સાથે રસોડાની સેવામાં રાખો તો મને સૌ ભક્તોને જમાડવાનો લાભ મળે.
અંકલ : અરે, જીત ભલા ! તને બેઠક વ્યવસ્થામાં મેં યોગ્ય જાણીને મૂક્યો છે. આપણે તો ગમે ત્યાં સેવા જ કરવી છે ને !
જીત : પણ અંકલ, મને આ સેવાનો કોઈ ખાસ અનુભવ નથી.
અંકલ : જીત, આ ક્યાં એટલી બધી અઘરી સેવા છે ? અને હા, તારો દોસ્ત મીત પણ તારી સાથે જ છે ને પછી તારે શું ચિંતા છે ?
આમ જીત અને અંકલ વચ્ચેના સંવાદો થતાં છેવટે જીતે કહ્યું,
જીત : સાચું કહું અંકલ ! મીત સાથે પ્રસંગ પાડવામાં બહુ જાળવીને કામ લેવું પડે છે. તેથી મને થોડું અઘરું પડે છે. માટે અમે બંને એક સેવામાં સાથે ન હોઈએ તો સારું.
અંકલ : શું અઘરું પડે છે જીત ? મીતનો એવો તે કેવો સ્વભાવ છે ?
જીત : અંકલ ! મીતને વાતની વાતે ખોટું લાગી જાય છે. વળી, કોઈની પણ મજાક ઉડાવી હસવું એ એને સહજ છે. હમણાં બે મહિના પહેલાં મારી સાથે પણ આવો પ્રસંગ પડતા મેં તેને થોડું ધખીને કહી દીધું. ત્યારપછી એને એવું ખોટું લાગી ગયું કે એ મારાથી દૂર થઈ ગયો. હવે મારી સાથે એને ઓછું ફાવે છે. કોઈ હિતેચ્છુ મિત્ર બનીને ભૂલ બતાવે એ તો સત્સંગની વઢવા-ટોકવાની રીત છે, પણ મીતના રીસ-ધોખાવાળા સ્વભાવે અમારી બંનેની મિત્રાચારી તોડી નાંખી.
‘અંકલ, મીત નિર્માનીપણે આપણામાં ભળીને સેવા કરે જ નહીં. એને તો બોસિંગપણું કરવા મળે એ જ ગમે છે. એણે આપેલ સલાહ કે માર્ગદર્શન મુજબ ધાર્યું ન થાય તો પાછો મોગરો મરડાઈ જાય. આપણે કાંઈક ઊંચા અવાજે કહી દઈએ તો એનો ધોખો ફરિયાદના સ્વરૂપમાં ઉપર પુગાડે. આવું વારંવાર થતા મને દ્વિધા થવા લાગી. પછી મેં તો વિચાર્યું કે બહુ જાળવીને કામ લેવું. ભગતરાજ બહુ મોટા, પણ... વ્યવહાર પાડવામાં થોડું ધ્યાન રાખવું પડે. આમ વિચારી પછી તો હું તેનું સહન કરી લઉં છું; પી જાઉં છું.
સાચું કહું અંકલ, મને મીતના આવા ઘણા કડવા અનુભવો થયા છે. અને એટલે જ આજે મારે કહેવું પડયું કે અમે બંને સાથે સેવામાં નહીં. આવા તેના સ્વભાવથી થાક્યા પછી મેં નક્કી કર્યું છે કે થોડા ડિસ્ટન્સ સાથે જીવીએ તો કાંઈ તકલીફ જ નહીં; નહિ તો પાછો મોટા ભગતનો દ્રોહ થઈ જાય. આ જેમ છે તેમ તમને કહી દીધું લ્યો... ઘણા દિવસથી મને થતું જ હતું કે તમને આની જાણ કરું, પણ પાછો એમ વિચાર આવતો કે બિચારાની ક્યાં ફરિયાદ કરવી ! સ્વભાવ તો નાના-મોટા બધાને હોય, સત્સંગમાં બધું સમજી રાખવાનું હોય.’ જીતના મનમાં ઘોળાતા મીત વિષેના બધા નેગેટિવ વિચારો તેણે અંકલ પાસે એકસાથે ઠાલવી દીધા. અંકલે તેને શાંતિથી સાંભળી લીધા અને પછી બોલવા લાગ્યા...
અંકલ : જીત ! આ આખા પ્રસંગમાં તને તારી ભૂલ કેટલી-કઈ લાગે છે ? મને ઘણા યુવાનો મળે છે, દિલગીરી સાથે તે પોતાની નાની એવી ભૂલ બાબતે રડતા હોય છે.
જ્યારે તું તો... આ બધા પ્રસંગમાં તારો એંગલ અવળો હોવાથી તને તારા જ દોષ સામામાં દેખાય છે. યાદ રહે જીત, આપણા શબ્દો ભલે બીજા માટેના હોય પણ ખરેખર એ આપણા જ વ્યક્તિત્વની ચાડી ખાય છે. બની શકે તારું અહં છંછેડાતા રાગ-દ્વેષ કે ઈર્ષ્યામાં તું જ એના વિષે કંઈક ગ્રંથી બાંધી બેઠો હોય. નહિ તો મિત્રાચારી તૂટી એનું તને રડવું કેમ ન આવે ? તારા મનમાં એના વિષેની આટલી નેગેટિવીટી ક્યાંથી નીકળે ?
મિત્રાચારીની ગરજ આપણે પોતે રાખવી જોઈએ; જે તે પ્રસંગોમાં નિર્માનીપણા કે સ્વીકારની પહેલ આપણે પોતે કરવી જોઈએ. આ બાબતે સામેથી અપેક્ષા રહે તે હરગીજ ખોટું છે. તારું નામ ભલે જીત છે, પણ આ પ્રસંગમાં ખરેખર તો જીત તારી નહિ મીતની થઈ છે. કેમ જે ખરેખર તો તું એનાથી દૂર થયો છે, એ નહીં. તેં ભલે એની સાથે મિત્રતા છોડી દીધી હોય, પણ એ હજુ તને મિત્ર માને છે. હમણાં પોષકલીડરો પાસેથી મને જાણવા મળ્યું કે તમારા બંનેના સંબંધોમાં પડેલી તિરાડને લઈને બિચારો મીત ૩ વાર તો દિલીપકાકા પાસે રડયો છે. માફી માગે છે. અને તું ?...
જીત, કોઈ આપણી મજાક ઉડાવે એમાં આપણને શી ખોટ છે ! એમાં તો આપણું નિર્માનીપણું દૃઢ થશે. પણ કોઈને જડબાતોડ જવાબ દઈ દઈએ તો ફરી આપણને કોઈ ન વતાવે. વળી, કદાચ કોઈ વ્યક્તિ આપણાથી દૂર થાય તોપણ એ આપણી જ ભૂલ છે, સામાની નહીં. જીત ! તારી મીત પાસેની અપેક્ષાએ જ તેના વિષેની ઉપેક્ષા જન્માવી છે. પરિણામે એ હસે તોય તને મારી મજાક ઉડાવે છે એવું જ લાગે છે. વળી, તારે તો એ જ ચેક કરવું જોઈએ કે, મારો એવો ક્યો સ્વભાવ છે જે એને મારી સાથે નથી જામતું ! ખરેખર તને મીત જેવો મિત્ર મળવો મુશ્કેલ છે. માટે તારો અવળો એંગલ છોડી સાચું સમજી જા.’
આમ મુકેશ અંકલે જીતને કડક છતાં તેના હિતની ખૂબ વાતો કરી. આ વાતો જીતને સ્પર્શી ગઈ. તેમના કહેવાથી તેણે મીતની માફી પણ માગી લીધી. ફરી ધીરે ધીરે પહેલાના જેવી જ જોડી જામી ગઈ.
વહાલા યુવાનો ! આ પ્રસંગે આપણે પણ ચેક કરી લઈએ કે હું સત્સંગમાં જીત બનીને જીવું છું કે મીત બનીને ? જે તે પ્રસંગે જીતની જેમ અહંમાં અક્કડ થાઉં છું કે મીતની જેમ ગરીબ-ગરજુ બનીને રડતો રહું છું મોક્ષમાર્ગે જીત મેળવવી જ હોય તો ગરજ રાખવી પડે. હાથ જોડીને અરજ કરવી પડે. પોતાની ફરજ બજાવવી પડે. જો પોતાની ફરજ છોડીને માત્ર સામેથી જ અપેક્ષાઓ રાખીશું તો આપણી હાર થશે. જો દરેક પ્રસંગોમાં આપણે હંમેશાં સવળું સમજી પોતાની જ ભૂલ સમજવાનો, સ્વીકારવાનો અને સુધારવાનો ઠરાવ રાખીશું તો શ્રીહરિજી મહારાજ, પૂ.ગુરુજી અને સંતો-ભક્તો આપણા ઉપર ખૂબ જ રાજી થશે.