અમે કોઈનું લેણું રાખતા નથી...

અમે કોઈનું લેણું રાખતા નથી...

આ ઘટનાને ઘણો સમય વીતી ગયો. કર્મ સંજોગે તે પટેલને મોટી ઉંમરે અચાનક શરીરમાં કોઢ નીસર્યો. આ ઉંમરે આવું થતાં પટેલ મૂંઝાયા કે મારે સમાજમાં શું મોઢું બતાવવું ? આમ લોકલાજ અને આબરૂને લઈને તે મરવા તૈયાર થયા. તેમણે એક માણસને તૈયાર કરી ગાડું જોડાવ્યું ને સમુદ્ર તરફ ગાડું ચાલતું કર્યું. ગાડું હાંકનારને કહ્યું કે તું કોઈને આ વાત કરીશ નહીં. હું અહીં સમુદ્રમાં મરવા માટે આવ્યો છું; એમ કહી ગાડું હાંકનારને થોડા રૂપિયા આપી પાછો મોકલ્યો ને પોતે સમુદ્ર તરફ ધીમેધીમે ચાલતા થયા. તેવામાં શ્રીજીમહારાજ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ સામા મળ્યા ને કહ્યું, “પટેલ, ક્યાં જાઓ છો ?” ત્યારે પટેલ કહે, “અમારાં સંબંધીને ત્યાં જઈએ છીએ.”

ત્યારે શ્રીજીમહારાજ કહે, “અમે તપસ્વી બ્રાહ્મણ છીએ, અમારી આગળ ખોટું ન બોલાય, જેવું હોય તેવું કહો. શા કારણે સમુદ્ર તરફ જાવ છો ?” તોપણ પટેલે એ જ જવાબ આપ્યો. ત્યારે મહારાજે કહે, “તમે સમુદ્રમાં પડવા જાઓ છો ને ખોટું કેમ બોલો છો ?” ત્યારે પટેલે જાણ્યું કે આ તો અંતરયામી છે, એટલે નિખાલસપણે કહ્યું, “હા, હું સમુદ્રમાં પડવા જાઉં છું.”

બ્રાહ્મણના રૂપમાં મહારાજ કહે, “શા માટે મરી જવું છે ?” એટલે પટેલે બધી વાત કરી. ત્યારે મહારાજ કહે, “મારું વચન માનીને તમો તમારે ઘેર પાછા જાઓ. તમને થોડા દિવસમાં સારું થઈ જશે. અને જો અમારું ન માનવું હોય તો આ તમારા દસ હજાર રૂપિયા પાછા લો.” ત્યારે પટેલ કહે, “મેં તમોને કોઈ રૂપિયા આપ્યા નથી.” ત્યારે મહારાજ કહે, “અમારા સત્સંગીનો સંઘ ગઢડે આવતો હતો ત્યારે તમોએ દસ રૂપિયા અમોને ભેટ નહોતા મોકલાવ્યા ?

પટેલ ઘડીક વચારીને કહે, “તમો સ્વામિનારાયણ ભગવાન છો ?” ત્યારે મહારાજ કહે “હા, અમો સ્વામિનારાયણ ભગવાન છીએ. આ તમારા રૂપિયા પાછા લ્યો, અમે કોઈનું લેણું રાખતા નથી.” પટેલની આંખમાં આંસુ આવી ગયાં ને મહારાજના ચરણોમાં પડી ગયા. મહારાજે તેને આશ્વાસન આપતાં કહ્યું, “તમે તમારે ઘરે પાછા જાઓ, થોડા દિવસમાં તમને સારું થઈ જશે. જરાય ચિંતા કરશો નહીં.”


આમ, દયાસાગર મહારાજે વિપત્તિ વેળાએ પટેલની રક્ષા કરી. પછી તે પટેલ મહારાજનો વિશ્વાસ રાખી પોતાને ઘેર પાછા ગયા. થોડા સમય બાદ તે પટેલને સાવ સારું થઈ ગયું. આ પરચો જોઈ તેને મહારાજનો દૃઢ નિશ્ચય થઈ ગયો. પછી થોડા સમય બાદ તે મહારાજનાં દર્શન કરવા ગઢડે આવ્યા. મહારાજનાં દર્શન કરી મહારાજ પાસે વર્તમાન ધારી દૃઢ આશ્રિત થયા. વળી, અંતકાળે મહારાજ તેને પોતાના અક્ષરધામમાં લઈ ગયા.