
એકવાર શ્રીજીમહારાજ સાંજ વખતે લાંઘણોજ ગામના પાદરમાંથી પસાર થયા, સાથે પાર્ષદ ડુંગરજી હતા. લાંઘણોજમાં અમૃતબાઈ ખૂબ મહિમાવાળા પ્રેમી ભક્ત હતાં. મહારાજ સામે ચાલી અમૃતબાઈને દર્શન દેવા એમના ઘેર પધાર્યા. આમ અચાનક મહારાજને આવ્યા જાણી અમૃતબાઈના આનંદનો પાર ન રહ્યો. હરખઘેલા થઈ જલ્દી જલ્દી મહારાજ માટે ઢોલિયો ઢાળવા દોડ્યાં.
ત્યારે મહારાજ કહે, “અમૃત ! અમારે અત્યારે રોકાવું નથી.” અમૃતબાઈ કહે, “ના મહારાજ ! હવે જમ્યા વિના ન જવાય, ફરી તમે ક્યારે પધારો ? માટે કૃપા કરી ઘડીક બેસો. હમણાં હું થાળ તૈયાર કરી દઉં, આપ જમીને પછી સુખેથી પધારો.” મહારાજ કહે, “અમૃત ! અમારે ઉતાવળ છે, ફરી ક્યારેક આવશું, અમે તો રાજી થઈને તને દર્શન દેવા જ આવ્યા હતા.” એમ કહી મહારાજ ચાલતા થયા. અમૃતબાઈએ ઘણી પ્રાર્થના કરી તોપણ મહારાજ ન રોકાયા.
ગામબહાર નીકળ્યા ત્યાં અંધારું થઈ ગયું. મહારાજ ડુંગરજીને કહે, “ડુંગરજી ! આપણે અમૃતબાઈના ઘેર રોકાયા હોત તો સારું થાત. હવે રાત્રે અંધારામાં ચાલવું સારું નહિ, માટે અહીં ક્યાંક રાત રોકાઈ જઈએ તો ઠીક.” એમ કહી નજીકમાં એક વાડી હતી ત્યાં ગયા. વાડીમાં એક સાથી રહેતો હતો. તેને વાત કરી કે અમારે અહીં એક રાત રોકાવું છે. સાથી મહારાજને ઓળખી ગયો કે આ તો અમૃતબાઈના ભગવાન છે. એટલે કહે, “સુખેથી રહો, તમારાં ભક્ત અમૃતબાઈની જ આ વાડી છે.”
પછી મહારાજ તે વાડીમાં આંબા નીચે રાત રહ્યા. રાત્રે સાથીએ ગામમાં અમૃતબાઈને ખબર આપ્યા કે, તમારા ભગવાન આપણી વાડીએ રાત રોકાણા છે. એટલે અમૃતબાઈના આનંદનો પાર ન રહ્યો. હરખમાં ને હરખમાં રાત્રે ઊંઘ પણ આવી નહિ ને સવારે વહેલા જાગી મહારાજ માટે સેવ બનાવી. પછી સેવ, સાકરનો ડબ્બો અને સાથે ઘી ને દૂધ; એ બધું એક ટોપલામાં લઈ, હજુ દિવસ ઊગે એ પહેલાં જ વાડીએ જવા ચાલતાં થયાં.
આ બાજુ મહારાજ પણ જાગી તૈયાર થઈને બેઠા ને ડુંગરજીને કહે, “ડુંગરજી ! કાંઈ ખાવાનું છે ? ભૂખ બહુ લાગી છે.” ડુંગરજી કહે, “સાંજે અમૃતબાઈએ ઘણો આગ્રહ કર્યો હતો ને ત્યાં રોકાણા નહિ ને અહીં વગડામાં રહ્યા, તે અહીં કોણ જમવાનું લાવે ? માટે હાલો જલ્દી ચાલતા થઈએ તો બીજું ગામ આવે ને રોટલા ભેગા થઈએ.”
આમ મહારાજ અને ડુંગરજી વાતો કરે છે, ત્યાં અમૃતબાઈ આવી પહોંચ્યાં ને છેટેથી બૂમ પાડી, “એ અમારા આંબા નીચે કોણ ઊતર્યું છે ?” એટલે મહારાજ કહે, “એ તો અમે છીએ.” અમૃતબાઈને ખબર છે કે મહારાજ છે, છતાં પ્રેમમાં ને પ્રેમમાં મહારાજને કહે છે, “અમે વળી કોણ ?” ત્યારે ડુંગરજી કહે, “એ તો મહારાજ છે.”
અમૃતબાઈ જેવા મહારાજ પાસે પહોંચ્યાં એટલે મહારાજે પૂછ્યું, “અરે અમૃત ! અત્યારે ક્યાં જાય છે ?” અમૃતબાઈ કહે, “મારા સાથીને શિરામણ દેવા જાવ છું.” મહારાજ કહે, “અમૃત ! તારું શિરામણ કેવું છે જરા જોવા તો દે !” એટલે અમૃતબાઈએ ટોપલો હેઠો મેલીને તેમાંથી સેવ, ઘી, દૂધ અને સાકરનો ડબ્બો કાઢીને મહારાજ આગળ મૂક્યાં. ત્યારે મહારાજ કહે કે, “અમૃત ! તારો સાથી આવું સારું સારું ખાય છે ?” અમૃતબાઈ કહે, “મહારાજ, મારો સાથી બહુ સ્વાદીયો છે એટલે તેને સારું સારું ખાવા જોઈએે.” મહારાજ કહે, “તારા સાથી તો અમે છીએ માટે લાવ્ય અમને જમાડ.”
મહારાજે આમ કહ્યું એટલે અમૃતબાઈ શરમાઈ ગયાં ને બોલ્યાં, “અરે મહારાજ ! હું તો રમૂજ કરતી હતી, હું તો આપને જમાડવા માટે જ આ બધું લાવી છું. એમ કહી આસન પાથરી તે પર મહારાજને જમવા બેસાર્યા. અમૃતબાઈએ જાતે મહારાજને તાંસળીમાં સેવ પીરસી અને પછી ઘી પીરસ્યું. પછી ડબ્બામાંથી સાકરના બે દોથા ભરીને નાંખ્યા ને ઉપરથી દૂધ પીરસ્યું ને કહ્યું, “પ્રભુ ! જમો.” એટલે મહારાજે તે બધું ચોળીને એક ગ્રાસ લઈ મુખમાં મૂક્યો, ત્યાં તો કાંઈક નવીન સ્વાદ આવ્યો.
મહારાજને ખબર પડી ગઈ કે સાકરને બદલે લોટ આવી ગયો છે, પણ આ તો ભાવના ભૂખ્યા ભગવાન હતા. મહારાજ તો ગ્રાસ પછી ગ્રાસ માંડ્યા જમવા. જમતાં જમતાં વખાણ કરતા જાય કે, “અરે અમૃત ! આ તો ખરેખર અમૃત જેવું મીઠું ભોજન છે, આવું તો અમે ક્યારેય જમ્યા નથી.”
અમૃતબાઈએ ફરી મહારાજને સેવ પીરસી ને દોથો ભરીને લોટ નાંખ્યો ને ઘી-દૂધ પીરસ્યું. અમૃતબાઈને ખબર નથી કે હું ભૂલમાં સાકરને બદલે લોટ લઈને આવી છું. એમનાં મનમાં તો સાકર જ છે. મહારાજ પણ આનંદથી અમૃતબાઈનો ભાવ આરોગે છે. ડુંગરજી છેટે બેઠા બેઠા ભક્ત અને ભગવાનનો આ પ્રેમ જોયા કરે છે, ને મનમાં સંકલ્પ કર્યા કરે છે કે મહારાજ થોડી પ્રસાદી મારા સારુ રાખે તો સારું.
વળી અમૃતબાઈ સેવ નાંખવા ગયાં ત્યારે મહારાજ કહે, “રાખ્ય અમૃત ! હવે અમે ધરાઈ ગયા છીએ.” ત્યારે ડુંગરજી બોલ્યા, “એ મહારાજ ! નાંખવા દ્યોને પછવાડે હું બેઠો છું ને ?”
પછી વળી સેવ પીરસી ને એક દોથો લોટ નાંખ્યો ને ઘી-દૂધ નાંખ્યું. પછી મહારાજે થોડું જમીને તાંસળી ડુંગરજી તરફ ધકેલીને કહ્યું, “લે ડુંગરજી ! આ પ્રસાદી તારા માટે.” ડુંગરજી કહે, “બહુ સારું મહારાજ લાવો.”
ડુંગરજીને ક્યારનું મોઢામાં પાણી આવતું હતું. હોંશે હોંશે જમવા બેઠા. જેવો એક ગ્રાસ મોઢામાં મૂક્યો ને બકારીયું ખાવા માંડ્યા અને બોલ્યા, “અરે મહારાજ ! આ તો જરાય ભાવતું નથી, કહો તો ભોંમાં ભંડારું.” મહારાજ કહે, “નો ખાય તો તારે માથે થપેડું, ક્યારનો બેઠો બેઠો સંકલ્પો કરતો હતો.” એમ કહી અમૃતબાઈને કહે, “ડુંગરજીને સાકર ઓછી પડે છે માટે થોડી સાકર નાંખો.” જ્યાં અમૃતબાઈ સાકરનો દોથો ભરવા જાય છે ત્યાં જ ડુંગરજી જોરથી બોલી ઊઠ્યા, “અરે અમૃતબાઈ ! આ સાકર નથી, આ તો લોટ છે લોટ.”
અમૃતબાઈ હાંફળાં ફાંફળાં થઈને બોલી ઊઠ્યાં, “હેં...” પછી જ્યાં સાકરના ડબ્બામાં જોયું ત્યાં તો લોટ દીઠો. અમૃતબાઈ એકદમ હેબતાઈને બોલ્યાં, “અરર, મહારાજ ! હું સાકરને બદલે લોટ લાવી છું. અરે ! મેં અભાગણીએ તમને લોટ ખવરાવ્યો ?” આમ પસ્તાવો કરવા લાગ્યાં. આંખમાં આંસુ આવી ગયાં ને કહેવા લાગ્યાં, “અરેરે મહારાજ ! મને માફ કરો, અંધારે ઉતાવળમાં મેં આ ભૂલ કરી, સાકરને બદલે લોટ લાવી. તમે બોલ્યા કેમ નહીં ?”
મહારાજ કહે, “અમૃત ! અમે તો તારો પ્રેમ અને ભાવ જમતા હતા, એટલે અમને એમાં સાકર કરતાં સવાયો સ્વાદ આવતો હતો.” અમૃતબાઈ કહે, “ના પ્રભુ ! એ તો મારી ભૂલ છે. હવે કૃપા કરી થોડીવાર રોકાઈ જાવ, હું હમણાં જ ફરી સારી રસોઈ બનાવીને લાવું છું.”
ત્યારે મહારાજ કહે, “અમૃત ! અમને આ ભોજનમાં જેવો સ્વાદ આવ્યો, એવો હવે બીજાં ગમે તેટલાં સારાં ભોજન બનાવીને લાવીશ, તોપણ એવો સ્વાદ નહિ આવે.” પરંતુ અમૃતબાઈ તો બહુ જ દિલગીર થઈ ગયાં, એટલે મહારાજે તેમને આશ્વાસન આપતાં કહ્યું, “અમૃત ! અમે ફરી ક્યારેક તારે ઘેર આવશું ને તને રાજી કરીશું. અત્યારે અમારે ઉતાવળ છે માટે અમે જઈએ છીએ;” એમ કહી મહારાજ ચાલતા થયા.
વહાલા ભક્તો ! ભગવાનની નજર હંમેશાં ભક્તના પ્રેમ અને ભાવ સામે હોય છે, વસ્તુ-પદાર્થ સામે નહીં. ગમે એટલી સ્વાદિષ્ટ વાનગી હોય, પણ બનાવનાર કે જમાડનારને ભાવ ન હોય, તો એ ભગવાનને જરાય ભાવતું નથી; પરંતુ સૂકો રોટલો ને ખાટી છાશ હોય, પણ એમાં ભાવ ભરેલો હોય તો ભગવાન એ પ્રેમથી જમે છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે ભોજનના નહીં.
માટે ભગવાન માટે થાળ કરવો, ભગવાનને જમાડવા; તે ખૂબ ભાવ-પ્રેમ-શ્રદ્ધા અને ભક્તિથી કરવું, તો જરૂર ભગવાન આપણો ભાવ સ્વીકારે. એવી જ રીતે ભગવાનના વહાલા સંતો-ભક્તોને જમાડવાનો જ્યારે અવસર મળે ત્યારે પણ ખૂભ પ્રેમ-ભાવથી જમાડવા, તો એમાં રહીને પણ ભગવાન જ આપણો ભાવ સ્વીકારતા હોય છે.