
સભાના અંતમાં સહુ ઘડીક સભાસંચાલક સામું જુએ છે અને ઘડીક યશ સામું જુએ છે. ‘મેહુલથી માંડી કુલદીપ સુધીના સહુનાં નામ આવ્યાં, ને યશનું નામ જ કેમ નહીં ? ઠાકોરજીની આરતી ઉતારવામાં કે સંતોનાં પૂજનમાં એકેય લીસ્ટમાં યશનું નામ શા માટે નહીં ? આજ સુધી સેવા અને સત્સંગમાં યશનો કેટલો બધો ભોગ છે ? આ અંગે આયોજક એવા પરિમલભાઈને યાદી આપવી કે ફરિયાદ કરવી !’ આમ સહુ કોઈ પોતપોતાના વિચારોમાં મશગૂલ હતા.
ઉચિતથી રહેવાયું નહીં. જેવી સભા પૂરી થઈ, કે તરત જ એ તો સભાસંચાલક પાસે દોડી ગયો. બીજી કાંઈ સ્પષ્ટતા કે પૂછપરછ પહેલા જ તેણે બોલવા માંડયું... “રાહુલ ! પાત્ર વ્યક્તિને યોગ્ય સન્માન મળવું જ જોઈએ. તેં યશનું નામ કેમ લીધું જ નહીં, સહુને કેવું લાગે...!! આ તેનું અપમાન કહેવાય.” કોઈનું નામ લેવા ન લેવા જેવી બાબતમાં સભાસંચાલક સ્વતંત્ર નથી હોતા, એ વાત તદ્દન ભૂલી જઈને ઉચિતે તો સભાસંચાલકનું માથું ખાવા માંડયું. પરંતુ, રાહુલનો સદા સવળું જ લેવાનો ઠરાવ હોવાથી તેણે સ્થિરતા રાખી. કોઈ જ ખુલાસો કર્યા વગર ભૂલ સ્વીકારી લીધી. છેવટે ઉચિત શાંત થયો અને વાત પૂરી થઈ ગઈ.
આ બાજુ બે-ત્રણ વડિલો પરિમલભાઈ પાસે પહોંચી ગયા. અને પરિમલભાઈ તેની સ્પષ્ટતા કરે ન કરે, એ પહેલાં તેમને ખખડાવવા લાગ્યા, ‘આવું તે તમારું કેવું નવલું આયોજન ! વર્ષોથી સેવા કરનારા સાવ ભુલાઈ જાય અને આજકાલના આવેલાના નામ પ્રથમ હરોળમાં ! કોનાં નામ લેવાં અને કોનાં ન લેવાં, તેની ભાન ન પડતી હોય તો કોઈક મોટાને પૂછી લેવાય ને..!’ આવાં કેટલાક કઠોર વચનો સાંભળી પરિમલભાઈ શૂન્ય મૌન થઈ ગયા અને તેઓને વડીલ તરીકે સ્વીકારી, ધીરજ રાખીને સાંભળી લીધું. દૂરથી આ બધી તબાહી જોતો યશ ત્યાં પહોંચી ગયો ને તેમને ટૂંકમાં સમજાવી વાત થાળે પાડી દીધી.
આ આખા પ્રસંગમાં યશની મુખરેખા પરનું સ્મિત, જરા પણ ઓછું થયું નહોતું. આ બાબતે યશની સ્થિરતા જોઈ સહુને આશ્ચર્ય તો ઘણું થતું હતું, પણ તેની પાછળની સમજણ કોઈને કળાતી નહોતી. બીજે દિવસે ઉચિત જેવા કેટલાક મિત્રો યશના સ્પંદનો જાણવા, તેના ઘરે પહોંચી ગયા. પણ પ્રથમ તો તેઓએ પોતાનાં જ સ્પંદનો ઠાલવ્યાં, ‘અરે યાર ! તારું નામ યશ હોવા છતાં તારા કપાળમાં એકલા અપયશની જ ભાગ્યરેખા લખાયેલી હોય એમ લાગે છે; નહીં તો આયોજક અને સભાસંચાલક, બંનેને તારું જ નામ કેમ ભુલાઈ જાય..!!’ કેટલીક વાતો બાદ સાથે આવેલ ખુશાલે ટકોર કરતા કહ્યું કે, ‘આપણે અહીં સલાહ-સુચન કે ટીકા-ટિપ્પણ કરવા નહિ, યશને સાંભળવા આવ્યા છીએ.’ પછી સહુ બોલતા બંધ થયા.
પ્રથમ તો યશ આ બધો ખેલ મૌન રહી સાંભળતો રહ્યો. ત્યારબાદ બોલવાનું શરૂ કરતા પહેલાં, તે પોતાની પૂજામાંથી નાની એવી એક ડાયરી લઈ આવ્યો. અને કેટલાક પાના ફેરવી તેમાં લખેલું વાંચવા માંડયો. તેમાં લખેલી યશની વાત સાંભળી સહુ મિત્રો દિગ્મૂઢ બની ગયા. કેમ જે, તેમાં
તારીખ, વાર, સ્થળ અને સમય સહિતનું ૨૨ મુદ્દાઓનું એક અદ્ભુત લીસ્ટ હતું. આ લીસ્ટમાં છેલ્લા છ વર્ષમાં સંતો અને ભક્તો દ્વારા યશને મળેલું માન-સન્માન તથા રાજીપાનું વર્ણન હતું. યશ તો એક પછી એક, એમ બાવીસેય મુદ્દા વાંચી ગયો અને સહુએ તેને સાંભળી પણ લીધા. પરંતુ, આવું લખવા પાછળનો તેનો હેતુ શું છે ? વળી, આ પ્રસંગે આવા મુદ્દાઓ
સંભળાવી યશ કહેવા શું માંગે છે ? એ કોઈને કશું ન સમજાયું. આખરે ઉચિતે જ આ બાબતે યશને પૂછવા માંડયું. એટલે યશ પોતાની સમજણ મુજબ બોલવા લાગ્યો...
‘સાંભળો મિત્રો ! ગઈ કાલના પ્રસંગમાં તો કોઈએ મારું જરા પણ અપમાન નહોતું કર્યું. પરંતુ, જ્યારે ખરેખર અપમાનના કોઈક પ્રસંગો પડે, ત્યારે ત્યારે હું અચૂક આ મુદ્દાઓમાં નજર કરી લઉં છું. ને વિચારી લઉં છું કે, એકવાર અપમાન કરનારાએ જ મને આવું આવું અનેકવાર સન્માન નથી આપ્યું...!! વળી, ચાર-પાંચ વર્ષ પહેલાં સંતોએ મને સંસ્કૃતની એક સુક્તિ કંઠસ્થ કરાવી, આ બાબતનું ઘણું બળ આપ્યું હતું. એ સુક્તિ આવી હતી... ‘एकत्र अपमानं सर्वत्र सन्मानं।’ આ સુક્તિએ મને નિખાલસ-નિષ્કપટ રહેવા માટેનું પણ બહુ મોટું પ્રેરકબળ પૂરું પાડયું છે. આનો ભાવાર્થ એવો છે કે, સંતો-ભક્તો પાસે એકાદ ઠેકાણે જો આપણે અપમાન સહી લઈએ, તો પછી સર્વત્ર આપણું સન્માન થાય.
આમ તો સંસારમાં કર્મવશ થઈ આપણે સ્ત્રી-છોકરાં, શેઠ વગેરે અનેકનાં અપમાન સહન કરવા જ પડે છે. વળી એનું ફળ પણ કશું નથી મળતું; તો આ સત્સંગમાં આપણને પ્રભુપ્રસન્નતા અપાવનારું , મોટાનો વિશ્વાસ વધારનારું , અનેક રીતે આપણી પ્રગતિ કરનારું એવું સંતો-ભક્તો તરફથી અપમાન કેમ સહન ન કરીએ ? આખી જિંદગી પ્રેમ અને માન-સન્માન આપી આપણું ભલું કરનારા, જરૂર પડયે અપમાનરૂપી એકાદ થપ્પડ મારી લે, તો એમાં આપણું શું બગડી જાય ? અને હા... જ્યારે તેઓ આપણને પોતાના માને, ત્યારે જ થપ્પડ મારી શકે છે.
કોઈ બાળક આડા રસ્તે જઈ દુ:ખી થવાનો હોય, ત્યારે એની સાથે લાગણીથી જોડાયેલ તેનાં માતા-પિતા જ તેને અટકાવે છે. એવી જ રીતે સન્માનના યોગમાં આપણે અહંકારી થવાના હોઈએ, કે આપણું કાંઈક બગડવાનું હોય; ત્યારે આપણા હિતેચ્છુ આપણા ભલા માટે અપમાનની એકાદ ઝાપટ મારી ભવિષ્યના દુ:ખથી આપણને બચાવી લે; તો એમાં તો આપણે સામું ઋણી બનવું જોઈએ. જો અપમાનિત થઈ બીજા અવળા વિચારો કરીએ, તો આપણે મૂર્ખ છીએ. અનેકવાર તેમણે આપેલ સન્માન, આવા કોઈક પ્રસંગે વિસરી જઈ તેમને આપણા વેરી સમજી લઈએ, તો આપણે કૃતઘ્ની છીએ, છીછરા છીએ, અજ્ઞાની છીએ.’
આમ વાત કરતા છેવટે યશને ન છૂટકે કેટલીક પોતાની અંગત વાત કરવી પડી. તે વાતથી સહુને ગંધ આવી ગઈ કે, સંતોના પૂજનમાં યશનું નામ ન લેવરાવવામાં બીજા કોઈ નહિ, પણ યશ પોતે જ જવાબદાર હતો. સ્ટેજ પર ઓછા દેખાતા એવા નાના ગરીબ ભક્તોને રાજીપો અપાવવાની ભાવનાથી યશ પોતે જ આયોજકને, પોતાનું નામ ન લેતા આ વખતે બીજા ભક્તનું નામ લખજો; એવું કહી આવ્યો હતો. આમ પોતાને મળનાર યશ પાયાના પથ્થર સમા, શ્રદ્ધાથી સેવા કરનારા અન્ય બીજા ભક્તોને આપી, ‘યશ’ પોતાનું નામ સાર્થક કરી રહ્યો હતો.
આ સંવાદના અંતમાં સૌથી આશ્ચર્યની વાત તો ત્યારે બની કે, જ્યારે આ અંગે ઉચિતે સૌની હાજરીમાં જ સંતોને ફોન કર્યો. ‘દરેકના લેવલે સવળું લેવાનો અભ્યાસ સારો ચાલી રહ્યો છે...’ આમ કહેતા સંતોએ રાજી થઈ કેટલીક વાતો કરી. એ વાતો દ્વારા સહુને સુસ્પષ્ટ થઈ ગયું કે, આ તો આપણને શીખવવા માટે કેટલાક પાત્રો દ્વારા કરાયેલો રોલમાત્ર હતો.
વાત જાણે એમ હતી કે, સભાસંચાલક રાહુલ અને આયોજક પરિમલભાઈને ખખડાવનારા, વગર વાંકે વઢનારા ઉચિત વગેરે જેવા નેગેટીવ પાત્રો તો માત્ર રોલ ભજવતા હતા. ખરેખર તો આ બંનેની કસોટીના માધ્યમે સૌને સવળું લેવાની પ્રેરણા આપવાની હતી. અને ખાસ તો યશના માધ્યમે બીજાને યશ આપવાની, તેમજ માન-અપમાનનું બેલેન્સ કરી તેમાં વધુ કૃતજ્ઞ બનવાની સમજણ શીખવવાની હતી. આમ, યશના પ્રસંગમાંથી સૌને અપમાનના પ્રસંગમાં અપમાનિત ન થતાં ઉપકારિત થવાનો એક અલગ જ એંગલ મળ્યો.
વહાલા ભક્તો ! આમાંથી સ્પષ્ટ સમજાય છે કે, આપણા જીવનમાં બનતા અવનવા પ્રસંગો મહારાજની કસોટી હોઈ શકે... તો ચાલો આ પ્રસંગે આપણે પણ ચેક કરી લઈએ કે,
‘જ્ઞાન યશને લેવા જેવું, માનવું નહીં કુપાપ; યશ
હરિને દેવા જેવું, નથી સુપુણ્ય અમાપ...’