અનોખી ગીફ્ટ...

અનોખી ગીફ્ટ...

‘પપ્પા પપ્પા ! આજે સ્નેહલનો બર્થ ડે છે, તો આપણે એને શું ગીફ્ટ આપીશું ?’ ‘તું જ કહે ને બેટા ! એને શું પસંદ આવશે ?’ આલાપ થોડીવાર વિચારીને બોલવા લાગ્યો, ‘અં... આમ તો એને... પણ પપ્પા એક કામ કરીએ તો ! ગીફ્ટ બાબતે આપણે એને સરપ્રાઝ આપીએ તો ?’ ‘હા બેટા એમ કરીશું, પણ ગીફ્ટમાં આપીશું શું ? મોબા વોચ, લેપટોપ...’ ‘પપ્પા ! હું તો વિચારું છું કે એને ગમતું હોય એવું કાંઈક આપીએ.’ ‘કેમ ? આ બધું એનું ગમતું ન કહેવાય ?’ ‘ના પપ્પા, એ મારો મિત્ર છે, હું એને એકદમ નજીકથી ઓળખું છું.' આલાપે કહ્યું, 'આ બધી બાબતોમાં મેં એને કદી ખુશ થતા જાેયો નથી. ખબર નહિ એ કાંઈક અલગ જ માટીનો માણસ છે. ૨૩ વર્ષની નાની ઉંમર અને આટલી પીઢતા; બહુ ભાગ્યે જ જાેવા મળે.’ ગીફ્ટની વાત બાજુ ઉપર પડી રહી ને સ્નેહલના જીવનથી પ્રભાવિત આલાપ તેના પપ્પા જયમીનભાઈ સાથે વાત કરવા લાગ્યો.

‘પપ્પા ! તમને ખબર છે, એક દિવસ એવું બન્યું, સ્નેહલનો કોઈ જ વાંક નહિ ને આપણા શાંતિકાકાએ તેને જાહેરમાં ખખડાવી નાંખ્યો. સભામાં લેટ આવવા બાબતે કારણ પૂછ્યા વગર સૌની હાજરીમાં જ એને કાકાએ ઘણું ઘણું કહી દીધું. ખરેખર હું સાથે હતો, રસ્તામાં ટ્રાફિકને લઈને જ અમારે ૨૦ મિનિટ લેટ થયું હતું; તોપણ સાચું કહું પપ્પા, બિચારો સ્નેહલ એક પણ શબ્દ ન બોલ્યો. વચ્ચે પડીને મેં કાકાને સાચું કારણ કહેવા માંડયું, તો મને પણ એણે તરત રોકી લીધો. મેં સ્નેહલને કહ્યું, ‘આપણે તો જે છે એ જ કહેવું છે ને !’ એટલે તેણે મને શારો કરી મૌન રહેવા કહ્યું. થોડીવાર પછી મને કહ્યું, ‘આલાપ ! તરત જ જવાબ આપી દઈએ તો આપણું ટેસ્ટીંગ ક્યારે થાય ? આ જ બાબત પછી પણ કહી શકાય ને ! આમ કહી તેણે મને મોબાલમાંથી વચનામૃત સારંગપુરનું બીજું કાઢી તેનો એક પેરેગ્રાફ વંચાવ્યો ને કહ્યું, ‘જાે પ્રભુના કે અન્ય કોઈના પણ હૃદયસ્થ થવું હોય તો વચને કેમ વર્તવું ? એ આમાં કેટલું મસ્ત લખ્યું છે ! આપણે વિવેક કે સ્પષ્ટતાના નિમિત્તે પણ મોટાને પોતાનું વચન પાછું ઠેલવું પડે એમ બોલીએ, એ કાંઈ આપણો વિવેક ન કહેવાય !

મેં કહ્યું, આ તે ભલા તારો કેવો વિવેક ? સાચું હોય તે તો કહેવું જ પડે ને!’ સ્નેહલે કહ્યું, ‘તેમના શબ્દોને શાંતિથી સાંભળી લઈએ, તેમની લાગણીને હૃદયસ્થ કરી લઈએ, ત્યાર પછી જરૂર પડે તો ક્યાં સ્પષ્ટતા નથી કરી શકાતી ? સાચું એને જ કહેવાય કે જેમાં પ્રથમ પોતાનું પરીક્ષણ થઈ જાય. તરત જવાબ આપી દઈને તેમનું વચન અસત્ય કરી દઈએ, એમાં આપણું ભલું શું થાય ? ફળ એ મળે કે ફરીવાર એમને બધી જ તપાસ કરીને બહુ જ જાળવીને પ્રેમથી પૂછવું પડે, વઢતા પહેલાં ૨૦ વાર વિચાર કરવો પડે; આવા અનુભવો કરાવીએ તો એ પણ થઈ શકે, પરંતુ એમાં સ્નેહલની માત્ર ટાંગ ઊંચી રહે; કોઈનો રાજીપો ન થાય. આ પ્રસંગમાં તો હું સાચો હતો, લેટ આવવા બાબતનું કારણ પણ સાચું હતું, પણ જ્યારે હું ખોટો હોઉં, મારું બગડતું હોય, મારી દિશા અવળી ફંટાઈ ગઈ હોય ત્યારે મને કોણ રોકે-ટોકે ? એ સમયે તેઓ મને તો જ રોકી ટોકી શકે, જાે મેં કાંઈક એવા વિશ્વાસના અનુભવો આપ્યા હોય. જાે મને વઢતા તેઓને બીક લાગે છે, તો મેં તેમને વિશ્વાસ આપવાને બદલે કાંઈક અતડા અનુભવો આપ્યા હશે.

સાંભળ આલાપ ! તું મારો મિત્ર છે, તેથી મારી અંગત વાત કરું. હું છેલ્લા ઘણાક દિવસથી પૂજામાં પ્રભુને પ્રાર્થના કરતો હતો કે, ‘હે નાથ ! મને આપના એકાંતિક લાડલા સંતો-ભક્તોનો રાજીપો અપાવજાે, આપને ગમે એવું દાસત્વ આપજાે, મને કદી કોઈમાં ગૌણભાવ ન થાય એવી કૃપા કરજાે.’ હવે તું જ કહે, પ્રભુને રાજી થઈ મારી માંગણી પૂરી કરવી હોય તો એ શું કરે ? બસ આવું જ. આમાંથી જ મને મારી પ્રાર્થના ફળતી હોય એવું દેખાય છે.’ આલાપ પોતાના પપ્પાને સ્નેહલની આટલી વાત કરે છે, ત્યાં જ શાંતિકાકા આવી પહોંચ્યા. ‘કેમ છો જયમીનભાઈ ? આલાપ ! અભ્યાસનું કેમ ચાલે છે ?’ આલાપે કહ્યું, ‘અરે, કાકા તમે પોતે આવી પહોંચ્યા ! અહીં સોફા ઉપર બેસો. મારા અભ્યાસની વાત જવા દો... હું હમણાં જ પપ્પાને પેલા સ્નેહલના અભ્યાસની વાત કરતો હતો. એક દિવસ તમે એને વઢ્યા હતા તે...’ કાકાએ કહ્યું, ‘હા આલાપ, એ પ્રસંગની તો શું વાત કરું ? સ્નેહલ તો સાચો હીરો છે. આ એક નહીં, અનેક પ્રસંગે હું એને જાણી જાેઈને વઢી ચૂક્યો છું, પણ ખબર નહીં એની કેવી સમજણ છે ! જેમ વઢીએ એમ નજીક આવે. તેણે એના ફોનમાં કેટલાક વચનામૃત ફેવરિટ તરીકે સીલેક્ટ કર્યાં છે. એ વઢવા વિષેના વચનામૃતોનું લીસ્ટ જાેયા પછી તો મેં પણ તેનો એક ફોટો પાડી લીધો.

જયમીનભાઈ ! સ્નેહલની બીજી એક અંગત વાત કહું... એકવાર એના બર્થ ડે પ્રસંગે તેણે મને કહ્યું, ‘મારે આ જ જન્મે પ્રભુને પામી જવું છે, અને એના માટે આ પ્રગટ સંતો-ભક્તોને ખૂબ જ રાજી કરવા છે.’ આ બે બાબત દૃઢ કરાવવા મને વઢી-ટોકીને પણ મદદ કરજાે. પછી ખોટું શું કહું ? મેં તો અનેકવાર ટેસ્ટીંગ પણ લઈ જાેયું કે, સ્નેહલ ઉપરથી ઉપરથી કહે છે કે ખરેખર એને અંદરથી... પણ સ્નેહલ તો આ અભ્યાસ બહુ નીચેથી કરે છે.’ જયમીનભાઈએ પૂછ્યું, ‘નીચેથી એટલે ?’ કાકાએ કહ્યું, ‘ચાલો પ્રસંગ જ કહી દઉં... એકવાર રાહુલે સભામાં બેઠેલા સ્નેહલને કહ્યું, ‘અરે ઓ સ્નેહલ આમ... તારી લાન જાે. તરત જ વાર લગાડયા વિના સ્નેહલ થોડો ડાબી-જમણી બાજુ ખસીને લાન મેળવવા લાગ્યો. બાજુમાં બેઠેલ વિસ્મયને થયું, ‘સ્નેહલ તો બરોબર જ બેઠો હતો અને પાછો રાહુલ તો એનાથી ક્યાંય નાનો, તેમ છતાં એનું એને કાંઈ જ નહીં !’ સભા બાદ એ સ્નેહલને મળ્યો, ‘સ્નેહલ ! સાચું કહે, આજે તું એકદમ સીધી લાનમાં જ બેઠો હતો, તેમ છતાં રાહુલે તને સીધા બેસવાનું કહ્યું ત્યારે તેં કેમ કાંઈ..

સ્નેહલે સ્મિત સાથે બોલવા માંડ્યું, ‘આ સ્નેહલિયો એ સમયે તો સીધો જ હતો, પણ જ્યારે વાંકો થઈ જાય ત્યારે ? ત્યારે એને કોઈ અડી ન શકે; માટે ભલે હું સાચો હોઉં પણ એના વચનને આદર આપું, તો એ ફરીવાર હિંમત કરી શકે. થોડા ઊંચા-નીચા થવાની માત્ર ક્રિયા કરવાથી જ એના હૃદયમાં મારું બેલેન્સ વધી જતું હોય તો એમ કરવામાં મને શું ઘા વાગે ? અને હું એ જ જગ્યાએ બેસી રહું, અને થોડીવાર પછી ખસું કે રીસ્પોન્સમાં કાંઈક કઢંગા રંગથી એને બરોબરનો રંગી દઉં, તો પછી હું ક્યારેય એના રાજીપાના રંગથી રંગાઈ ન શકું.’

શાંતિકાકા આગળ બોલે એ પહેલાં વચ્ચેથી જ આલાપે કહ્યું, ‘કાકા તમને ખબર છે ? આજે જ સ્નહેલનો બર્થ ડે છે. મેં અને પપ્પાએ વિચાર્યું છે કે એને કાંઈક ગીફ્ટ...’ કાકાએ કહ્યું, ‘શું વાત છે ! આજે જ ? તો પછી વાર નથી લગાડવી. ગીફ્ટ તો પછી આપીશું આપણે સૌ તેને બર્થ ડેની શુભકામના પાઠવી તેને રાજી કરીએ.’ આમ વાત થતાં સૌ તેને ઘેર પહોંચ્યા. સ્નેહલને હેપ્પી બર્થ ડે કહી સૌ બેઠા. સ્નેહલને સરપ્રાઝ મળતાં તે સ્નેહભીનો બની ગયો. કાકાએ તેને કેટલીક વાતો કહી રાજીપો આપ્યો. અંતમાં તેને જ પૂછી લીધું, ‘બેટા ! આજે તારા બર્થ ડેમાં તારે શું ગીફ્ટ જાેઈએ ?’ સ્નેહલે કહ્યું, ’ખરેખર કાકા જે માગું તે આપશો ?’ ‘હા, હા કેમ નહિ બેટા !’

સ્નેહલ બોલવા લાગ્યો, ‘મારે બીજી ગીફ્ટ નથી જાેઈતી, પ્રભુને પ્રાર્થના કરવારૂપ આટલી ગીફ્ટ મને આપો... આ સત્સંગમાં નાનામાં નાના ભક્તો પણ મને વઢી શકે, હું તેને સવળું લઈ શકું, વઢવારૂપી તેમની લાગણી, આત્મીયતા, હેતભાવ અને કરુણાના પ્રવાહમાં સદાય ઋણી બની રહું, કદી કોઈનામાં મને કુભાવ ન થાય;આવી સ્નહેલની ખપ અને સમજણભરી પ્રાર્થનારૂપ ગીફ્ટની માંગણી સાંભળી આલાપ અને તેના પપ્પા એકબીજા સામું જાેઈ રહ્યા...

વહાલા ભક્તો ! ઉપરોક્ત સ્નેહલની પ્રાર્થના આપણી પોતાની પ્રાર્થના બની જાય તો કેવું સારું ? સ્નેહલ જેવો ખપ, નિર્માનીપણું અને સમજણ આવી જાય તો આપણું કેવું કામ થઈ જાય ? આધ્યાત્મિક માર્ગમાં જેને બહુ મોટો સ્પીડબ્રેકર કહી શકાય એવો અહંરૂપી ગઢ ઓળંગવા કોઈક આપણને આવી દિવ્ય ગીફ્ટ આપી દે તો કેવું સારું !!