
છપૈયાની યાત્રાના આયોજન બાબતે કેટલાક યુવકો મીટિંગમાં બેસી મુદ્દાઓ ચર્ચી રહ્યા છે. કિંચિત, અસીમ, હૃદય, મંથન વગેરે યુવકો યાત્રા દરમિયાન જરૂરી બાબતોના મુદ્દાઓ ચર્ચવામાં, સંભારવામાં, લખવામાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. યાત્રાનો રૂટ ગોઠવવાથી માંડી મેનુમાં કઈ કઈ આટમ રાખીશું ? કઈ સેવા કોણ સંભાળશે ? નાટ હોલ્ટ ક્યાં રાખીશું ? આવા દરેક મુદ્દાઓની વાત ચાલું છે, પણ હજુ સુધી વિશાલ એક પણ શબ્દ બોલ્યા વગર બસ એમ જ નીરસ બેઠો છે. દિલિપનું પણ એવું જ હતું, પરંતુ હૃદયના શારાથી તેણે બોલવા માંડ્યું, ‘અલ્યા મારું સાંભળો, તમે જ્યાં વિચારો છો ત્યાં હોલ્ટ કરવા જેવું નથી… ત્યાં મરાઈ જશો. આ મેં કહી દીધું.’
કિંચિતેે સ્પષ્ટતા કરી, ‘ભાઈ ! આયોજન અને દિવસો જોતાં તો ત્યાં હોલ્ટ કરવો પડે એમ છે; આગળ હોલ્ટ કરવામાં રાત્રે મોડું થાય એમ છે, તો કેમ કરીશું ? દિલિપે કહ્યું, ‘એ તમારે જેમ કરવું હોય એમ કરો, પણ ત્યાં કરશો તો હેરાન થાશો. આ મારો અનુભવ છે તે તમને કીધો.’ આટલી વાત થતાં પ્રશ્ન એમ જ ઊભો રહ્યો. કારણ એટલું જ કે દિલિપ ઉંમરની દૃષ્ટિએ અન્ય યુવકોથી ત્રણેક વર્ષ મોટો હતો.
આ મુદ્દો પેન્ડિંગ રાખી આગળનો મુદ્દો ચર્ચાયો, તો મેનુ નિશ્ચિત કરવામાં થેપલાંએ પણ બહુ મોટો હોલ્ટ લીધો. અન્ય આટમ તો સૌને માન્ય હતી, પણ થેપલાંની વાત સાંભળતાં મૌન બેઠેલ વિશાલથી રહેવાયું નહિ. તેણે થોડા આક્રોશ સાથે બોલવા માંડ્યું, ‘મને અનુભવ છે; ગઈ વખતે થેપલાં સાવ ચવડ થઈ ગયાં હતાં, તે બે જણ સામસામી તાણે તોય તૂટતાં નહોતાં; માટે એ તો નહિ જ. પછી તો તમે જાણો… બાકી મારે તો બોલવું જ નહોતું, પણ આ અનુભવ હતો તે કહ્યો.’ અસીમે કહ્યું, ‘વિશાલ ! ભલા આપણે તો માત્ર આ વિષેનાં આપણાં મંતવ્ય આપવાનાં છે; નિર્ણય નહિ, માટે સહદેવની જેમ કોઈ પૂછે ત્યારે જ બોલવું એમ ન ચાલે, અને બોલવાનું થાય તો એમાં પણ…’ અસીમની વાતથી વિશાલ મૌન થયો અને ચર્ચા આગળ ચાલી. અન્ય યુવકો તો ખુશ હતા, પણ મીટિંગ દરમ્યાન વિશાલ અને દિલિપની કઢંગી વિકૃતી બોલવામાં કે ન બોલવામાં સૌ કોઈને જણાતી હતી.
છેવટે, કિંચિત ધીરે રહી ઊભો થયો ને પાછો બે મિનિટમાં પરત આવીને બેસી ગયો. થોડીવારમાં અચાનક શાંતિકાકા આવ્યા. કાકાના આવતાં જ મીટિંગનો લાઉડલી અવાજ બંધ થઈ ગયો. સૌએ આવકાર સાથે આસન આપ્યુ. ‘શું ચાલે છે દીકરાઓ ? કાકાએ પૂછ્યું. મંથને તરત જ કહ્યું, ‘છપૈયાની લાં…..બી-ચૌડી યાત્રા. કાકા ! લગભગ અડધો કલાકમાં જ પૂરી થઈ જાય એવી મીટિંગમાં પોણો કલાક થઈ ગયો, હજુ કાંઈ નિવેડો…’ કિંચિતેે મંથનને ઈશારો કરી બોલતો અટકાવ્યો, ને નમ્ર સ્વરે પોતે બોલવા લાગ્યો, ‘કાંઈ નહિ કાકા, એ તો એક-બે પ્રશ્નોના નિર્ણયમાં અમે થોડા અટવાતા હતા, સારું થયું તમે આવી ગયા, તે અમે હળવા થઈ ગયા.’ કાકાએ પૂછ્યું, ‘શું વાત છે ?’ કિંચિતેે આગળ-પાછળના અનુસંધાન સાથે દરેક મુદ્દાઓની વાતથી કાકાને વાકેફ કર્યા.
શાંતિકાકાએ કિંચિતની વાત ધીરજથી સાંભળી ને તરત પામી ગયા. તેમણે કહ્યું, “દીકરાઓ ! મારી દૃષ્ટિએ આ નિર્ણયો નહિ આવવાનું કારણ બીજું કોઈ નથી, ‘અનુભવની અથડામણ’ છે. હજુ વધુ સ્પષ્ટ કહું તો, ‘અહંની અથડામણ’ છે. આ પ્રસંગે સૌ પ્રથમ તો હું તમને એ પૂછી લઉં કે આ આયોજન સંભાળવામાં જવાબદાર લીડર કોણ છે ? એ દરેકને ખ્યાલ છે ?’ સૌએ કહ્યું, ‘હા કાકા, કિંચિત.’ કાકાએ બીજો સવાલ કર્યો, લીડરનો સાચો સ્વીકાર કર્યો કોને કહેવાય ? એનો જવાબ તમારામાંથી મને કોણ આપશે ? સૌ મૌન રહ્યા, એટલે કાકાએ વાત આગળ વધારી… ‘મારા દીકરાઓ ! આપણા અનુભવોને લીડરના સપોર્ટ માટે નિર્માનીપણે કામે લગાડીએ તો એ કામના, નહિ તો એ જ અથડામણનાં મૂળ થઈ પડે. આપણી બુદ્ધિ, શક્તિ, કુશળતા કે અનુભવોથી આપણે કોઈને મદદરૂપ થઈએ, તો એ સેવા-ભક્તિ બની જાય. અને જો એનાથી જ કોઈને મૂંઝવણમાં મૂકી દઈએ તો એ બાબત આપણાં બેહુદાં વર્તન તરીકે સાબિત થાય, જે કોઈને સુખરૂપ ન થાય.
આપણે હંમેશાં મદદરૂપ થવા હૃદયપૂર્વક સાથે રહેવાનું હોય; સામે નહિ. આપણા વિચારોના પ્રવાહોમાં પણ જો કોઈ પણ નિમિત્તે અંદર અંદર વિરોધ થયા કરે, અસંતોષ રહ્યા કરે, પૂછવા છતાં-પોતાને વિચાર આવવા છતાં મૌન રહીને અહંથી વિકૃત વર્તન કરીએ તો સમજી લેવાનું કે હું લીડરની સાથે નથી, સામે છું. નીચે નથી, ઉપર છું. આપણા આવા પ્રકારના વર્તનમાં આપણી અનેક અશુદ્ધિઓ હોઈ શકે. જેમ કે... પોતાને લીડરપણું કરવાની અતૃપ્ત ઈચ્છા અને આ ઈચ્છા-અપેક્ષા પૂર્ણ ન થતાં તેમાંથી જન્મતી ઉપેક્ષા. વળી, નિયુક્ત લીડરનો સ્વીકાર અને મહિમા હોવાને બદલે બરોબરિયાપણું અને ઈર્ષ્યા. આ બધાનો મૂળરૂપ છેડો કહું તો આપણને જે તે લીડરને લીડરપણું આપનાર સંતો-ભક્તોનો જ જોઈએ એવો સ્વીકાર કે મહિમા નથી, અને જો હોય તો આપણાથી નાનાની આજ્ઞામાં પણ સહેજે રહેવાય.” આટલું કહી શાંતિકાકાએ મૂળ વાત કહેવા માંડી...
“સાંભળો, આ યાત્રાના આયોજનની સેવા સંતોની મરજી લઈને કિંચિતનેે મેં જ સોંપી હતી, ને સાથોસાથ આ બાબતે મીટિંગ કરી સૌના અનુભવ લેવાનું કહ્યું હતું. હા, બની શકે કે આવી કોઈક બાબતોમાં કિંચિત જેવા લીડર આપણી ઈચ્છા મુજબનું આપણું અપેક્ષિત ચિત્ર ન પણ દોરી શકે. ઉંમરની દૃષ્ટિએ આપણાથી નાના પણ હોય, આપણા જેટલી બુદ્ધિ, શક્તિ કે અનુભવ ન પણ હોય, પરિણામે ભૂલો પણ થતી હોય; પરંતુ આપણી ફરજ તો આપણું અલગ અસ્તિત્વ ન રાખતાં તેમનામાં અહં ઓગાળવાની છે, તેમના વચનમાં હોમાઈ જવાની છે. માત્ર સલાહના કોથળા ન છોડતાં હૃદયથી સહકાર આપવાની છે, યશની કે મોટા થાવાની અપેક્ષા છોડી સમાઈ જવાની-ડૂબી જવાની છે. આ આપણી ફરજ નિભાવવા અત્યંત જરૂરી છે તેમના સ્વીકારની. લીડરનો સાચો સ્વીકાર ત્યારે કહેવાય, જ્યારે તેમનાં સ્વભાવ, વર્તન, વાણી, કાર્ય કરવાની પદ્ધતિ, ક્ષમતા, આવડત, નિર્ણય વગેરે તમામ બાબતનો સ્વીકાર થાય.
આપણે કદાચ ઉંમર અને અનુભવમાં મોટા હોઈએ ને લીડરને આપણી પાસેથી કાંઈક અપેક્ષા હોય, તો આપણે ચોક્કસ મદદ કરીએ, પ્રેમ-પ્રોત્સાહન અને હૂંફ-બળ આપીએ, પ્રશ્નોનું સોલ્યુશન કરીએ, અરે જરૂર પડ્યે આપણા લેવલે ટકોર પણ કરી શકીએ; એ બધું જ યોગ્ય છે; પરંતુ એવું તો કદાપિ ન જ બનવું જોઈએ કે આપણાં વર્તન કે ઉંમરને લઈને એ મુજબ કરવા તેમને વિવશ થવું પડે, પોતાનો નિર્ણય બદલવો પડે. આપણી ખરી પરીક્ષા તો લીડરને શરતચૂક થાય કે કોઈક નિર્ણય લેવામાં ફેર પડી જાય એમાં જ છે. એ સમયે ‘હું તો પહેલેથી કહેતો જ હતો. મારું ક્યાં કોઈ માને છે ?’ આવા વિચારો આવે તો આપણે લીડર અને તેમના નિર્ણયના વિરોધી છીએ. ખરેખર તો આવા સમયે લીડરની ભૂલ કે મુશ્કેલી એ આપણી પોતાની ભૂલ-મુશ્કેલી બની જવી જોઈએ.” આટલી વાતો કરી અંતમાં શાંતિકાકાએ કહ્યું, ‘કિંચિત ! યાત્રામાં રાખવા જેવી સાવધાની અંગે પૂ.ગુરુજીએ તા.૧૧/૦૬/૨૦૨૩ના રોજ ખૂબ સુંદર વાતો કરી હતી. તે ક્લિપની લીંક યાત્રાર્થીના ગૃપમાં સંભારીને મૂકી દેજે.’ આમ કહી કાકાએ વિદાય લીધી.
વહાલા ભક્તો ! આપણા અનુભવો ખરેખર ત્યારે કામ લાગ્યા કહેવાય જ્યારે તેના દ્વારા આપણે સૌને સુખરૂપ થઈ શકીએ. દિલિપ અને વિશાલની જેમ અનુભવો જ અથડામણ સર્જે ત્યારે એ અનુભવો શું કામના ! અનુભવ બાદ તો પોતાનામાં એવી ઊંચાઈ આવવી જોઈએ કે ડહાપણ વગર બીજામાં ભળી શકાય. નાનાનો પણ સ્વીકાર કરી શકાય. જો આ વાત સમજાય તો વિરોધ કરવાનું બંધ થઈ જાય. વગર માંગી સલાહ આપવાનું બંધ થઈ જાય. સ્મરણ કરવાનું અને સૌનો સ્વીકાર કરવાનું મન થાય, અને પરિણામે સહજમાં સૌનાં રાજીપાનાં પાત્ર બની શકાય.