અનંત ગણો ફાયદો જોઈએ છે?

પ્રભુપ્રાપ્તિના ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનો મુદ્દો રાજીપો છે. શ્રીહરિ તથા તેમના વહાલા સંતો-ભક્તોનો રાજીપો એ સૌથી મોટી સંપત્તિ છે. રાજીપો જ મોક્ષમાર્ગનું સૌથી મોટું સાધન તથા સાધ્ય છે. જેને રાજીપાનું આવું રહસ્ય સમજાઈ જાય છે તેને નિર્વિઘ્નપણે નારાયણની પ્રાપ્તિ થઈ જાય છે.

રાજીપો એટલે પ્રસન્નતા, કૃપા, પ્રસાદ, અનુગ્રહ..!

રાજીપો રળવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે - અનુવૃત્તિ..! જેને રાજી કરવા હોય તેની ઈચ્છા, અપેક્ષા, મરજીમય જીવન જીવવું. તેમને જેમ સુખ થાય તેમ મન, વચન તથા કર્મે કરીને વર્તવું. તેમની મરજી મુજબ સેવા કરવી.

જો આવી રીતે શ્રીહરિ તથા તેમના વહાલા સંતો-ભક્તોને રાજી કરીએ તો તેનો કેવો મોટો લાભ થાય ? તેસ્વયં શ્રીહરિએ સ્વમુખે વચનામૃતમાં સમજાવ્યું છે કે, “ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે... અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તોપણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે. માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું.” (વચ.ગ.મ.૪૫)

શ્રીહરિ અને સંતનો રાજીપો આપણને સદેહે અક્ષરધામ અનુભવાવે છે ને તેમનો કુરાજીપો જીવતા જ નરકનો અનુભવ કરાવી દે છે.

“અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.” (વચ.ગ.પ્ર.૫૮)

જીવના મલિન સંસ્કાર ધોવાનો શ્રેષ્ઠતમ સાબુ મોટા સંતનો રાજીપો છે. રાંકમાંથી રાજા બનાવી દેવાનો દિવ્ય જાદું રાજીપો છે. ગમે તેવું ભૂંડું પ્રારબ્ધકર્મ અને ભયંકર વિઘ્નનો કાયમી વિરામ કરી આપનાર પરિબળ રાજીપો છે. આ દુનિયામાં હજુ સુધી જેની કોઈ દવા નથી એવા કામ, ક્રોધ અને લોભાદિક દોષમાત્રનો દાટ વાળી દેનાર શક્તિશાળી બોંબ રાજીપો છે.

“કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડયો રહે. પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, ‘આ બિચારો વૈરાગ્યરહિત છે, તેને કામ-ક્રોધાદિક બહુ પીડે છે; માટે એના એ સર્વે વિકાર ટળો.’ તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. અને તરત જે વિકારમાત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે.” (વચ.ગ.મ.૭)

આપણે બધા આપણા અંતરશત્રુનો અંત આણવા અનેક પ્રકારના ઉપાયો કરીએ છીએ; પણ જો રાજીપો રળીએ તો તત્કાળ તમામ દોષો ટળી જાય.

આધ્યાત્મિક માર્ગમાં ઊંચામાં ઊંચી ઉપલબ્ધિ એટલે પ્રભુની પરાભક્તિ..! આપણે પ્રભુમાં પ્રેમ કરવા ગમે તેટલું ઈચ્છતા હોઈએ, પણ તેની કોઈ સ્વીચ નથી કે તેને ઓન કરીએ એટલે તરત પ્રેમ શરૂ થઈ જાય. પરંતુ પ્રભુપ્રેમી સંતને સેવાએ કરીને રાજી કરવાથી પ્રગાઢ પ્રભુપ્રેમ અવશ્ય પ્રાપ્ત થાય છે. શ્રીહરિની સાક્ષાત્ શાશ્વતપ્રાપ્તિ પણ તેમની કૃપાથી જ થાય છે. પુરુષોત્તમને પામ્યા પછી પણ તેમની પ્રસન્નતા માટે તેમને જેમ સુખ થાય તેમ રહેવું, એ જ મુક્તનું મુખ્ય કર્તવ્ય છે. એટલે જ આધારાનંદ સ્વામીએ કહ્યું છે કે,

प्रसन्नता मानत संत फल भारी,
अक्षरधाम से अधिक विचारी।
उत्तम में उत्तम फल हे एता,
हरी की मरजी त्युं वरतना तेता।।

ह.च.सागर ११ /१५ /१५ 

આમ રાજીપો પ્રભુપ્રાપ્તિનો રાજમાર્ગ છે તથા એ જ આપણી આખરી મંજીલ છે. આવો રાજીપો રળવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય કયો ? અને કુરાજીપાથી બચવા સૌથી વધુ સાવધાની કઈ રાખવી ? એ સ્વયં શ્રીહરિએ જ શીખવ્યું છે,

“ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે.” (ગ.મ.૨૮)

સોરઠમાં આવેલ ગામ માળિયામાં મકન ભટ્ટ રહેતા. જયારે સંતો સત્સંગ વિચરણ માટે માળિયા પધારે ત્યારે ભટ્ટજી છાશ તથા અથાણું આપતા. તેમણે આ સેવા અતિ ભાવથી ઘણાં વર્ષ સુધી કરી હતી. તેથી રાજી થયેલા મહારાજે તેમને દર્શન દઈ વરદાન માગવા કહ્યું. તેણે માગ્યું કે, મને એકાદશીએ તમારા ધામમાં તેડી જાવ.’ ત્યારે તેની પત્નીએ કહ્યું, છાશ-અથાણું બનાવવાની સેવા હું કરું છું; માટે મને પણ તેડી જાવાનું કહો.’ પછી મહારાજ મકનભાઈને રથ વિમાન લઈને તેડવા પધાર્યા તેનાં ગામના સર્વે ભક્તોને પણ દર્શન થયાં.

મહારાજને અતિશય રાજી કર્યાનો બીજો ઉપાય છે - દાસપણું. એ પણ પરિસ્થિતિવશાત્ લાચારીનું નહીં, પણ સમજણપૂર્વક સ્વીકારેલું. અપરંપાર સુખ, સમૃદ્ધિ અને મોટાઈ મળવા છતાં દાસપણું રાખીએ તો તેનાથી શ્રીહરિ તથા સંતો અતિશય રાજી થાય છે.

“જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય, અને પછી... સર્વે પૃથ્વીનું રાજ્ય આવે તોપણ સંતની આગળ જેવો કંગાળ હતો ને દીન-આધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન-આધીન રહે... અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની ટેલ-ચાકરી કરતો હોય, તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવાં ઐશ્વર્ય આવે તોપણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાઈદાવો બાંધે નહીં ને બરોબરિયાપણું કરે નહીં, એવાં જેનાં લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે.” (ગ.મ.૨૫)

જો આવું સાચું દાસપણું આવ્યું હોય તો વાંક વિના અપમાન થાય તોપણ સદા સવળું જ લઈ શકાય. જો એમ સવળું લેવાય તો મહારાજ અતિ રાજી રાજી થઈ જાય છે. આવું મહારાજ કહે છે -

हरिजन कहावत जोय, अपमान करे बिन दोष हि।
सहन हि करना सोय, होत मैं  ता पर प्रसन्न महा।।

ह.च.सागर ३/५६/३८

દાદા ખાચર, મોટીબા, લાડુબા અને પર્વતભાઈ તેમણે સેવા અને દાસપણાના ગુણોથી શ્રીહરિ અને સંતોને અત્યંત રાજી કર્યા હતા. એટલે તેઓ તેમને વશ થઈને તેમની સાથે જ રહેતા હતા. આપણે પણ જો એમ જ રાજી રાજી કરીશું તો પ્રભુ આપણને પણ સાક્ષાત્ મળશે અને તેમનો મહાઆનંદ ભેટમાં આપશે. હે હરિવર ! આપ તથા આપના અતિ વહાલા પ્રગટ સંતો-ભક્તોનો રાજીપો રળવાનો ખપ મારામાં આવે એવી કૃપા કરજો. !!