
જંગલમાં એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણે તે મૃત્યુ પામી. એકલું નવજાત સિંહનું બચ્ચું ત્યાં પડ્યું હતું. ઘેટાંઓને લઈને પસાર થતા એક ભરવાડે આ જોયું. તાજા જન્મેલા બચ્ચા પ્રત્યેના દયાભાવથી તેણે બચ્ચાને પોતાની સાથે લીધું.
ભરવાડના વાડામાં ઘેટાંઓની સાથે આ બચ્ચું ઉછરવા લાગ્યું. સમય જતા તે શારીરિક રીતે સિંહ બની ગયું, પરંતુ સ્વભાવ અને વિચારની દૃષ્ટિએ એ ઘેટું જ રહ્યું. કારણ કે, એનો ઉછેર ઘેટાંઓની વચ્ચે થયો હતો.
એકવાર કોઈ એક સિંહ ભરવાડના વાડા પાસે આવી ગયો. સિંહને જોઈને ઘેટાંઓ ગભરાઈને આમતેમ ભાગવાં લાગ્યાં. તેની સાથે પેલું સિંહનું મોટું થઈ ગયેલું બચ્ચું પણ ભાગ્યું. સિંહને આશ્ચર્ય થયું કે, ‘મને જોઈને ઘેટાંઓ ભાગે એ તો સમજી શકાય, પણ આ સિંહ કેમ ભાગે છે ? એણે પેલા ભાગતા સિંહને પકડ્યો. તે એકદમ ગભરાઈ ગયો. ઝાડા-પેશાબ પણ છૂટી ગયા. સિંહે આ ભાગી રહેલા સિંહને પૂછ્યું, “તું મારાથી કેમ ગભરાય છે ?”
પેલો ઘેટા છાપ સિંહ કહે, “અરે ! તમે સિંહ છો અને હું તો ઘેટું છું, તો ડર તો લાગે જ ને !”
સિંહ તેને પકડીને નદી કાંઠે લઈ ગયો. નદીનાં પાણીમાં બંનેનું પ્રતિબિંબ બતાવીને કહ્યું, “જો આપણે બંને દેખાવે સરખા જ છીએ કે નહીં ? હું સિંહ છું તો તું પણ સિંહ જ છે. તું મારી જેમ ત્રાડ પાડ. તારાથી પણ એમ થશે.” પેલા સિંહને થોડો આત્મવિશ્વાસ આવ્યો અને એણે ગર્જના કરી. વર્ષોથી તેનામાં રહેલું ઘેટાપણું મૃત્યુ પામ્યું અને સિંહત્વ જીવિત થયું.
વહાલા ભક્તો ! આપણને પણ આવું જ થયું છે. કોઈ પણ શરીરમાં હોઈએ; આપણે તો આત્મા છીએ, શરીર નથી. અનાદિકાળથી વળગેલા કારણશરીરને કારણે આપણે આપણા મૂળસ્વરૂપને ભૂલીને ‘હું બુદ્ધિ’થી દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે. કમનસીબે આપણે દેહાત્મબુદ્ધિવાળા ઘેટા જેવા લોકોના ટોળામાં ભળીને આપણને સામાન્ય સમજી રહ્યા છીએ. શાસ્ત્રના કે સંતોના શબ્દોથી ખ્યાલ આવે કે આપણે કોણ છીએ ! પરંતુ આપણા મૂળસ્વરૂપને જોવા-જાણવાનો આપણે પ્રયત્ન જ નથી કરતા.
શ્રીજીમહારાજે પ્રથમના ૨૦મા વચનામૃતમાં કહ્યું છે કે, “દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃધ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે.”
અને વળી એમ પણ કહ્યું છે કે, “જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતદૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશના મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ-સનકાદિક જેવો સુખિયો થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે.”
વહાલા ભક્તો ! આપણે આપણું અજ્ઞાન ઓળખી, આળસ-પ્રમાદ છોડી આત્મામાં રહેલા પ્રભુમાં આપણું ચિત્ત જોડીએ અને સુખિયા થઈએ.