स्वधर्मे निधनं श्रेय:

स्वधर्मे निधनं श्रेय:

ભગવાનના ભક્તને ભગવાનની આજ્ઞા એ કલ્યાણનો હેતુ છે, પરંતુ જેને પોતાનું શ્રેય ઇચ્છવું તેને પોતાના ધર્મ પ્રમાણે જ આજ્ઞા પાળવી જોઈએ. ભગવાને આપણને જે આજ્ઞા કરી હોય તે પાળીએ તો એ સ્વધર્મ છે, બીજાને કરેલી આજ્ઞા પાળીએ તો એ પરધર્મ છે. પ્રભુની આજ્ઞા-મરજી પ્રમાણે તેમણે કહ્યું હોય તેમ જ કરીએ, તેટલું જ કરીએ તો એ આપણો કર્મયોગ આપણા માટે ભક્તિ બની જાય છે, ને આવા નિષ્કામ કર્મયોગનું ફળ પ્રભુની પ્રસન્નતા છે. અને પ્રભુની પ્રસન્નતા એ જ તેમને પામવાનો એકમાત્ર ઉપાય છે.

પ્રભુએ તો જુદા જુદા આશ્રમ અને વર્ણને ધ્યાનમાં રાખીને ઘણી આજ્ઞાઓ કરી છે. તેમાંની જે આજ્ઞા આપણા આશ્રમ કે વર્ણમાં ન આવતી હોય તેનેે મહારાજની મરજી જાણીને કે અન્ય કોઈ પણ સારાં બહાનાં હેઠળ પાળવા લાગીએ તોપણ એ પરધર્મ છે. પ્રભુએ બીજાને માટે કરેલી આજ્ઞા કદાચ સારી હોય, આપણને સુખદાયી લાગતી હોય, તોપણ તેમાં આપણું કલ્યાણ જોખમાય છે.

ગીતામાં અર્જુનજી ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, “આવા ક્ષણિક રાજ્યના સુખ માટે હું મારા ગુરુજનો, સંબંધીઓ કે ભાઈઓને મારીને રાજ્ય વૈભવના સુખો ભોગવું એ તો મારા માટે અતિ નિંદનીય છે. માટે મારે આ લડાઈ નથી લડવી. હું ભિક્ષા માંગીને મારો નિર્વાહ કરીશ.” એક દૃષ્ટિએ જોઈએ તો અર્જુનની આ વાત વ્યાવહારિક, શાંતિપૂર્ણ અને સુખ દેનારી  લાગે છે, પરંતુ શ્રીકૃષ્ણ પ્રભુ તેને સ્વીકારતા નથી. કારણકે, ભીક્ષા માંગીને જીવવું તે અર્જુન જેવા ક્ષત્રિયનો સ્વધર્મ નથી અને તેનો એવો સ્વભાવ પણ નથી. માટે પ્રભુ અર્જુનજીની એ માન્યતાને પરધર્મ ગણાવી પોતાના ધર્મમાં રહી યુદ્ધ કરવાનો જ ઉપદેશ આપે છે. કેમ જે સ્વધર્મમાં રહીને મૃત્યું થાય તો પણ તે કલ્યાણ કારી છે. અને પરધર્મમાં ભય રહેલો છે.

श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् ।।
              स्वधर्मे   निधनं   श्रेय:  परधर्मो  भयावह: ।।३/३५।। 

વહાલા ભક્તો ! સ્વધર્મમાં પણ એક બાબત આવશ્યક છે. કેટલીક વાર કીર્તિ કે માન-સન્માનની ભૂખ અથવા તો સત્કર્મ કરવાનો ભાવ આપણને કોઈક એવા રસ્તે ચડાવી દે છે કે, આજીવન આપણે એ સારી પ્રવૃત્તિમાં જ ફસાયેલા રહીએ. એ સત્કર્મને જ આપણે મુખ્ય ધ્યેય માનીને આપણા જીવનનો બધો કિંમતી સમય વેડફી નાખીએ. પરિણામે અંતે પ્રભુપ્રાપ્તિ ન જ થાય અને જન્મ મરણ ચાલું રહે છેવટે પસ્તાવાનું થાય.

ગાંધીજીએ તેમની આત્મકથામાં છેલ્લે લખ્યું છે કે, “મેં આ બધું ઈશ્વરપ્રાપ્તિ માટે કર્યું પણ મને ખેદ છે કે મને ઈશ્વરની અનુભૂતિ થઈ નથી.” ગાંધીજીએ પોતાના જીવન દરમ્યાન જે કાંઈ કર્યું તે માનવસમાજના ભલા માટે આદર્શ પૂરો પાડે છે, પણ તેમનું મુખ્ય જીવન લક્ષ્ય નિષ્ફળ ગયું અને તેમને પોતાને પોતાના કર્મથી સંતોષ ન થયો. કારણ કે, પ્રભુપ્રાપ્તિ ઇચ્છનાર મુમુક્ષુ માટે જનસેવા કે દેશસેવા સ્વધર્મ નથી. આ બાબતનો જે મુમુક્ષુને સ્પષ્ટ ખ્યાલ ન હોય તેનું પોતાનું જીવન ઘણીવાર માત્ર સત્કર્મમાં જ વ્યતીત થઈ જતું હોય છે. પોતાના આત્માનું કલ્યાણ કરવાનો સમય એમાં જ ખર્ચાઈ જાય છે, માટે જો મુક્તિ મેળવવી હોય તો સત્કર્મ કે પરધર્મમાં નહિ સ્વધર્મમાં રહેવું જરૂરી છે.

જનસેવા-સમાજસેવા કરવી, દાન પુણ્ય કરવું એ બધી સારી વાત છે. તેનાથી જીવને પુણ્ય મળે, પછી આ લોકના સુખ કે કીર્તિ મળે અને મર્યા પછી સ્વર્ગ પ્રાપ્ત થાય પરંતુ તેનાથી મોક્ષ કે પ્રભુપ્રાપ્તિ ન જ થાય. માટે મુમુક્ષુ આત્માઓએ વિવેક કેળવવો જરૂરી છે કે, સેવા કરવી તો કોની કરવી ? કેટલી કરવી ? ક્યાં સુધી કરવી ? કેવા હેતુથી કરવી ? વગેરે... કેટલીક વાર પ્રભુની આજ્ઞા છે કે નહિ એનો તપાસ કર્યા વગર જ આપણી ઇચ્છાથી આપણે જે તે કાર્યને સારું માનીને કરવા લાગી પડીએ છીએ. પરિણામે અગત્યનું કરવાનું કામ રહી જાય છે. માટે આપણી ઇચ્છા કે સમાજની માંગ અને જરૂરિયાત કરતા પણ વધું ભગવાનની આજ્ઞા અને આપણા સ્વધર્મને ધ્યાનમાં રાખવો અતિ જરૂરી છે.

જો ભગવાનની આજ્ઞા મુજબ સ્વધર્મનું પાલન કરીએ તો દાદાખાચર, પર્વતભાઈ અને નંદ સંતોની જેમ પુરુષોત્ત્મની પરમ પ્રસન્નતા અને પરમ પ્રાપ્તિ બંને મળી જાય. હે પ્રભુ! મારી ઇચ્છા અને રાગથી ઉપર ઉઠી હું આપની આજ્ઞા મુજબ આપને પ્રસન્ન કરવા માટે આજીવન મારા સ્વધર્મને ઓળખી શકું અને એનું યથાર્થ પાલન કરી શકું એવી મારા ઉપર કૃપા કરજો…