
દક્ષિણ ઈટલી દેશમાં લોંબડી વિસ્તારમાં એક ચર્ચની ઉપરની ગેલેરીમાં એક શિલ્પી રહેતો હતો. તે દેવો અને સંતોની મૂર્તિઓ બનાવવાનું કામ કરતો હતો. એક વખત તે એક મૂર્તિ બનાવવામાં મશગૂલ હતો. તે વખતે તેનો કોઈ મિત્ર તેને મળવા આવ્યો.
વાત વાતમાં મિત્રએ તેના દિલની વાત રજૂ કરતાં કહ્યું, “મને એ સમજાતું નથી કે તું તારી આવી કળા અહીં શા માટે વેડફે છે ? અહીં ઉપલા માળે કોઈ તારી મૂર્તિ જોવા આવવાનું નથી, ને કોઈ તારી કળાની કદર પણ કરવાનું નથી.”
પથ્થર ઉપર ટાંકણું ચલાવતાં ચલાવતાં જ શિલ્પીએ કહ્યું, “તું મારી કારીગરીને જુએ છે ને તેની કદર કરે છે, એ મારા માટે બસ છે.”
“અને હું આટલાં પગથિયાં ચડીને અહીં ન આવ્યો હોત તો ?” મિત્રએ દલીલ કરી.
ત્યારે ટાંકણાને એક બાજુ મૂકતાં ને મિત્રની સામું મુખ ફેરવતાં તેણે સ્મિત કરતાં કહ્યું, “ચોક્કસ ભગવાન કે તેમના કોઈ પ્રિય સંતે આ મૂર્તિઓને જોઈ હશે, ને એટલું મારા માટે બસ છે.”
વહાલા ભક્તો ! આમ આપણી દરેક ક્રિયા જો ભગવાન કે તેમના મુક્ત સમા કોઈ મોટા સંત-ભક્તને રાજી કરવા થાય તો તેનું ફળ કેવું અલૌકિક અને મહાન મળે છે, તે સમજાવવા ગ.મ.ના ૧૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજ પ્રસિદ્ધ પુરાણ શ્રીમદ્ભાગવતનું પ્રમાણ આપતાં કહે છે કે, “જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે, તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે.” ત્યાં શ્લોક છે જે -
आमयो येन भूतानां जायते यश्च सुव्रत!
तदेव ह्यामयं द्रव्यं न पुनाति चिकित्सितम् ।।
एवं नृणां क्रियायोगा: सर्वे संसृतिहेतव: ।
त एवात्मविनाशाय कल्पन्ते कल्पिता: परे ।।
- ભાગવત : ૧/૫/૩૩-૩૪
જેમ ઘી વગેરે પદાર્થો માણસોને રોગ કરનારાં છે, પરંતુ તે જ પદાર્થોને જો કાંઈક આૈષધિ ભેળવીને દવાના રૂપમાં લેવામાં આવે તો તે રોગ મટાડે છે. તેમ જ ક્રિયાયોગ એટલે કે કર્મ તો કેવળ જન્મ-મરણના હેતુ છે, પણ તે કર્મ જો પરબ્રહ્મની પ્રસન્નતા માટે જ કરવામાં આવે તો તે જ કર્મ મોક્ષ દેનારાં થાય છે.
જ્યાં સુધી આપણે મુક્ત નહિ થઈએ, ત્યાં સુધી સત્સંગ અને સંસાર-વ્યવહાર સંબંધી કાંઈ ને કાંઈ કર્મ તો કરવું જ પડશે. માટે એ તમામ કર્મ કેવી રીતે કરીએ તો તે સંસારના બંધનમાંથી છોડાવનારાં અને સદા આનંદદાયી ભગવાનને પમાડનારાં થાય તે આપણે શીખવું જ રહ્યું. તે માટે આપણા વહાલા શ્રીજીમહારાજે, સદ્.ગોપાળાનંદ સ્વામી તથા સદ્.ગુણાતીતાનંદ સ્વામી આદિ સત્સંગના થાંભલા જેવા સંતોએ અને પૂ.ગુરુજી જેવા હાલના મોટા સંતોએ ઘણી બધી ટેકનીકો શીખવાડી છે. તેનો ઉપયોગ કરવો જોઈએ.
આ લોકમાં મનુષ્ય કોઈ ને કોઈ કાર્યક્ષેત્રમાં કુશળતા કેળવે છે. પરિણામે તે ડોક્ટર, એંજિનિયર, વકીલ, સ્પોર્ટ્સમેન વગેરેમાંથી કાંઈક બને છે; સત્તા, ધન, મિલકત, મોટાઈ, પ્રશંસા વગેરે મેળવે છે; પણ એ બધું લૌકિક અને નાશવંત સુખ છે. પરંતુ એવું કર્મ કરવું ને એવી રીતે કરવું કે જેથી શાશ્વત અને દિવ્ય સુખ-શાંતિ મળે. અને તે જ ખરેખર કુશળતા-નિપુણતા છે. તે કેવી રીતે કરવું ? તે સમજાવતાં શ્રીકૃષ્ણ પરમાત્મા શ્રીમદ્ભગવદ્ગીતામાં અર્જુનજીને કહે છે,
बुद्धियुक्त्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योग: कर्मसु कौशलम् ।।
- શ્રીમદ્ભગવદ્ગીતા ૨/૫૦
હે અર્જુન ! કર્મયોગમાં ઉપયોગી આત્મા-પરમાત્માના જ્ઞાનવાળો પુરુષ જન્મ-મરણ લેવડાવનારાં અને જીવાત્માને વિશે અનાદિકાળથી વળગેલાં એવાં વિવિધ પ્રકારનાં તમામ પાપ-પુણ્યનો આ જ જન્મે ત્યાગ કરે છે. તેથી તું મેં કહેલા એ કર્મયોગને કરવા માટે તત્પર થા. તે યોગ એટલે શું ? તો, જે કર્મો જીવને બંધનમાં નાખનારાં છે, તે જ કર્મોને મારી પ્રસન્નતાને અર્થે જ કરીને મોક્ષને આપનારાં બનાવી દેવાની જે કુશળતા-ચતુરાઈ તેને જ ‘યોગ’ કહેવામાં આવે છે.
સત્સંગમાં આપણે મહારાજ અને સંતો-ભક્તોના રાજીપા માટે આપણી શક્તિ અને સૂઝબૂઝ અનુસાર નાની મોટી સેવા કરીએ છીએ. આપણને એમ લાગે છે કે, હું રાજીપા માટે કરું છું; પરંતુ ઘણી વાર રાજીપો માનનું અને નિષ્ઠા અહંકારનું આબેહૂબ મહોરું પહેરીને આવે છે; અને આપણે એને હૃદયના ઉમળકાથી વધાવી લઈએ છીએ; પરંતુ જ્યારે અપમાન-નિંદા થાય છે, ત્યારે તે રૂપાળાં મહોરાં ખરી પડે છે, વાસ્તવિકતા ઉઘાડી થાય છે. માટે આવાં સજ્જનોનાં મહોરાં પહેરીને આવતા અંત:શત્રુઓને ઓળખવા અને તેનાથી આઘા રહેવું.
કોઈપણ પ્રકારના વળતરની આશા રાખ્યા વિના કેવળ ભગવાન અને તેમના વહાલા સંતો-ભક્તોને સુખી કે રાજી કરવા કાંઈક કરવામાં આવે છે, ત્યારે જે દિલમાં અલૌકિક સુખ-શાંતિનો અનુભવ થાય છે, તે જ શ્રેષ્ઠ વળતર, ફળ અને ઈનામ છે. અને એટલે જ સદ્.આધારાનંદ સ્વામી શ્રીહરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે,
प्रसन्नता मानत संत फल भारी, अक्षरधाम से अधिक विचारी;
उत्तम में उत्तम फल है एता, हरि की मरजी त्युँ वरतना तेता।।
- ह.च.सा. ११/१५/१२
કર્મફળદાતા શ્રીહરિ આપણા હૃદયના અવાજને સાંભળે છે, નહીં કે આપણી ઉપરછલી પ્રાર્થનાને ! અરે ! ઘણી વાર તો આપણા હૃદયમાં ઊંડે ઊંડે શું ઝંખીએ છીએ તે આપણે ખુદ નથી જાણતા હોતા, પણ શ્રીહરિ સ્પષ્ટ જુએ છે, અને તે પ્રમાણે કર્મફળ આપે છે. માટે હૃદયને સતત બારીકાઈથી જોતા રહેવું. આવું નિજદર્શન કરવા માટેના જ્ઞાનચક્ષુ આ સત્સંગમાં ભગવદીય સંતો-ભક્તો પાસેથી મળે છે, માટે તેમના સેવા-સમાગમાદિ કરતા રહેવું.