
સંચાલકોની મીટીંગમાં સેવાની ફાળવણી બાબતે મુકેશ અંકલે એક પછી એક જાહેરાત કરવા માંડી. કેતન હવેથી સાઉન્ડની સેવા સંભાળશે. દીપક સ્ટેજ અને બેઠક વ્યવસ્થા સંભાળશે. ચેતન ખરીદી તથા સાહિત્ય સ્ટોલમાં સેવા કરશે. ગૌરવે આજથી બાળસભા, કિશોરસભા ઉપરાંત પોષકલીડર તરીકેની સેવા પણ સંભાળવાની છે. આ સાંભળી ગૌરવ ચમક્યો,
ગૌરવ: પણ અંકલ...
અંકલે તેને વચ્ચેથી જ બોલતો અટકાવી સેવા અંગેની આગળની જાહેરાત પૂરી કરી. ત્યારબાદ કહ્યું,
મુકેશ અંકલ: બોલ ગૌરવ તું શું કહેતો હતો ?
ગૌરવ: અંકલ, મને જવાબદારીના બોઝ બાબતે તો કાંઈ પ્રશ્ન નથી પણ અંતરમાં થોડો ડર લાગે છે.
મુકેશ અંકલ: શેનો ડર ?
ગૌરવ: અંકલ ! આ બધી માન મોટાઈનો.
ગૌરવનું સોલ્યુશન આપતા પહેલા સેવા બાબતના અન્ય યુવકોના પ્રશ્નો પણ શાંતિથી સાંભળ્યા. મોટે ભાગે તે બધાને પણ આવો જ કંઈક માન આવી જવાનો ડર હતો. દરેક યુવકોને સાંભળી હવે અંકલે બોલવાનું શરું કર્યું.
મુકેશ અંકલ: વહાલા યુવાનો ! આવી સેવામાં મુમુક્ષુ તરીકે આપણે થોડો ડર રાખવો ઘટે પરંતુ યાદ રાખો, તમારામાંથી કોઈએ આ સેવા સામે ચાલીને મોટા થવા કે ઉપસવા માંગી નથી. આ સેવાની નિયુક્તિ તો ઉપરથી સંતો દ્વારા કરવામાં આવી છે. માટે હવે તમે આ સેવા સંતોની આજ્ઞાથી કરો છો; તમારા શોખથી નહિ. અને હા, આપણે પાત્ર છીએ કે નહિ એ આપણે નથી વિચારવાનું. એ તો જેને વિચારવાનું હતું એણે બરોબર જ વિચાર્યું છે. હવે આપણે તેમાં ભળવાનું છે, વહેવાનું છે. આપણને મળેલી સેવા જો આપણે શુધ્ધભાવથી કરતા રહીશું તો એના રાજીપાથી જ આપણા માનાદિક તમામ દોષો ટળી જશે.
આમ કહી અંકલે કેવી ભાવના અને કેવી સાવધાનીથી સેવા કરવી એ અંગે લગભગ અડધો કલાક વાતો કરી. સૌ યુવકોએ આ વાતો સાંભળીને સેવા કરવાની સહમતિ સાથે આનંદથી વિદાય લીધી. પરંતું ગૌરવના મનમાં તો વિચારોનો વંટોળ ચડ્યો હતો. તરત જ તેણે અંકલને મળવાની એપોઈમેન્ટ લીધી. ગૌરવ અંકલને મળતાની સાથે જ રડી પડયો.
ગૌરવ: અંકલ ! મારે મોટું નથી થાવું... મને કોઈકની નીચે મૂકો. મારે આ જ જન્મે ભગવાનને પામવું છે.
મુકેશ અંકલ: પણ ગૌરવ આમાં ક્યાં મોટા થવાની વાત છે ? તારે તો આજ્ઞાથી જ કહે તે સેવા જ કરવાની છેને !
આમ કહી અંકલે ગૌરવને સાંત્વના આપી રડતો છાનો રાખ્યો. સ્વસ્થ થયા બાદ ગૌરવે વાત શરું કરી...
ગૌરવ: અંકલ ! ગુરુજી કથામાં કેવી ધમધમાવીને વાતો કરે છે !...જેને જરી જેટલીય માન મોટાઈ ગમે છે તેને ભગવાન નહિ મળે.’ અને મને તો કોઈ માન આપે, વખાણે તે ગમે છે તો મારું શું થશે ?
અંકલે ગૌરવને સમજાવવા માંડયો,
મુકેશ અંકલ: બેટા ગૌરવ ! આતો બધી વાતો મોટાની છે આપણે તો હજુ નાના છીએ. આપણી ઉપર પૂ.ગુરુજી, સંતો, પોષકલીડરો, સાક્ષીઓ, વડીલ ભક્તો વગેરે ઘણા બધા છે. માટે આપણે આટલું બધું ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી; માત્ર તેમણે આપેલી સાવધાની રાખી નિખાલસ રિપોર્ટ આપવાની જ જરૂર છે. કેમ જે આપણે તો સંતો-ભક્નેતો સોંપાયેલા દાસ છીએ; સ્વતંત્ર નથી. ભલે કદાચ આપણાથી નાના પાસે આપણે ગમે તેવા મોટા હોઈએ પરંતું યાદ રહે... આપણા મોટેરા પાસે તો આપણે કાયમ નાના બાળક જ છીએ. અને હા ગૌરવ આજ દિવસ સુધી કોઈકે તો તને મોટા બનીને પોષણ આપ્યું જ છે ને ! બસ એ ઋણ ચૂકવવાના ભાવથી દેવાદાર બનીને તારે આ સેવા કરવાની છે.
ગૌરવ: અંકલ ! મને માન ગમે છે તો હું એનાથી બચવા લીડરપણું છોડી કોઈકની નીચે રહીને સેવા કરું તો શું મને રાજીપો ન મળે? અંકલે તેનો પ્રત્યુત્તર વાળતા કહ્યું,
મુકેશ અંકલ: ગૌરવ, માનથી બચવા બાબતે આજ સુધીમાં તું મને અનેકવાર મળ્યો છે. વળી, સંતોને પણ તું નિખાલસ રિપોર્ટ આપી પ્રાર્થના કરતો રહે છે. તારી બધી વાત સંતો જાણે છે છતાં તને આ સેવામાં મૂક્યો છે, તે તને માની બનાવી દેવા નહિ; વધુ રાજીપો અપાવવા મૂક્યો છે. વળી, આવી સેવામાં તારું બગડે નહિ એવું તારું ધ્યાન પણ સંતો રાખવાના જ છે. માટે પોતાની ચિંતા છોડી દઈને રાજીપો રળવા માંડ.
અને હા, સાંભળ ગૌરવ, જીવમાં માન તો જન્મોજન્મનું પડયું જ છે તે ક્યાં નહિ આવે ? વાસણ ઉટકવાની સેવા કરીશ તો ત્યાં પણ આવી શકે છે. માટે તારી સાવધાની અને અંતરજાગૃતિ બદલ તને ધન્યવાદ પરંતુ આપણો ધર્મ તો પોતાની ચિંતા છોડી મહારાજ અને મોટાની વસ્તુ બનીને રહેવાનો છે. તેઓ આપણો જેમ ઉપયોગ કરવો હોય તેમ કરે, માથાના મુગટ તરીકે રાખે કે પછી પગના જોડા તરીકે ઉપયોગમાં લે. આપણે તો સંતોની આજ્ઞા સામું જોઈ સાવધાની સાથે આનંદથી સેવા કર્યે જવાની. અને હા, એક વાત યાદ રાખજે, જે સેવામાં રિસ્ક વધુ હોય એમાં રાજીપો પણ એટલો જ વધુ મળે છે, માટે હિંમતથી આગળ વધ.
ગૌરવ: અંકલ ! અહં ન આવે એ માટેની વાતો મને હજુ થોડી વિગતથી સમજાવશો ?
ગૌરવની મુમુક્ષુતા જોઈ અંકલ તેને ખૂબ પ્રેમથી વાતો કરવા લાગ્યા,
મુકેશ અંકલ: ગૌરવ !
આપણે આ સત્સંગમાં નહોતા ત્યારે આપણામાં કાંઈ નહોતું. અને હાલ પણ જે કાંઈ છે તે મહારાજ અને સંતો- ભક્તોનું જ આપેલું છે. માટે આપણામાં રહેલ ગુણો પોતાના ન માનતા એ તો માગ્યાં ઘરેણાં છે એમ જ સમજવું. વળી, તમામ સેવા જો આપણે સુખરૂપ થવાની અને ઉપયોગમાં આવવાની ભાવનાથી દાસપણે કરીશું તો કદી એનું માન-અહં પણ નહિ જ આવે.
અને ખરેખર આ સેવામાં આપણે ક્યાં એવી મોટી ધાડ પાડી દઈએ છીએ કે એનું અહં ધારીએ ? આપણે તો ફક્ત સેવાના ભાવ સાથે ઉપરથી લઈને નીચે દેવાનું છે; એક વચ્ચેના માધ્યમ બનીને કેવળ રાજીપો રળવાનો છે. આમાં આપણા ઘરનું કાંઈ નથી; મુસાભાઈના વા પાણી છે. સત્સંગના મજૂર બનીને શ્રીહરિચરિત્રામૃતસાગર લખનાર સદ્.આધારાનંદ સ્વામીની સેવા કેવી મોટી કહેવાય ? એની આગળ આપણી સેવા તો શું ગણાય ? માટે આપણને જે સેવા મળે તે દરેક સેવા દાસભાવે બહુમોટાં ભાગ્ય માનીને અહોભાવથી કરવી.
સાંભળ ગૌરવ ! આપણે સેવા કરીએ એમાં કોઈના ઉપર કાંઈ ઉપકાર નથી કરતા; આપણું જન્મ-મરણરૂપી દર્દ ટાળવાની દવા કરીએ છીએ. દર્દીને દવા લેવામાં ભલા શેનું અહં આવે ? કેમ જે એ તો તેની સારવાર છે. વળી, આપણે એ પણ સમજવું જોઈએ કે જેતે સેવાના પાત્ર એક આપણે જ છીએ એવું કાંઈ નથી; મહારાજને કાર્ય કરાવવું હોય તો એ તો ગમે તેની પાસે કરાવી શકે છે. પરંતુ તેના નિમિત્ત આપણને બનાવી મહારાજ રાજીપો રળવાની તક આપતા હોય તો એ તકને વધાવી લેવી જોઈએ. અને પૂ.ગુરુજીની આ ચોપાઈના ભાવ સાથે આનંદથી એ સેવા કરવી જોઈએ.
निमित्तमात्र ही हम रहाई; कर्ता कारयिता आप सदाई ।
आपने अपनी सेवा कराई, धन्य भाग्य हम मानत ताई ।।
અંતમાં અંકલે ગૌરવને કહ્યું કે, “બેટા ગૌરવ ! આ જે છે એવા જ સાવધાનીના વિચારો જો તું કાયમ રાખીશ, સદાય મોટાઈથી ડરતો રહીશ, કાર્યને છોડી ન દેતા ભગવાનને કર્તા માનીને ખૂબ ભાવથી સેવા કરતો રહીશ તો તું રાજીપાની અઢળક કમાણી કરી શકીશ.” અંકલની આવી પ્રેમભરી વાતોથી ગૌરવના મનની મૂંઝવણ ટળી ગઈ અને તે ઉત્સાહભેર સેવા કરવા લાગ્યો.
વહાલા ભક્તો ! આપણે પણ પ્રસ્તુત પ્રસંગમાંથી સેવા બાબતે ભાવનાની શુદ્ધિ, સાવધાની અને ગૌરવ જેવી મુમુક્ષુતા શીખીએ. વળી, જે તે સેવામાં ઉત્સાહ અને ભાવના જાળવવાનું તેમજ સાવધાની રાખવાનું બેલેન્સ શીખીએ; આપણા મનમાં આવતા વિચારો મોટાને કહી આપણી માન્યતામાંથી બહાર આવીએ; અને ખરા અર્થમાં સેવક બની મહારાજ અને મોટાના ગમતામાં ભળીને સેવા કરીએ...