
મન એ ભગવાને આપણને આપેલી અદ્ભુત શક્તિ છે. જો તેનો કંટ્રોલ કરી તેને સારા માર્ગે વાપરવામાં આવે તો તે આપણો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. અને જો આપણે તેના કંટ્રોલમાં આવી જઈએ તો આપણો સૌથી ખરાબ દુશ્મન બની શકે છે.
આપણને સૌને અનુભવ છે કે જ્યારે આપણે દૃઢ મનોબળ સાથે કાંઈક નક્કી કરીએ છીએ, તે ગમે તેવું અઘરૂં કામ હોય તોપણ સરળતાથી પાર પડે છે. અને જો આપણી ઈચ્છા ન હોય તો સરળ કામ પણ આપણાથી થઈ શકતું નથી.
એક વેસ્ટર્ન ફિલોસોફર જોન મિલ્ટન એવું કહેતા કે “તમારા મનની તાકાતથી પોતાને ઊંચકી લો, પરંતુ કોઈ દિવસ હલકા ના બનાવો. મન, પોતાને સ્વર્ગમાંથી નર્ક અને નર્કમાંથી સ્વર્ગ બનાવી શકે છે.” આપણે ધન, સત્તા અને સામર્થી તો ગમે તેટલી મેળવી શકીએ છીએ, પરંતુ જીવનમાં સુખ અને સંપૂર્ણતાનો અનુભવ તો જો આપણે આપણા મનને કંટ્રોલ કરવાનું શીખીશું તો જ થશે. સત્તા, સંપત્તિ કે સગવડતામાં સુખ ક્યારેય છે જ નહીં. સુખ તો માત્ર સાચી સમજણમાં રહેલું છે. એટલે જ શ્રીહરિચરિત્રામૃતસાગરમાં સદ્.શ્રી આધારાનંદ સ્વામી કહે છે,
समज में रहे सख, बिन समज में हे दु:ख महा
अंतर रहे सदा लुख, अलोकिक समज ही विन
શ્રીહરિચરિત્રામૃતસાગર ७/३५/०४
મનની તાકાત સમજવા માટે ચાલો, એક ખૂબ જ ધનવાન બની ચૂકેલા માણસની વાત જાણીએ. તે વ્યક્તિનું નામ હતું હાવર્ડ હ્યુગ્સ. તેઓ ખૂબ જ ધન કમાઈ શકે એવા બિઝનેસમેન હતા. તેઓ હોલિવૂડના ફિલ્મ પ્રોડયુસર બન્યા હતા. સમય જતા ‘પ્લેબોય’ તરીકે તેમને ઘણી બધી નામના મળેલી અને દુનિયાની ખૂબ જ કીર્તિ પામેલી હિરોઈનો સાથે પણ હરતો ફરતો. પરંતુ ચાલીસ વર્ષની ઉંમરે તેના મનમાં કીટાણુંનો ફોબિયા (એક પ્રકારનો ડર) લાગવા માંડયો. આ ફોબિયાને કારણે તેને સતત એવો ભય લાગવા માંડયો કે તેના પર કીટાણુંઓ (બેક્ટેરિયા) સતત હુમલો કરી રહ્યા છે.
તેથી તેણે પોતાના નોકરો પાસે વારંવાર હાથ ધોવા વગેરે ચરી પળાવવાનું શરૂ કર્યું. હાથ ધોયા પછી પણ જ્યારે તેઓ હાવર્ડને જમવાનું આપવા જાય ત્યારે ટીસ્યુ પેપરથી હાથને કવર કરી જમાડતા. એટલું જ નહિ, એ પોતે પણ એના હાથમાંથી જ્યાં સુધી લોહી નીકળી જાય ત્યાં સુધી હાથ ને ધોયા કરતો અને પોતાના પગને પણ ટીસ્યુ બેગમાં કવર કરી રાખતો. જો એને એવી ખબર પડે કે પોતાના નોકરોમાંથી કોઈ એક બિમાર પડયો છે તો એ બેક્ટેરિયાના ભયથી અતિ ભયભીત થઈને પોતાના કબાટમાં રહેલાં બધાં જ કપડાં અને વસ્તુઓ પણ સળગાવી દેતો. આમ ભયમાં ને ભયમાં તે દિવસે ને દિવસે ખૂબ એકલો બનતો ગયો.
બહારથી ખૂબ સુખ સગવડતાથી સંપન્ન જણાતો આ વ્યક્તિ ૭૦ વર્ષની વયે મૃત્યુ પામ્યો. તેણે પોતાની જાતને શારીરિક અને માનસિક રીતે દુનિયાથી સાવ અલગ જેલમાં પૂરી રાખી હોય તેમ દુ:ખી થઈને મરી ગયો. તેનું કારણ મનમાં પેસી ગયેલો ખોટો ભય. આવા તો ઘણા માણસો છે કે જેમની પાસે અઢળક સંપત્તિ, સત્તા અને કીર્તિ હોવા છતાં પણ અત્યંત દુઃખી છે. કારણ કે તેમને પોતાના મનનો કંટ્રોલ કરતા આવડતું નથી.
બીજી બાજુ એક એવું ઉદાહરણ જોઈએ કે જેની પાસે સત્તા-સંપત્તિ વગેરે કંઈ જ નથી; છતાં પણ ખૂબ સુખી અને સમૃધ્ધ જીવન જીવે છે. કારણ કે તેઓ પોતાના મનનો કંટ્રોલ કરી શકે છે. મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના એક નાના એવા ગામમાં ખૂબ ગરીબ પરિવારમાં જન્મેલ સિંધુતાઈ સપકાલની વાત કરીએ. જ્યારે સિંધુ છ વર્ષની હતી ત્યારથી મજ તેના ઘરમાં રહેલી ગાયો-ભેંસોને ચરવા માટે લઈ જતી. સિંધુ જ્યારે ૧૦ વર્ષની થઈ ત્યારે એમના માતા-પિતાએ ૨૧ વર્ષના યુવાન સાથે લગ્ન કરી દીધું. સમય જતા સિંધુને ત્રણ બાળકોના જન્મ થયા અને જ્યારે એને ચોથું બાળક આવવાના સંકેત જણાયા તે વખતે સિંધુ એક સામાજિક કાર્યો કરતી સંસ્થામાં જોડાણી.
સિંધુ જે ગામમાં રહેતી તે ગામના અમુક ગુંડા માણસો સ્ત્રીઓ પાસે ગાયો-ભેંસોના છાણ ઉપડાવતા અને છાણ એકત્રિત કરાવીને વેપાર કરતા. સિંધુને પણ આવી ગુંડાગર્દીનો ભોગ બનવું પડતું. પણ આખરે આવા લોકોના ત્રાસથી કંટાળીને તેણે આ બધી ગુંડાગર્દીને ત્યાંના કલેક્ટર સુધી પહોંચાડી અને જ્યારે કલેક્ટરે આવા લોકો વિરુદ્ધ પગલાં લીધાં ત્યારે બધા ગુંડા માણસો ખૂબ જ રોષે ભરાયા. તેથી આ માણસોએ સિંધુના પતિને કાનભંભેરણી કરી અને એવું કહ્યું કે સિંધુને કલેક્ટર ઓફિસમાં કોઈ માણસ સાથે ચક્કર ચાલે છે. આ સાંભળીને સિંધુનો પતિ ખૂબ ગુસ્સે ભરાયો અને સિંધુને ખૂબ માર માર્યો અને છેવટે સિંધુને ગાય-ભેંસને બાંધવાની જગ્યામાં નાંખી દીધી. ત્યાં બાંધેલી ગાયોએ સિંધુની રક્ષા કરી અને ત્યાં જ સિંધુએ ચોથા બાળકને જન્મ આપ્યો.
એ વખતે તેણે બાળકની ગર્ભનાળ પથ્થર વડે કાપી. પછી પોતાના બાળકને પોતાના પિતાના ઘેર લઈ ગઈ. પણ એના પિતાએ પણ તે બાળકને લેવાની ના પાડી. તે પાછી પોતાને સાસરે તો આવી શકે તેમ ન હતી. છેવટે તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. પોતે રેલ્વેના પાટા ઉપર જઈને કપાઈ જવાની તૈયારી કરતી હતી, એવામાં તેણે એક વૃદ્ધ માણસનો અવાજ સાંભળ્યો અને તે ખાવાનું માંગતો હતો. સિંધુને દયા આવી અને તેણે વૃદ્ધ માણસને થોડું ખાવાનું અને પાણી આપ્યું. આમાંથી પ્રેરણા લઈ તેણે બીજાને મદદ કરવાના કાર્યને પોતાની જિંદગીનો હેતુ બનાવ્યો. આવી વિકટ પરિસ્થિતિમાં પણ તે હારી કે ભાંગી જવાને બદલે તેણે પોતાના મનને મક્કમ કરી લોકોને મદદ કરવાનું શરૂ કર્યું.
પછી દુનિયાના માણસોની છેડતીથી દૂર રહેવા માટે કબ્રસ્તાનમાં રહેતી અને ક્યાંકથી થોડું અનાજ એકત્રિત કરીને ત્યાં કબ્ર ઉપર જ રસોઈ બનાવીને ખાઈ લેતી. આવી સ્થિતિમાં બીજી વખત એમને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો, પરંતુ ફૂટપાથ પર રહેલાં નિરાધાર બાળકોને જોઈ તેણે મરવાને બદલે મદદ કરવાનો નિર્ણય કર્યો. આવાં બાળકોના ભરણ-પોષણ માટે સિંધુએ ભીખ માંગવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે તેમણે એક અનાથ આશ્રમની શરૂઆત કરી અને સિંધુ અનાથ બાળકોની માતા બની.
પોતાનાં બાળકોને ભેદભાવ ન થાય એ માટે તેણે પોતાનાં બાળકોને પણ અનાથ આશ્રમમાં મૂક્યાં. તેના અત્યંત પ્રભાવશાળી પ્રયત્નની લોકોને જાણ થવા લાગી અને પછી લોકોએ પણ તેમને મદદ કરવાનું ચાલુ કર્યું. સમય જતાં તે બધાં બાળકો મોટાં થયાં અને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પી.એચ.ડી. પણ થયા. બીજી તરફ એક વાત એવી બની કે પોતાને માર મારી કાઢી મૂકનાર અતિ ગરીબ પરિસ્થિતિમાં રહેલા તેમના પતિને પણ સિંધુએ ખૂબ જ પ્રેમથી આશરો આપ્યો. સિંધુએ ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાના મનને મક્કમ રાખ્યું તો દુ:ખમાં પણ તે સ્થિર રહી શકી અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું.
આ સિંધુતાઈ સપકાલ એક એવું ઉદાહરણ છે કે જેણે ખૂબ જ મહેનત કરી, બહારથી ખૂબ જ દુઃખો વેઠયાં, પરંતુ અંદરથી પોતાના વિચારોને ખૂબ જ ઊંચાઈ ઉપર લઈ ગઈ અને પોતે જ પોતાની જિંદગીને સુખથી ભરી દીધી.
એટલે જ કહેવાય છે કે રહેઠાણની ગુણવત્તા અને જીવનની ગુણવત્તા એ બેમાં ખૂબ મોટો તફાવત છે. રહેઠાણની ગુણવત્તા બાહ્ય સુખ-સંપત્તિથી નક્કી થાય છે, પણ આ જીવનની ગુણવત્તા તે પોતાના આંતરિક વિચારોથી નક્કી થાય છે. મન પર વિજય મેળવનાર માણસ જ મહાન બને છે.
એટલે જ આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે जीतं जगत् केन मनो हि येन। “જેણે પોતાનું મન જીત્યું તેણે જગત જીત્યું” એવા ઘણા બધા લોકો છે કે જેણે પોતાના મનને ખૂબ જ સહેલાઈથી કંટ્રોલ કર્યું છે. તેઓ હંમેશાં પોઝીટીવ વિચારો કરી પોતાના જીવનને ઊંચાઈ પર લઈ જાય છે. અને ઘણા એવા લોકો છે, જે પોતાના મનના ગુલામ છે અને એ લોકોને પોતાનાં મન અને બહારના પર્યાવરણ વચ્ચેના ફરકની જ ખબર નથી. કારણ કે તેમણે પોતાના વિચારોને કોઈ દિવસ કંટ્રોલ કરવાના પ્રયત્નો જ નથી કર્યા. અને પોતાના સુખ-દુઃખના કારણ બીજાના વર્તન, બહારની પરિસ્થિતિઓ અને આવનારી ઘટનાઓને ઠરાવે છે. તેમને કોઈ સફળતા મળતી જ નથી. માટે ચાલો આજથી મક્કમ બની આપણા મનને કંટ્રોલ કરી વહાલા મહારાજનો તથા પૂ.ગુરુજીનો રાજીપો મેળવીએ...