ઉપકાર...

ઉપકાર...

એક શેઠ હતા. તેમણે ઘરકામ માટે એક નોકર રાખેલો. નોકર ખૂબ જ વફાદારીપૂર્વક પોતાની ફરજો બજાવતો અને સાચો ઘરધણી બનીને ઘણાં વર્ષો સુધી તે આમ ને આમ કામ કરતો રહ્યો. શેઠ પણ ખૂબ જ સજ્જન અને પ્રેમાળ હતા. પોતાના આ નોકરની વફાદારી અને કર્તવ્યનિષ્ઠા શેઠના હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ હતી. શેઠને પોતાના નોકર પર ખૂબ પ્રેમ હતો. નોકર પાસે કામ કરાવે પણ સાથોસાથ નોકરનું ધ્યાન પણ રાખે. ભૂલચૂક થાય તો વઢે પણ ખરા.

નોકરની અને એના પરિવારની શારીરિક, આર્થિક, સામાજિક અને કૌટુંબિક દરેક જરૂરિયાતોને શેઠ ભૂલ્યા વિના પૂરી પાડતા. નોકર જાણે કે શેઠના ઘરનો જ એક સભ્ય હોય, તેમ શેઠ તેને સાચવતા. ઘણીવાર તો શેઠ નોકરને પોતાના હાથે જમાડે. નોકર પણ આવા માલિકને મેળવીને પોતાની જાતને ધન્ય સમજતો હતો અને આનંદથી પોતાની જિંદગી જીવતો હતો.

એકવાર સાંજના સમયે નોકર ખેતરમાંથી કામ કરીને થાક્યો-પાક્યો ઘેર આવ્યો. શેઠે પ્રેમથી એને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, “મેં તારા માટે એક મોટું તરબૂચ રાખ્યું છે. ચાલ, હું તને તેની ચીરીઓ કરીને જમાડું.” એમ કહીને શેઠે પોતાની જાતે જ તરબૂચની એક ચીરી કરીને નોકરને ખાવા માટે આપી અને પછી પૂછ્યું, “તરબૂચ કેવું લાગ્યું ?

પેલા નોકરે ખુશખુશાલ ચહેરા સાથે આનંદથી કહ્યું, “માલિક, બહુ જ મીઠું તરબૂચ છે. મારી અત્યાર સુધીની જિંદગીમાં આવું મીઠું તરબૂચ, મેં ક્યારેય ખાધું નથી. શેઠ ! તમે તો તમારા દીકરા જેવો પ્રેમ મને આપો છો.” આમ કહેતાં તેની આંખો ભીની થઈ ગઈ.

નોકરને તરબૂચ ગમ્યું એટલે શેઠ એક પછી એક ચીર કરીને નોકરને આપતા ગયા અને નોકર વખાણ કરતાં કરતાં તરબૂચની ચીરો ખાતો ગયો લગભગ પોણા ભાગનું તરબૂચ નોકર જમી ગયો અને એનું પેટ ભરાઈ ગયું. શેઠના હાથમાં થોડું તરબૂચ બચ્યું. નોકર પાસે આ તરબૂચની મીઠાશનાં બહુ વખાણ સાંભળ્યાં, એટલે શેઠને તરબૂચ ચાખવાની ઇચ્છા થઈ. શેઠે તરબૂચની ચીર પોતાના મોઢામાં મૂકી. ત્યાં તો થૂં... થૂં... કરતાં બહાર ફેંકી દીધી.

“અરે ! આ તો કોઈ પણ જાતના સ્વાદ વગરનું અને તવાય ગયેલું વિચિત્ર તરબૂચ છે. તું તો ખોટાં વખાણ કરતો કરતો પેટ ભરીને તરબૂચ ખાઈ ગયો! આવું સ્વાદ વગરનું ખરાબ તરબૂચ, તારે ગળે કેમ ઊતર્યું ?” શેઠે નોકરને કહ્યું.

નોકરે કહ્યું, “માલિક ! હું તરબૂચની ચીરના નહીં, પરંતુ આપની લાગણી અને પ્રેમનાં વખાણ કરતો હતો. તરબૂચ ભલે ને સ્વાદ વગરનું હોય, પણ તમારા હાથના પ્રેમાળ સ્પર્શથી એ મીઠું થઈ જતું હતું ! તમે મને ઘણી વાર ઘણું બધું સારું સારું ખવડાવ્યું જ છે; તો હવે હું આ તરબૂચને કેમ કરીને ખરાબ કહી શકું ? તમારી મારા અને મારા પરિવાર પરત્વેની લાગણી હું કેમ ભૂલી શકું ?

“અરે એમાં શું ! એ તો મારી ફરજ છે. એમાં મેં કાંઈ મોટો ઉપકાર નથી કરી નાખ્યો.” શેઠે વાત ટાળી નાખતાં કહ્યું.

“માલિક ! મારી પણ કાંઈ ફરજ ખરી કે નહીં ? અત્યાર સુધી તમે મને પોતાનો માની, મારી ઉપર જે ઉપકારો કર્યા છે તેનો આ તરબૂચ સાથે તોલ કરું, તો તો હું નમકહરામ જ ગણાઉં ને ! તમારો મારી ઉપરનો પ્રેમ જોતા, મારી આખી જિંદગી તમારા માટે ન્યોછાવર કરું, તોપણ ઓછી પડે શઠે !” નોકરે રડતાં રડતાં કહ્યું.

વહાલા ભક્તો ! દરેક ગૃહસ્થો માટે પણ એક પારિવારિક અને સામાજિક જિંદગી હોય છે. જેમાં ગોદમાં રાખીને ઉછેરનારી મા, દરેક પ્રકારે ધ્યાન રાખનારા પિતા વગેરે વડીલજનો, તમારા સુખને ઇચ્છતાં ભાઈ-બહેન, સુખ-દુ:ખની જીવનસાથી બનીને રોજ પ્રેમથી રસોઈ બનાવીને જમાડનારી પત્ની, સારા-મોળા દરેક પ્રસંગે સાથે ઊભા રહેતા મિત્રો કે સ્નેહીજનો; આ બધાના ઉપકારો અને પ્રેમ કાંઈ ઓછા હોતા નથી. સહુ સાથે મળીને જેમ ભગવાન રાખે તેમ જીવે અને એકબીજાનાં પ્રેમ-લાગણીને સમજે, તો જિંદગીનો સ્વાદ જ બદલાઈ જાય.

વહાલા ભક્તો ! આ દિવ્ય સત્સંગમાં આપણા વહાલા મહારાજની અપાર કરુણાને યાદ કરીએ. આપણા ગુરુના આપણી ઉપર થયેલ અગણિત કલ્યાણકારી ઉપકારોની સ્મૃતિ કરીએ. મહારાજનો અને ગુરુનો રાજીપો મેળવવામાં મદદ કરતા સંતોની લાગણીઓને સંભારીએ. નાના-મોટા અનેક સુખ-દુ:ખના પ્રસંગે ખભેખભો મેળાવીને સાથ આપનારા હરિભક્તોનું ઋણ સમજીએ તો આંખોમાંથી આંસુ બંધ જ ન થાય.

શ્રીજી સ્થાપિત આ અનુપમ સત્સંગમાં આપણે જે કાંઈ પામ્યા છીએ તે આપણા સદ્ગુરુ અનેક સંતો-ભક્તો તથા સ્નેહીઓના પ્રેમભર્યા, કલ્યાણકારી અને નિ:સ્વાર્થ કૃપાસભર પ્રયત્નોથી પામ્યા છીએ. અને હજુ પણ જે કાંઈ પામીશું તે પણ આ બધાની કૃપા થકી જ પામીશું.

જેણે અનેક વાર આપણને ખોટા માર્ગેથી બચાવ્યા છે, તેવા આપણા કોઈ હિતેચ્છુ સંતો-ભક્તો ક્યારેક આપણા હિત ખાતર, વાંકે કે વગર વાંકે વઢી-ટોકીને કાંઈક કહે, ત્યારે જો આપણે ખોટું લગાડીએ, અવગુણ લઈએ, કે દૂર થઈ જઈએ તો આટલાં વર્ષોના સત્સંગ પછી આપણે શું સમજ્યા ? અગાઉ અનેક વાર જેણે નિ:સ્વાર્થપણે આપણા ભલા માટે, આપણાં કલ્યાણ માટે જે જે કામો કર્યાં છે તેનું શું ?

બસ, વહાલા ભક્તો ! શ્રીજીમહારાજની કૃપાથી મળેલા આ અનુપમ સત્સંગમાં બધાના ઉપકારોના ભાર તળે, દાસના દાસ થઈને, આ અમૂલ્ય માનવદેહને વાપરીને જીવી જઈએ, તો અનાદિકાળનું બાકી એવું કલ્યાણનું કામ થઈ જાય તેમ છે. માટે સાવધાન ! ક્યાંક ચૂકી ન જવાય...