
સ્મરણ વર્ષ, સં. ૨૦૭૯
શ્રીહરિનું સ્મરણ કરવાના સેંકડો લાભ છે, પણ તેનો સૌથી મોટો ફાયદો છે - પ્રભુની સાક્ષાત્ પ્રાપ્તિ. આ દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ મેળવવી હોય તો તેના માટે પણ ઘણો પ્રયત્ન કરવો પડે છે. પ્રોપર પ્રયત્ન કરવાથી જ તે મળી શકે છે, પણ પ્રભુને પ્રાપ્ત કરવા તે આપણા પુરુષપ્રયત્નથી જ થઈ શકે તેવી બાબત નથી. એટલે જ પરબ્રહ્મની પ્રાપ્તિ સૌથી દુર્લભ માનવામાં આવે છે. જો પ્રભુ પોતે જ કૃપા કરી તેનો કોઈ ઉપાય બતાવે તો આપણે તેમને સુગમતાથી મેળવી શકીએ છીએ.
આપણને પ્રભુ પોતે તે ઉપાય દર્શાવે છે -
अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश:।
तस्याहं सुलभ: पार्थ ! नित्ययुक्तस्य योगिन:।।
(ભગવદ્દગીતા-૮/૧૪)
ભગવાન આપણને સામેથી સુગમતાથી મળે તેનો ઉપાય કહે છે - यो मां स्मरति नित्यश: જે ભક્ત મને નિયમિતપણે સંભારે છે - મારું દરરોજ સ્મરણ કરે છે तस्याहं सुलभ: તેને હું સહેલાઈથી મળવાની કૃપા કરું છું.
જો આવડો મોટો લાભ સ્મરણ કરવાથી મળતો હોય તો કરોડ કામ બગાડીને પણ પુરુષોત્તમને પામવાનું આ કામ સૌથી પહેલાં કરી જ લેવું જોઈએ ને ! શું આપણે બધા સ્મરણનો આવો મોટો મહિમા સમજીને સતત શ્રીહરિસ્મરણ કરીએ છીએ ? સવારે જાગીએ ત્યારથી તે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી વધુમાં વધુ ભગવાનનું નામસ્મરણ કરીએ છીએ ? કદાચ જેમાં બહુ જ ધ્યાન દેવું પડે તેવાં કામ કરવામાં શ્રીજી ઓછા સાંભરે તે તો સમજાય પણ સાવ નવરા હોવા છતાં ભગવાન ભૂલાય તે તો કેવી મોટી ભૂલ ગણાય ? માટે હવે મજબૂત મનથી આપણે પાકો ઠરાવ કરવો જોઈએ કે, જ્યારે જેટલો સમય મળે ત્યારે તેટલું વધુ ધ્યાન-ભજન-સ્મરણ ખૂબ જ કરી લેવું છે. મોબાઇલમાં કે બીજે ક્યાંય બિનજરુરી એક મિનિટ પણ બગાડવી નથી. જો આપણે આવી રીતે શ્રદ્ધા પૂર્વક દરરોજ શ્રીહરિનું ભજન-સ્મરણ ઉપાડી મૂકીએ તો મહારાજ રાજી-રાજી થઈ જાય અને સામેથી તેમને મળવાની કૃપા તેઓ જ કરવા લાગે છે.
આ વાત મહારાજે પોતે આ રીતે કરી છે -
“ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તોપણ ધ્યાન કરવું; પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં.. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.”
-વચ.ગ.પ્ર.૫
આપણે ભજન-સ્મરણનો આવો આગ્રહ કાયમ કેમ નથી રાખી શકતા ? કારણ કે, આપણને શ્રીહરિ સિવાયની બીજી ચાહના વધુ છે. બીજું કાંઈક કરવાની, જાણવા-માણવાની વાસના વધુ છે; એટલે ભગવાનને તથા ભગવાનની આજ્ઞાને ભૂલી બીજું કરવામાં મશગૂલ થઈ જઈએ છીએ. એટલે પ્રભુ પોતે પ્રભુનું સ્મરણ કરનાર ભક્ત માટે એક શરત ગીતામાં આવી બતાવે છે - अनन्यचेता: सततम् ।
મારો ભક્ત મારામાં સદા અનન્ય ચિત્તવાળો હોવો જોઈએ. જો એવી રીતે મારું સ્મરણ સતત કરે તો હું તેના માટે સલુભ થઈ જાઉં છું.
અનન્ય ચિત્તવાળો એટલે કે, જેને ભગવાન સિવાય બીજે ક્યાંય મન જાતું ન હોય એવો ભક્ત. જેને એક શ્રીહરિ સિવાય બીજું કાંઈ જ જીવનલક્ષ્ય ન હોય એવો ભક્ત. જેને એક સર્વોપરી શ્રીહરિની જ અનન્ય નિષ્ઠા હોય તેવા સંત -ભક્તને सततम् अनन्यचेता: કહેવાય. જો આપણે પણ એવા સ્વામિનારાયણ ભગવાનની અનન્ય નિષ્ઠાવાળા થઈને શ્રીહરિનું સતત સ્મરણ કરીએ તો મહારાજ તરત મળે.
એકવાર રામજી જોષી ભાયાવદરવાળા (મહાપુરુષદાસજી સ્વામી)ને તેના સાથીદારે કહ્યું, “રામજી ! આજ ગામમાં ભવાયા આવ્યા છે. સારા-સારા ખેલ કરશે-વેશ કાઢશે, માટે ચાલ આપણે જોવા જઈએ.” ત્યારે રામજી જોષીએ ચોખ્ખી ના પાડી. પછી સાથીદાર ભવાયાનો ખેલ(લાઇવ સીરીયલ) જોવા ગયો અને રામજી તો આંખો બંધ કરી એકાગ્રચિત્તે શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. થોડીવારમાં મહારાજે સાક્ષાત્ પ્રગટ થઈ દર્શન દીધાં. પ્રભુ કહે, “અમને જે સંભારે છે, તેની આગળ અમે સદાય ભેળા જ છીએ.”
વહાલા ભક્તો ! આપણે જો એક તાન રાખી ધ્યાન-ભજન-સ્મરણ ઉપાડી મૂકીએ તો પ્રભુ જ પોતે કૃપા કરી સાક્ષાત્ દર્શન આપે છે અને સદા સાથે જ રહે છે. આવી વાત સાંભળીએ અને આટલો મોટો લાભ જાણીએ ત્યારે આપણને પણ થોડું શૂરાતન ચડે છે પણ તે કાયમ ટકતું નથી; એટલે સિદ્ધિ થાતી નથી.
આ પ્રોબ્લેમને સોલ્વ કરવા પ્રભુ ગીતામાં વળી એક શરત જણાવે છે - नित्ययुक्तस्य योगिन: સદા મારામાં-પ્રભુમાં જ પ્રીતિ-આસક્તિ રાખી મારી સાથે વૃત્તિથી જોડાઈ રહેનાર મારા સંત -ભક્તને હું અતિ સુલભ થઈ જાઉં છું.
મહારાજ કહે છે, જો કોઈ મારામાં જ આસક્ત રહીને મારું નામ સ્મરણ કે ધ્યાન-ભજન કર્યા કરે, મારી સાથે અખંડ જોડાયેલો રહે તો પછી હું જ મારી કાયમી પ્રાપ્તિ માટે જે જે જરૂરી છે તે બધું તેને કરી આપું છું. આનો અર્થ એ કે, એક વાર આપણે ‘સર્વ ટળો પણ પ્રભુ મળો’ આવો પાકો ઠરાવ કરવાની જરૂર છે. પછી એક પ્રભુની જ આશા રાખી, એકાગ્રવૃત્તિથી સતત શ્રીહરિનું સ્મરણ-ધ્યાન-ભજન ઉપાડી મૂકવાની જરૂર છે. જો આપણે બીજી બધી ઇચ્છાઓને આઘી-પાછી કરી ભજન કરવા મંડી જ પડીએ તો મહારાજ સામેથી તેને પામવાનું બધું જ પૂરું કરી આપે છે.
માણાવદરવાળા મયારામ ભટ્ટનાં માતુશ્રી એકવાર મહારાજના વિયોગમાં વિરહાતૂર થઈ ગયાં. પછી ખાવા-પીવા કે હરવા-ફરવાની બધી જ ઇચ્છાને હરામ કરી હરિભજનમાં એકતાર થઈને જોડાઈ ગયાં, તો તરત સ્વામિનારાયણ ભગવાને સાક્ષાત્ પ્રગટ થઈને દર્શન આપ્યાં.
આપણે પણ આવી રીતે ભજન-સ્મરણ ઉપાડી મૂકવાની જરૂર છે. બીજી બબાલ પડી મૂકી એક પ્રભુમાં જ પ્રેમ વધારવાની જરૂર છે. તે માટે ખૂબ કથા-કીર્તનનો યોગ રાખવાની આવશ્યકતા છે. જો આવું તાન રાખી મંડી પડીએ તો મહારાજ કૃપા કરી બાકી બધું તે પોતે પૂરું કરી આપશે. સામેથી આવીને મળી જશે. માટે ચાલો હવે સતત હરિસ્મરણ કરવાની ટેવ પાડીએ. હે મહારાજ ! મને એવું બળ આપજો કે અખંડ તમારું ભજન-સ્મરણ કરવાનું તાન વધતું જ રહે.