
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...
વહાલા ભક્તો ! આ દુનિયામાં કેટલાય લોકો બહેરા-મૂંગા જન્મે છે, કેટલાય આંધળા જન્મે છે, કેટલાય હાથ-પગ વગરના જન્મે છે. ભગવાને આપણા ઉપર કૃપા કરીને એવું થવા દીધું નથી. આ શું કરુણા નથી ? એક વિડિઓ ક્લિપમાં હાથ વગરનો એક છોકરો પગ વડે ખાતો હતો. બોલો ! એ કાંઈ ઓછું દુઃખ કહેવાય ? આપણે હાથ ન હોય અને પગેથી ખાવું પડતું હોત તો કેટલી તકલીફ થાત ? પણ, મહારાજે આપણને હાથ આપ્યા છે, એવું બીજું જે કાંઈ આપ્યું છે તેનો રોજ આભાર માનતા નથી.
ખાનપાન ખબર રાખી-જીવન જાણું છું,
શું હું દેખાડું કહી દાખી-જીવન જાણું છું.
શું આપણે એ માનવા તૈયાર છીએ કે, દરરોજ ખાવા-પીવાનું આપણને ભગવાન આપે છે ? સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે, ‘મારો ઝાઝો મહિમા ન સમજો તો કાંઈ નહીં, પણ મને અન્નદાતા તો માનજો.’ આપણે બધા તો એવું સમજીએ છીએ કે, ખાવાનું તો આપણે મહેનત કરીએ છીએ એટલે મળે છે, પરંતુ દુનિયામાં ઘણા લોકો એવા હશે કે, ઘણી મહેનત કરવા છતાં તેમને આપણા જેવું ખાવાનું મળતું નહિ હોય. માનો કે, બે-પાંચ દિવસ ખાવાનું ન મળ્યું હોય અને પેટમાં ભૂખનાં ભડકા થાતા હોય તેવી વખતે કોઈક દયા કરીને દાળ, ભાત, શાક, રોટલી આપે તો આંખમાં કેવી આંસુડાંની ધાર થાય ? આ તો રોજ ભગવાન આપે છે એટલે તેમનો મહિમા નથી સમજાતો.
ગઢપુરમાં ઓગણોતેરા કાળ વખતે સ્વામિનારાયણ ભગવાને બે ગરીબ છોકરાને બે રોટલા આપ્યા હતા; તો તેને આંખોમાંથી દડ દડ આંસુડાં વહ્યાં ગયાં. અને એ છોકરાને ભગવાનમાં બહુ હેત થયું. પછી રોતાં રોતાં એમ બોલ્યા કે, ‘હે સ્વામિનારાયણ ! તમે તો આવા કાળમાં અમારા બે દિવસ ટૂંકા કરી નાંખ્યા.‘ છોકરા ગયા પછી મહારાજ સંતો પ્રત્યે એવું બોલ્યા કે, ‘આ બેય છોકરા આવતા જન્મે ઈન્દ્ર થશે.’ ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, ‘શા કારણે ઈન્દ્ર થાશે ?’ તો મહારાજ કહે, ‘અમે રોટલા આપ્યા, તેથી એને અમારામાં હેત થયું એટલે ઈન્દ્ર થાશે.’ આપણે જન્મ્યા તે દિવસથી સ્વામિનારાયણ ભગવાન આપણને રોટલા આપે છે. એને લઈને આપણને ક્યારેય હેત થયું ? તે આપણે વિચારવું જોઈએ.
પશુ મિટાઈ મનુષ્ય મોય કીનો,
અન્ન જલ પોષત સાંજ સવેરી;
કહાઁ કહું હરિ કરુણા તેરી...
આપણને મહારાજે આ વખતે ઢોરને બદલે માણસ બનાવ્યા, તે વાતને આપણે કરુણા તરીકે લઈએ છીએ ? માટે સવળા વિચાર કરીને આ સત્યને સ્વીકારીએ તો ઝટ ભગવાનમાં પ્રેમ થાય. અને પ્રેમ થાય તો એની મેળે ભજન થાય, સહજતાથી સુધરી જવાય; નહીંતર ગમે તેટલા ઉપદેશ સાંભળીએ કે ગમે તેટલું લખીએ-વાંચીએ પણ તેથી તો ઘડીક પૂરતા સુધરેલા રહીએ. પછી વળી પાછા હતા તેવા ને તેવા થઈ જઈએ. જૂના ખંડરે પડતર કૂવામાં લીલ જામી ગઈ હોય; તેમાં ઉપરથી પાણો નાંખો એટલે થોડીવાર લીલ દૂર જાય, પછી તરત તે લીલ ભેગી થઈ જાય. એમ કથા-વાર્તા કે શિબિર જેવું કાંઈક સારું વાતાવરણ હોય ત્યારે આપણને થોડા દિવસ સારા વિચાર આવે, ભજનનું તાન રહે અને પાપમાર્ગમાં ન પડીએ, પણ થોડા વધારે દિવસો જાય એટલે પાછા હતા એવા ને એવા થઈ જવાય છે.
ખાનપાન ખબર રાખી-જીવન જાણું છું,
શું હું દેખાડું કહી દાખી-જીવન જાણું છું.
હે પ્રભુ! તમે જે મારી ખબર રાખી છે, મને જે સાચવ્યો છે તેને હું શું કહી દેખાડું ? તમે મારી સર્વેપ્રકારે ખબર રાખો છો. દરરોજ સાંજ પડે ત્યાં સુધીમાં રોડ ઉપર કેટલાય માણસોના હાથ-પગ ભાંગે છે; આપણા નથી ભાંગ્યા તે ભગવાનની બહુ મોટી કૃપા ન કહેવાય ? કેટલાય માણસને ગુંડા લોકો પકડીને બાનમાં રાખે છે. પછી જેટલા રૂપિયા માંગે એટલા દવા પડે છે. આપણી એવા અનિષ્ટ તત્ત્વો થકી રક્ષા થઈ છે, તે શું પ્રભુની કૃપા નથી ? પરંતુ આપણે સલામત છીએ એટલે જ આવી કૃપા સમજવા તૈયાર નથી; પણ જેટલી કૃપા નથી સમજતા એટલા અહંકારી છીએ, બુદ્ધિના ડોડમાં રખડીએ છીએ પણ આપણને ભાન નથી કે બુદ્ધિદાતા ને સુખદાતા એકમાત્ર ભગવાન જ છે.
આજ સુધી પણ અમારી-જીવન જાણું છું,
રાખો છો ખબર સારી-જીવન જાણું છું.
હે જીવન ! આજ દિવસ સુધી તમે જ અમારી ખબર રાખી છે અને હજી પણ રાખો છો; તેને હું જાણું છું. નિષ્કુળાનંદ સ્વામી જાણે છે, ભૂલ્યા નથી અને આપણને તો શું કામ જન્મ્યા છીએ ? અને શું કરવાનું હોય અને શું થાય છે ? તેની કાંઈ ગતાગમ જ નથી. બસ, આ લોકની સુખ, સગવડતા પ્રાપ્ત થાય એનો જ આનંદ છે.
આવા આનંદને જ ભોગવ્યા કરીશું અને ભગવાનની કરુણા યાદ નહિ કરીએ તો ક્યારેય ભગવાનમાં હેત નહિ થાય અને આજ સુધી જેમ જન્મ-મરણમાં ભટક્યા છીએ તેમ જ હજી પણ ભટકતા રહીશું. માટે વહાલા ભક્તો ! ભગવાને આપણને જે આપ્યું છે, જે રીતે આપણને સાચવે છે તેને યાદ કરી ભગવાનના ઉપકાર-કરુણા તળે દબાયેલા રહીએ તો ભગવાનમાં અત્યંંત હેત થાય અને ભગવાન સંભારવા ન પડે, એની મેળે સાંભર્યા કરે...