
સમયની સાથે સંગ બદલાય તો જીવન પણ બદલાઈ જાય; એવી જ એક વાત છે..... હેમાંગ એક સામાન્ય છોકરો હતો, પણ એના વિચારો, એની જીવનશૈલી બાકીના છોકરાઓથી કંઈક આગવી હતી. સંસ્કાર અને સત્સંગને લીધે તે બાળપણથી જ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા રાખતો. ભગવાન અને ભગવાનના વચનમાં ખૂબ વિશ્વાસી એવો હેમાંગ પૂજા કર્યા વગર તો તેના દિવસની શરૂઆત ન કરતો. તેના શાળાના મિત્રો જ્યારે વિડિઓ ગેમમાં, મોબાઈલમાં કે પાર્ટી કરવામાં વ્યસ્ત રહેતા; ત્યારે હેમાંગને સત્સંગ પ્રત્યે આગવો લગાવ હોવાથી તે મંદિરની સેવામાં વ્યસ્ત રહેતો.
માતા-પિતાએ આપેલા સંસ્કાર તેનું આવું જીવન બનવાનાં મુખ્ય કારણ હતાં. દરરોજ સાંજે ભજન, દોહા, ધૂન અને સત્સંગ; એ તો તેની રોજનીશીનો એક ભાગ હતાં. હેમાંગનાં સંસ્કાર અને પ્રવૃત્તિ જોઈ; જોનારનું મન હેમાંગને ભવિષ્યમાં સાધુ બનવાની કલ્પના કરવા મજબૂર કરતું. તેને મળેલા સંતના સંગને કારણે આ બધું થઈ રહ્યું હતું. પણ..... કહેવાય છે ને સમય બળવાન હોય છે. આ પરિવર્તિત જમાનામાં સમયની સાથે બધું બદલાઈ જાય છે. ઘણી વાર ઇચ્છાઓ નહિ, પણ સંજોગો ઘણું બધું બદલી નાખે છે.
કોલેજમાં પ્રવેશ બાદ હેમાંગને એક નવા શહેરમાં રહેવાનું થયું. ત્યાંનું વાતાવરણ કંઈક અલગ હતું. અજાણ્યા અને પ્રલોભનથી ભરેલા આ વાતાવરણનું વર્ચસ્વ સારા વ્યક્તિને પણ બદલી નાખે એવું હતું. તેનું જીવન સત્સંગપ્રધાન હોવાને કારણે શરૂઆતમાં તો હેમાંગ પોતાના નિયમોમાં અડગ રહ્યો, પરંતુ હવે તો તેનો સંગ બદલાઈ ગયો. ધીરેધીરે એ નવા મિત્રો સાથે સાંજના સમયે ફરવા નીકળવા લાગ્યો. મિત્રો તેના જેવા નહોતા. તેઓ કહેતા કે, ‘આવડી મોટી જિંદગીમાં કંઈક નવું કરો... હંમેશાં પૂજાપાઠ જ કરો છો, જરાક એમાંથી બહાર આવી આ રંગીન દુનિયાને તો જુઓ. થોડું મોજ કરો યાર....
જ્ઞાન શબ્દોનું ઝેર તો, હોય છે ખતરનાક;
સાવધ જો ન રહો તો, જરૂર કપાવે નાક.
કહેવાય છે ને કે, “જેટલું ઘૂંટો એટલું પાકું થાય.” બસ, એ જ ન્યાયે દરરોજની આવી વાતો, આ સંગ અને શહેરનું મોહજાળ વાતાવરણ ધીરેધીરે હેમાંગના વિચારોને ખસેડવા લાગ્યું. ‘જિંદગી તો એક જ વખત મળે છે, માટે એને માણી લેવી.’ એમ કહેનારા મિત્રો સાથે સમય પસાર કરતાં કરતાં એ પોતે કોણ છે એ ભૂલવા લાગ્યો. હવે તો હેમાંગને સત્સંગને બદલે મિત્રસંગનો પ્રભાવ પડવા માંડયો. જોતજોતામાં એક એવી સાંજ આવી કે, બધા મિત્રોએ પાર્ટી રાખી હતી અને તેમાં હેમાંગ હાજર હતો. ત્યાં એની સામે એક ગ્લાસ આવ્યો; જે તેના પરિવર્તનની હદરેખા જેવો હતો. તેણે ઘણો વિલંબ કર્યો, પણ અંતે વિચારો કરતાં કરતાં સંકોચ રાખતાં રાખતાં એણે પી લીધું. ‘આ તો ફક્ત એક જ વખત, બસ પછી તો ક્યાં પીવું છે.’ એમ તે પોતાની જાતને સમજાવતો અને સાચી સમજણને સંતાડતો હતો. અને ત્યારબાદ ‘ખાલી એક જ વખત’ વાળી પોતે બનાવેલી રેખા હવે ધૂંધળી થવા માંડી. એક વખતનો નબળો નિર્ણય હવે તેને મજબૂર બનાવવા માંડયો.
કુસંગીનો સંગ નઠારો, કરવો નહીં જરાય;
રજય થૈ જાય તોય પણ, જ્ઞાન બહુ જ્યાન થાય.
ભજનની જગ્યાએ હવે ખૂબ શોર ગૂંજવા માંડયો અને સત્સંગના આનંદને બદલે રાતભરની મોજમસ્તી. વળી, તેનાં નિયમો અને પ્રભુ પ્રત્યેની લગન; માત્ર યાદો બની રહ્યાં હતાં. સત્સંગમાંથી મળતો સ્નેહ તો ક્યાંય ગાયબ થઈ ગયો હતો. પહેલાં પ્રેમથી થતી સવારની પૂજા હવે માત્ર એક ફરજ બનીને રહી ગઈ. ભાવ સાથે જીવવાને બદલે માત્ર રોજનીશી કરવામાં આવી રહી હતી. પહેલાં પ્રેમભરી લાગતી આરતીની ધૂન પણ હવે સૂની લાગવા માંડી. હેમાંગ જાણતો હતો કે, તેનો સત્સંગ, નિયમો હવે 'Damage' થઈ ચૂક્યા છે. એક બદલાવમાં તરતી નાવ હવે ડૂબવા માંડી હતી અને એ નાવ Damage થવાનું કારણ હતું : “ખરાબ સંગનો પ્રભાવ.”
આ દુનિયાના પ્રલોભનો મુમુક્ષુને બહુ જ ડેમેજ કરે છે. એક ભગવાનને પામવાના ટ્રેક પર ચાલવામાં વિઘ્નરૂપ થાય છે. તેથી હંમેશાં એવા અનુભવી મોટા માથે રાખવા પડે છે. આપણા ધ્યેયને ડેમેજ કરનારાં ઘણાં પાત્રો છે. માટે તેનાથી બીતા રહેવું જોઈએ અને ધ્યેયને તાજો રખાવે એવા મોટાપુરુષ મીઠા મધ જેવા લાગવા જોઈએ; તો જ માયા ડેમેજ ન કરે.
જ્ઞાનનો દૃઢ ઠરાવ હોય, મિત્રની હોય સહાય;
હરિ સંતના આશિષ હોય, તો જ ડલથી બચાય.
હે મારા વહાલા ! મારે ખરેખર આપને જ પામવું છે. આપને પામવામાં વિષયાદિકની આસક્તિ અને અહં આ બંને ડેમેજ ન કરે એવી કૃપા વરસાવતા રહેજો હો ને… તે માટે આપને પામવાનો ધ્યેય હું દરરોજ તપાસતો રહીશ. મોટાને હંમેશાં માથે રાખીશ. આપ સદૈવ સાથે રહી મદદ કરતા રહેજો હો ને..! રક્ષા કરજો હો ને..!