D.M.D પ્રોજેક્ટ...

D.M.D પ્રોજેક્ટ...

આ સત્સંગમાં લાખો ભક્તો છે. બધા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ભક્તિ કરે છે. એમાં આપણે પણ એક છીએ, પરંતુ જો મુમુક્ષુ બનીને જોઈએ તો તેમાંથી ઘણા આપણા કરતાં ઝડપથી આગળ વધી ગયા હોય છે. તેમના જીવનમાં ભગવાનની, ગુરુની અને સંતો-ભક્તોની નિષ્ઠા ચડિયાતી હોય છે.

આપણા કરતાં એમનું નિર્માનીપણું તથા નિર્વાસનિકપણું ઘણું વધુ હોય છે. આપણા કરતાં એમની સેવા, ભક્તિ અને સમર્પણ ઘણું વધારે હોય છે. આમ સત્સંગની દૃષ્ટિએ એ આપણા કરતાં ઘણા આગળ હોય છે.

વળી, આપણે જ્યારે સત્સંગમાં એન્ટ્રી લીધી ત્યારે ઘણાક આપણા કરતાં સત્સંગમાં જૂના અને મોટા સંતો-ભક્તો હતા. આપણે એમની ભેળા વર્ષોથી રહીએ છીએ, તોપણ હજી એના જેટલી સ્પીડ લાવી શક્યા નથી. આપણે અને તેમને એક જ કથા, એક જ ગુરુ અને એક જ ઈષ્ટદેવ હોવા છતાં આપણે તેઓને આંબી શકતા નથી, એમના જેવા બની શકતા નથી.

હવે તેની બીજી સાઈડ જોઈએ તો અમુક પાત્રો આપણી આજુબાજુમાં એવાં પણ હશે કે, જે આપણાથી ઘણા જૂના કે મોટા હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ આપણા કરતાંય પાછળ હશે અથવા પહેલાં ઘણા સારા હોવા છતાં દેશકાળે પાછા પડી ગયા હશે. આ બધું વિચારતા એક સવાલ પેદા થાય છે કે, આ સત્સંગમાં આગળ વધવાનું કે પાછા પડી જવાનું મૂળ કારણ શું છે ?

જો આપણે સત્સંગમાં સદૈવ આગળ જ વધતા રહેવું હોય તો તેનું રહસ્ય છે... M. D. પ્રોજેક્ટ,
D = દિવ્યભાવ
M = મુમુક્ષુતા
D = દાસત્વભાવ

D - દિવ્યભાવ : દિવ્યભાવ એટલે શું ?

અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન અને એમની સાથે અનંત મુક્તો બેઠા છે.
તે જેવા માયાતીત, દિવ્ય-ભવ્ય અને સમર્થ છે એવો ને એવો જ ભાવ અહીં મૂર્તિરૂપે રહેલા શ્રીહરિમાં અને એમના પરમ ઉપાસક મોટાપુરુષ તથા સંતો-ભક્તોમાં થઈ જાય એનું નામ દિવ્યભાવ થયો કહેવાય. જો એ દિવ્યભાવ સદા વધતો રહે તો આપણે પણ તેમના જેવા દિવ્ય-મુકત બની જઈએ.

આપણને એવો ને એવો દિવ્યભાવ કાયમ, દરેક પરિસ્થિતિમાં રહેતો નથી. મોટાપુરુષ કે સંતો આપણને રમાડે, જમાડે, આનંદ કરાવે, ઘેર થાળ-પધરામણી કરી આપે ત્યારે દિવ્યભાવ રહે; પણ ભૂલ બતાવે, વઢે-ટોકે ત્યારે સારા ન લાગે. હરિભક્તો પણ આપણને રૂપિયા જોઈતા હોય ત્યારે ઉછીના આપે, મદદ કરે ત્યારે મોટા મનાય; પણ આપણો સ્વાર્થ ન સરે એટલે ગંધાઈ જાય છે. થોડીક વસમી વેળા આવે ત્યાં તો કાંઈનું કાંઈ થઈ જાય છે.

વ.ગ.પ્ર.૫૮માં કહ્યું છે કે મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટાપુરુષ હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટાપુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવા નિષ્કામી હોય તોપણ અતિશય કામી થાય.”

વળી, શ્રીહરિચરિત્રામૃતસાગરમાં કહ્યું છે કે,

संत रु हरिजन मांई, मुक्तभाव जेही उर रखत ।
आधनुि मुक्त हो जाई, एसो प्रताप हे समजहु को ।।

માટે ભગવાન સંતો-ભક્તોમાં જેટલો દિવ્યભાવ મુક્તભાવ ધારીએ એટલા આપણે પણ દિવ્ય મુક્ત બની જઈએ. માટે ઠરાવ કરીએ કે આજથી હું સ્વામિનારાયણ ભગવાન અને એના ઉપાસક, નિષ્ઠાવાન, નિયમધારી, સંતો-ભક્તોને દિવ્ય-ભવ્ય, મુક્ત જ માનીશ. કમસે કમ મારા કરતાં તો સારા માનીશ જ.

M - મુમુક્ષુતા : મુમુક્ષુતા એટલે પ્રભુને પામવાની તીવ્ર તમન્ના.

સ્વામિનારાયણ ભગવાન અને એમના વહાલા સંતો-ભક્તોને સત્સંગમાં આગળ વધવાનું રહસ્ય દિવ્ય જાણીએ પણ જો આપણામાં પૂરી મુમુક્ષુતા ન હોય તો એ ભૂલ થાય કે આપણે પ્રભુ અને પ્રભુના પ્યારાઓ પાસે હંમેશાં ભગવાન સિવાય બીજી ઈચ્છા રાખ્યા કરીએ.
તેથી આપણી ઈચ્છા, માંગણી હોય એમાં આપણાં સેવા, ભજન બધું કન્વર્ટ થઈ જાય. આપણી આલોકમાં જે કંઈ પરિસ્થિતિ હોય, મુશ્કેલી હોય તેને બરાબર કરવા આપણી કમાણી ધોઈ ન નંખાય. કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો પ્રભુને પ્રાર્થના જરૂર કરાય કે, “હે મહારાજ ! આપ ઈચ્છતા હો તો દેજ્યો, પણ આને આ જન્મે મારું કલ્યાણ જરૂર કરજો. કલ્યાણ બગાડીને હું કંઈ માંગતો નથી.” આવો ડાહ્યો મુમુક્ષુ હોય તેને આ સત્સંગમાં ક્યારેય ઘટવાનું આવતું નથી. એનાં ભજન, ભક્તિ, સેવા અને સમાગમનો રંગ ચડતો ને ચડતો જ રહે છે, માટે મુમુક્ષુતા ધારદાર રાખવી.

જેનામાં મુમુક્ષુતા ઓછી હોય તેને અક્ષરધામ કરતાં આલોકની પ્રધાનતા વધુ હોય છે. તેને પોતે કરેલી સેવા, ભક્તિ, ભજન, ભાવના વગેરે કમાણી, આલોકનું મેળવવા વપરાઈ જાય છે. અને આ કસરને કારણે ઘણીવાર તેનો દિવ્યભાવ મોળો પડી જાય છે અને સંતો-હરિભક્તોના અભાવ-અવગુણ પણ આવી જાય, એવી મોટી નુકશાની થઈ જાય છે. જેને દિવ્યભાવ અને મુમુક્ષુતા આ બે બાબત પાવરફુલ હોય, પ્રભુને જ પામવાની અને પ્રસન્ન કરવાની ખરેખરી તમન્ના હોય તેને આ દુનિયામાં કોઈ આગળ વધતા રોકી શકે નહીં.

D - દાસભાવ :

આ સત્સંગમાં જે દિવ્યભાવ,
મુમુક્ષુતા રાખી સેવા, ભજન, ભક્તિ કરતો હોય તે બહુ આગળ વધી જાય છે. પછી તેને સૌ આગળ લે, સૌ બોલાવે, મોટા માને, વખાણે, બીજા એની પાસે બેસવા આવે, સલાહ લેવા લાગે, આવાં માનસન્માન મળવા લાગે ત્યારે એક પ્રોબ્લેમ ઊભો થાય છે કે, આજ દિવસ સુધી આપણે જેને મોટા માનતા, દિવ્ય માનતા, જેમને સેવીને આપણે આવા થયા તેની સાથે જ આપણું અહં ટકરાય, બરોબરિયાપણું થવા લાગે. ભગવાન, મોટાપુરુષ અને સંતો-ભક્તોને આજ દિન સુધી આપણે સેવ્યા, રાજી કર્યા, એ કહે એમ કરતા રહ્યા તેને લઈને આપણામાં ઘણા સદ્ગુણો આવ્યા અને સહુનો રાજીપો મળ્યો; પણ પછી તેની સાથે જ અહંકાર આવતા બરોબરિયાપણું થાય. એમની સાથે જ અભાવ- અવગુણના વાંધા-વચકાં શરૂ થઈ જાય, એટલે બહુ મોટો પ્રોબ્લેમ એ થાય કે હવે દિવ્યભાવ રાખવો હોય તોય ન રહે, મુમુક્ષુતા ખરવા માંડે.

જો એનાથી બચવું હોય તો એક ઉપાય છે, દાસભાવ. દાસભાવ જ દિવ્યભાવનું પ્રોટેક્શન બને છે. દાસભાવ જ આપણી મુમુક્ષુતાને આંચ આવવા દે નહીં. કદાચ દિવ્યભાવ અને મુમુક્ષુતામાં ખામી હોય તોપણ ભગવાન અને ભગવાનના સંતો-ભક્તો પાસે દાસના દાસ થઈને રહી શકતા હોઈએ તો એ ખામી પણ પુરાઈ જાય. એટલી દાસભાવમાં તાકાત છે. પરંતુ સત્સંગમાં થોડા જૂના થઈએ, કંઈક સદ્ગુણ આવે, રાજીપો મળે , સૌ માન આપે, ભજનનું બળ આવે, થોડા દોષો ટળે પછી પહેલા જેવું દાસત્વ રહેતું નથી.

જે ભક્તો દાસભાવ રાખીને પોતાના લીડર કે મોટેરાઓને અનુસરતા નથી ત્યાં અભાવ-અવગુણ, કુસંપના પ્રશ્નો ઘણા છે. ઘણો રાજીપો લઈ શકાય એવું હોવા છતાં તેઓ રાજીપો લઈ શકતા નથી. એનું મૂળ કારણ જ્યાં દાસભાવ રાખવો ઘટે ત્યાં રાખી શકતા નથી.

જેના રોમેરોમમાં મહારાજ વિલસે છે એવા મોટા સંત મહારાજે આપણને આપ્યા છે, પણ તેમની આજ્ઞા હોય કે આ તમારા લીડર, એને મોટા માની એ કહે એમ કરો, છતાં એમ કરી શકતા નથી. કેમ જે, પરસ્પરનું બરોબરિયાપણું આજ્ઞા-મરજી તોડાવે છે, દિવ્યભાવ તોડાવે છે, મુમુક્ષુતામાં મોટી ખોટ ખવડાવે છે.

દાસભાવ લોપાણો તો સારું હશે તે પણ બગડી જશે. માટે મહારાજ, ગુરુજી, સંતો અને આપણા કરતાં જે મોટા ગુણિયલ હરિભક્તો છે એમના દાસ થઈને રહેવામાં કાચપ નહિ રાખીએ તો, કદાચ આપણામાં ઘણું અધૂરું હશે તોપણ તે ખોટ પુરાઈ જશે.

M. D. પ્રોજેક્ટ ચરિતાર્થ કરવાના ઉપાય :

  • આપણાથી જે જે ગુણે કરીને ખરેખર મહાન છે એને મોટા માની લેવા અને તેની પાસે નાના થઈને વર્તવું.
  • બધા જ મોટા ન લાગે તો સત્સંગમાં બે સારા સંતો, બે-ત્રણ સારા ભક્તો એટલાને આપણે મોટા માની લઈએ અને એમની પાસે નાના થઈને વર્તીએ તો આપણું કામ થઈ જાય.
  • ધીરેધીરે તેમના જેવી પાત્રતા-ઊંચાઈ આવશે. પછી બધા જ દિવ્ય લાગશે. મુમુક્ષુતા જાળવી રાખીશું તો એક દિવસ દાસભાવ સંપૂર્ણ થઈ જશે.

D. M. D. પ્રોજેક્ટ ચિંતામણિ સમાન છે. આ ત્રણે બાબત પકડીને ચાલતા રહ્યા ને કથા-વાર્તા દ્વારા આ ત્રણનું પોષણ કરતા રહ્યા તો આપણો સત્સંગ સતત ચડતો ને ચડતો રહેશે. એક દિવસ આપણે પણ નંદસંતો, દાદાખાચર અને મોટીબા જેવા મહા મુક્ત બની જશું...