4N પ્રોજેક્ટ ...

પ્રભુને પામવા નીકળેલા આપણે સૌ મુમુક્ષુઓ સત્સંગમાં સદૈવ આગળ વધતા રહીએ, પણ કદિ પાછા ન પડી જઈએ; તે અતિ જરૂરી છે. વળી, આજના યુવાનો અને યુવતીઓ મોટા દુઃખથી બચી શકે તથા સદા સુખી રહે, તે અતિ આવશ્યક છે. તે માટે આપણા સંતો તથા શાસ્ત્રોએ જે અફર ઉપાય દર્શાવ્યો છે, તેને આજની ભાષામાં કહેવામાં આવે છે - 4N પ્રોજેક્ટ: 

4N એટલે, આપણા જીવનમાં ચાર Nની દૃઢતા :

N = નિયમ-ધર્મની દૃઢતા
N = નિષ્કપટપણાની દૃઢતા
N = નિર્માનીપણાની દૃઢતા
N = નિષ્ઠાની દૃઢતા

ભક્ત થયા પછી પણ દુઃખી થવાનું કારણ તથા તેનો ઉપાય શું ?

આપણે ભગવાનના ભક્ત થયા પછી પણ આપણા જીવનમાં દુઃખ આવે છે. તેનું કારણ છે આપણા જીવનમાં રહેલું અજ્ઞાન. આ અજ્ઞાનને કારણે બે મોટી ભૂલ થાય છે:

  1. આસક્તિ - જે શ્રીહરિ, સદગુરુ અને સંતો-ભક્તોની આજ્ઞા લોપાવે છે. આજ્ઞા લોપવાથી ભયંકર દુ:ખ આવે છે.
  2. અહંકાર - જે આપણા પરમહિતેચ્છુ એવા શ્રીહરિ, સદગુરુ અને સંતો ભક્તો સાથે અથડામણ કરાવે છે. તેમના અભાવ-અવગુણ લેવડાવે છે. તેમની પાસે નિર્માની તથા નિષ્કપટ થવા દેતો નથી. પરિણામે બહુ મોટું દુ:ખ ભોગવવાના માઠા દિવસો આવે છે.

શાસ્ત્રોએ દર્શાવેલ જીવનમાં દુઃખ આવવાનાં કારણો :

  • સદાચારનું  ઉલ્લંઘન કરીને જે  મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે, તે આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે.  (શિક્ષા. શ્લોક-૯)
  • પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો-અવળો ડોલે છે, ત્યારે ક્લેશને પામે છે. (વચ.ગ.પ્ર.-૩૪)
  • માન, ઈર્ષા ને ક્રોધ; એ ત્રણ દોષ તે કામ કરતાં પણ અતિશય છે. કેમ જે, કામી ઉપર સંત દયા કરે, પણ માની ઉપર ન કરે.(વચ.અં.-૨૭)
  • જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. (વચ.લોયા-૧૬)
  • ભગવાન ને ભગવાનના ભક્તોનો અભાવ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. (વચ.અં.-૧૨)
  • જેને ભગવાન ને ભગવાનના સંતની નિષ્ઠામાં જો કાંઈક ફેર હોય, તો તેનું  ભગવાન રૂડું કરવાને ઈચ્છે તોય પણ રૂડું થતું નથી. (વચ.પ્ર.-72)

આ બધા જ પ્રકારનાં દુઃખથી બચવાનો અને સદા આનંદમાં રહેવાનો ઉપાય એટલે.... 4N પ્રોજેક્ટ:

(૧) N-1 એટલે નિયમ ધર્મની દૃઢતા :

4N પ્રોજેક્ટનો પ્રથમ N એટલે કે, નિયમ-ધર્મ ની દૃઢતા.મહારાજે વચનામતૃ માં કહ્યું કે, "વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે, તેવો આનંદમાં રહે"(વચ.પ્ર ૩૪). પ્રથમ Nની દૃઢતા માટે મહારાજ તથા સંતની આજ્ઞા પાળીએ, તો ખૂબ જ સુખી થઈએ. જેમ કે....

  1. કોઈપણ પ્રકારની ચોરી કરવી જ નહીં.
  2. કોઈપણ પ્રકારે અનીતિ, છેતરપિંડી કરવી જ નહીં.
  3. કોઈપણ પ્રકારની લાંચ લેવી જ નહીં.
  4. બિનકાયદેસર ડબ્બો, શેર-શટ્ટો, જુગાર કે બીટકોઈન જેવી લોભામણી બાબતોથી દૂર રહેવું.
  5. પર સ્ત્રી કે પર પુરુષ સાથે વ્યભિચાર ન જ કરવો.
  6. યુવાનીમાં પોતાની મા, બેન અને દીકરી સંગાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું.
  7. ફોન, ટેબ્લેટ કે સોશ્યલ મીડિયામાં ખરાબ જોવું કે વાંચવું નહીં.
  8. ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ જેવા કુરિવાજોથી દૂર રહેવું.
  9. દારૂ તથા માંસનું ભક્ષણ કદી ન કરવું.
  10. બહારનું અશુદ્ધ ખાવું પીવું નહીં.

વ્યાવહારિક દુઃખ ન આવે તે માટે :

  1. રૂડા અક્ષરે આવક-જાવકનો હિસાબ રાખવો.
  2. આવક કરતા વધારે ખર્ચ ન કરવો.
  3. સાક્ષી સહિત લખાણ કર્યા વિના પૃથ્વી કે ધનની લેણ દેણ ન કરવી.
  4. દુષ્ટજન સાથે વ્યવહાર ન કરવો.
  5. આવકનો દસમો (૧૦%) કે વિસમો (૫%) ભાગ ભગવાનને અર્પણ કરવો.
  6. મજૂરને જેટલું  દેવાનું કહ્યું હોય તેટલું આપવું, પણ તેથી ઓછું ન આપવું.
  7. ભગવાનના ભગત થઈને આપણો બીજાને કડવો અનુભવ થાય, તેવું ન થવા દેવું.

જે નિયમો પાળવાથી આનંદ આવે અને નિયમો પાળવાનું બળ મળે તેવા નિયમો :

  1. રોજિંદી કથા સાંભળવાની ટેવ પાડવી.
  2. 3D ચેષ્ટા , ઓરડા વગેરે જોવાં.
  3. સત્સંગ-સભાનો રેગ્યુલર લાભ લેવો.
  4. પૂજા-માનસી તથા ધૂન-કીર્તન ભાવથી કરવાં.
  5. રોજ મહારાજ, સંતો-ભક્તોના ઉપકાર સાંભરવા.
  6. ભગવાન અને સંતોનો મહિમા અને પ્રેમ વધે, તેવાં ધૂન-કીર્તનનું શ્રવણ, મનન, ચિંતન અવશ્ય કરી લેવું.
  7. નિયમમાં સાવધાન હોય તથા મહિમાવાળા હોય, તેવા સંતો-ભક્તો સાથે જોડાણ રાખવું.
  8. વર્ષમાં અમુક સમયે સંતો સાથે રહેવા અવશ્ય જવું.
  9. પોતાનો આંતરિક રિપોર્ટ મોટા સંતો-ભક્તો ને સમયોચિત આપી દેવો.

(૨) N 2 એટલે નિષ્કપટપણાની દૃઢતા :

નિયમ-ધર્મની ખામીને ટાળવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય, એટલે સંપૂર્ણ નિષ્કપટપણું. જેમ કે,

  1. આપણી ભૂલ સુધારી શકે તેવા સંતો-ભક્તો ને પૂરેપૂરું કહી દેવું.
  2. જ્યાં સુધી સંપૂર્ણ ટળી ન જાય ત્યાં સુધી વારંવાર કહેતા રહેવું.
  3. આપણું મન, માન કે કોઈ વ્યક્તિ ,ગમે તેટલી વાર ના પાડે તો પણ કહેતા રહેવું.

(૩) N 3 એટલે નિર્માનીપણાની દૃઢતા :

સહેજે નિષ્કપટ થઈ શકાય અને માનનાં દુઃખોથી બચવાનો ઉપાય એટલે, મોટા પાસે સંપૂર્ણ નિર્માનીપણું. જેમ કે,

  1. પૂ. ગુરુજી, સંતો અને આપણા કરતાં ગુણે કરીને મોટા ભક્તો પાસે અતિ સરળ, દાસનુદાસ થઈ રહેવાની દૃઢતા કરવી.
  2. મોટા સાથે બરોબરીયાપણું કે ઈર્ષ્યા ન કરવી.
  3. સંતો-ભક્તોની નિંદાની વાત કરવી નહીં કે સાંભળવી નહીં.
  4. મોટા મનધાર્યું મુકાવે કે વઢે ટોકે, તો પણ સદા સવળું જ લેવું. કેમ જે, અવળું લેવાવાળા પર રાજીપો થતો નથી.
  5. આ બધું કરવા 3M પ્રોજેક્ટ નો અમલ કરવો. કોઈ એક ભક્તને તો 100% સંપૂર્ણ સોંપાઈ જવું.

N-1 નિયમ-ધર્મની ત્રુટી પૂરવા N-2 નિષ્કપટપણાની જરૂર છે.તેની ત્રુટી પૂરવા N-3 નિર્માનીપણાની દૃઢતા કરવી પડે. તેવીજ રીતે, N-3ની ત્રુટી પૂરવા N-4 નિષ્ઠા ની દૃઢતા કરવીજાેઈએ.

(૪) N 4 એટલે નિષ્ઠાની દૃઢતા :

4N પ્રોજેક્ટમાં સૌથી મહત્વનો કોઈ N હોય તો તે છે ચોથો N. અગાઉના ત્રણે  Nને સિદ્ધ કરવામાં N-4 ખૂબ જ ઉપયોગી છે. નિષ્ઠા એટલે મહિમા અને વિશ્વાસની પરિપક્વતા.જેને શ્રીહરિ અને સંતની નિષ્ઠા હોય તેનું કાળ, કર્મ અને માયા પણ ભૂડું  કરી શકતા નથી. જે ભગવાન ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષા, ક્રોધ રહે જ નહીં. તેની આગળ દાસનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે, તોપણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં.

આવી નિષ્ઠા તથા નિર્માનીતા દૃઢ કરવાના ઉપાય :

  1. મહિમાવાળાનો મહિમા સમજી તેનો પ્રસંગ કરતા રહેવું.
  2. મહારાજ તથા મોટાના મહિમાને વધારે, એવી કથા-વાર્તા ખૂબ સાંભળતા રહેવું.
  3. તેમની કૃપા, કરુણા, ઉપકાર અને પ્રેરક પ્રસંગોને કાયમ યાદ કરવાં.
  4. મહારાજ અને મોટાનો મહિમા ખૂબ જ વિચારતા રહેવું.

આપણે મહિમા વધારવો ખૂબ જ જરૂરી છે. મહિમા વધે છે તો નિષ્ઠા વધે છે. ને નિષ્ઠા દૃઢ થાય છે તો નિર્માનીપણાની, નિષ્કપટપણાની અને નિયમ-ધર્મની દૃઢતા આપોઆપ થાય છે.

જો આ રીતે 4N પ્રોજેક્ટમાં રહીએ તો ક્યારેય દુઃખ આવે નહીં, પાછા પડવાનું થાય નહીં. હરહંમેશ સંતો ભક્તો ને રાજી કરીને, દાસનુદાસ થઈને રહેતા થકા જીવતા લાખના અને મુવા સવા લાખના થઈ જઈએ. એટલે કે, અક્ષરધામના મુક્ત બની જવાય; એવોપ્રોજેક્ટ એટલે 4N પ્રોજેક્ટ ...