પ્રસાદી સ્મારક

શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય ચરણ અને લીલાથી પાવન થયેલા સ્થળોએ રચાયેલી પવિત્ર સ્મૃતિછત્રીઓ

સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણે ભારતભરમાં તથા તેની આસપાસનાં અનેક પ્રદેશોમાં વિચરણ કરી પોતાનાં દિવ્ય ચરણકમળ અને અલૌકિક લીલાઓથી અસંખ્ય સ્થળોને પાવન અને પ્રસાદીભૂત કર્યાં છે. એ પ્રત્યેક પ્રસાદીભૂત સ્થાનની ઓળખ, મહિમા અને સ્મૃતિ હજારો વર્ષો સુધી અખંડ જળવાઈ રહે — એવી પાવન ભાવનાથી પ. પૂ. સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામની પ્રેરણા થઈ.

આ ઉદાત્ત ભાવનાને સાકાર કરવા સ્વામીશ્રીની પ્રેરણાથી શ્રીસ્વામિનારાયણ મંદિર-કુંડળધામ દ્વારા શ્રીહરિનાં આ પ્રસાદીભૂત સ્થાનો પર શ્વેત આરસપહાણની નયનરમ્ય ‘સ્મૃતિછત્રી’ઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સ્મૃતિછત્રીઓ ભગવાન શ્રીસ્વામિનારાયણની દિવ્ય લીલાભૂમિની જાળવણી અને માવજત કરે છે, તે પવિત્ર સ્થાનની ચોક્કસ ઓળખ તથા ભૌગોલિક સ્થાન ચિરકાળ સુધી સુરક્ષિત રાખે છે, અને આવનારી પેઢીઓ — ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ — ને હજારો વર્ષો સુધી એ સ્થાનનો મહિમા તથા જગ્યાની જાણકારી પૂરી પાડે છે. જેથી ભાવિક ભક્તો અહીં દર્શને આવી તીર્થ કર્યાનું ફળ પામે અને શ્રીહરિની સ્મૃતિમાં ભક્તિભાવથી તરબોળ થાય.

આ પ્રસાદી સ્થાનનાં, મહિમા સહિત નિદાન;

ભાવે દર્શન કરીએ તો, પાપ બળી જાય જ્ઞાન.